મધદરિયે પડેલા ક્રુડનો ખરીદનાર શોધી રહ્યું છે રિલાયન્સ

ક્રુડનો કોઈ ખરીદદાર નથી !!

કોરોના વાયરસની અસરના કારણે વિશ્વભરમાં માંગ તળિયે પહોંચી જતાં ક્રુડનો વેપાર મુશ્કેલીમાં

કોરોના વાયરસના કારણે ક્રુડ ઓઈલના ખરીદ-વેંચાણને પણ મોટો ફટકો પડ્યો છે. વર્તમાન સમયે માંગ સદંતર ભાંગી પડતા ક્રુડનું કોઈ ખરીદદાર મળી રહ્યું નથી. સુત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વર્તમાન સમયે મધદરિયે પડેલુ ક્રુડ વેંચવા માટે ખરીદદાર શોધી રહી છે. વિશ્વની સૌથી મોટી રિફાઈનરી પૈકીની એક ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને ક્રુડના વેંચાણ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ ક્રુડના ભાવ નીચા છે. લીકવીડીટીના પ્રશ્ર્નો ઉભા થયા છે. ક્રુડ જેવી વસ્તુને હાઈસી પ્રોડકટ ગણવામાં આવે છે. ક્રુડ તાજેતરમાં ૩૦ ડોલરથી નીચે પહોંચી ગયું હતું. મીડલ ઈસ્ટના દેશોએ એશિયાના સ્પોર્ટ માર્કેટમાં ક્રુડ વેંચવા પ્રયત્નો કર્યા હતા. હાલ લોકડાઉનના કારણે ક્રુડની આયાત થઈ શકતી નથી. રિલાયન્સના મોટા પ્રમાણના કાર્ગો મધદરિયે પડ્યા છે. નિયમો મુજબ તેને કિનારે લાવી શકાય નહીં પરિણામે રિલાયન્સ આ કાર્ગોને મધદરિયે વેંચી નાખવા તત્પર છે. મધદરિયે જ કાર્ગો વેંચી નખાશે તો આગામી સમયે થનાર નુકશાન ઓછુ થશે તેવું માનવામાં આવે છે.

જામનગર ખાતે રિલાયન્સની વિશ્વની સૌથી મોટી રિફાઈનરીમાં દરરોજ ૧.૪ મીલીયન બેરલ ક્રુડ ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા છે. વર્તમાન સમયે ક્રુડની માંગ એકદમ ઓછી છે. વાહન-વ્યવહાર બંધ છે, ઈંધણ બણતુ નથી પરિણામે એપ્રીલ મહિનામાં રિફાઈનરી પાછળ થતો ખર્ચ ઘટાડવો રિલાયન્સ માટે આવશ્યક છે. જ્યાં સુધી ફરીથી માંગ ઉભી નહીં થાય ત્યાં સુધી ખર્ચો ઘટાડવાની સ્થિતિ છે. વૈશ્ર્વિક સ્તરે સાઉદી અરેબીયા, કતાર સહિતના ગલ્ફ દેશો પણ વાયરસની અસરના કારણે સંકટમાં આવી ગયા છે. છેલ્લા બે મહિનામાં ક્રુડના બેરલ દીઠ ભાવ લગભગ અડધા થઈ ગયા છે. દરરોજ ઘટાડાના કારણે ક્રુડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે ક્રુડનું કોઈ ખરીદદાર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.