Abtak Media Google News

જિલ્લા કલેકટર ટુંક સમયમાં કાર્યવાહી કરે તેવી શકયતા

યાત્રાધામ દ્વારકામાં પુરુષોતમ માસની પુનમના રોજ રાત્રીના યોજાયેલ રાસોત્સવનું ગેરકાયદે ફેસબુક લાઈવ પ્રસારણ કરવાના મામલે હોબાળો મચ્યા બાદ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી તથા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ઝાખરીયા દ્વારા રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ કરેલ ફરિયાદ અનુસંધાને પોલીસ તપાસનો ધમધમાટ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે. આ અંગે પોલીસે સ્થાનીય રહીશ નલીનભાઈ પુજારીને બોલાવી કરેલ પુછપરછમાં તેઓએ તેમની ભુલ સ્વીકારી માફી પત્ર લખી આપ્યું હતું. આ અંગે પોલીસે જિલ્લા કલેકટર અને દેવસ્થાન સમિતિના અધ્યક્ષનું કલેકટરના જ જાહેરનામાના ભંગ બદલ માર્ગદર્શન માંગી વધુ તપાસના આદેશની રાહ જોઈ રહી છે. કલેકટર દ્વારા પણ આ અંગે ટુંકમાં કાર્યવાહી કરાય તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.

દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહિવટદાર તથા પ્રાંત અધિકારી જાડેજાએ ફરિયાદ મળ્યે જ પોલીસ તેમજ નાયબ વહિવટદારને પાંચ દિવસમાં તપાસ અને પગલા સાથે રીપોર્ટ કરવા આદેશ આપ્યો હોય આ અંગે તેમણે જણાવેલ કે સમગ્ર મામલે આપેલ પાંચ દિવસની મુદત સુધીમાં મારી પાસે આખરી અહેવાલ વિગતવાર રજુ થયે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ દ્વારા ચાલી રહેલ તપાસ અંગે પુછવામાં આવતા જણાવેલ કે અધિક માસની પુનમના રોજ રાત્રે નવેક વાગ્યે રાસોત્સવના કાર્યક્રમનું મંદિરના પુજારી નલીનભાઈ દ્વારા પોતાના મોબાઈલ વડે એકાદ મીનીટના વીડિયોને ફેસબુક લાઈવ કરાયા અંગે માહિતી મળતા અમારી રીતે તપાસ કરતા જાણવા મળેલ કે આ વીડિયો નલીનભાઈએ પોતાના મોબાઈલમાંથી ચલાવેલ છે. નલીનભાઈને બોલાવી પુછપરછ કરતા તેઓએ તેમની ભુલ સ્વીકારેલ છે અને મંદિરમાં મોબાઈલ લઈ જવો પ્રતિબંધીત છે અને તે અંગે કલેકટરનું જાહેરનામું પ્રસિઘ્ધ થયેલ છે જેનો ભંગ કરેલ હોય જેથી આ બાબતે નલીનભાઈનું નિવેદન લઈ તેમનું માફીપત્ર લખાવેલ છે અને આ તમામ પ્રકરણ મહેરબાન કલેકટર સાહેબને મોકલી આપેલ છે. કલેકટર તરફથી જાહેરનામું ભંગની ફરિયાદ આવ્યેથી તેમની ધોરણસર ધરપકડ થશે અને આગળની કાર્યવાહી થશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.