Abtak Media Google News

RBI ગવર્નર શકિતકાંત દાસની અધ્યક્ષતામાં 6થી 8 ઓકટોબર દરમિયાન બેઠક

ફુગાવાને અંકુશમાં રાખવા માટે આરબીઆઈ વધુ એક વખત વ્યાજદરોમાં ખાસ કરીને રેપો રેટમાં કોઈ બદલાવ નહીં કરે તેવી તીવ્ર સંભાવના છે. આગામી સપ્તાહે યોજાનારી દ્વિમાસિક નાણાકીય સમીક્ષામાં ભારતીય રિઝર્વ બેંક સતત આઠમી વખત પોલિસી દરોને યથાવત રાખી શકે છે. સેન્ટ્રલ બેંકે છેલ્લે મે વર્ષ 2020માં રેપો રેટ 0.40 ટકા ઘટાડીને ચાર ટકા કર્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસીય બેઠક 6 ઓક્ટોબરથી શરૂ થશે. પરિણામો 8 ઓક્ટોબર, 2021ના ​​રોજ જાહેર કરવામાં આવશે.

મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર ફુગાવો એટલે કે મોંઘવારીના મારને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય બેંક આરબીઆઈ આગામી બેઠકમાં વ્યાજદર યથાવત રાખવા સાથે પોતાનું નરમ વલણ ચાલુ રાખશે. ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો 5 ટકાની આસપાસ રહેશે. SBIના ચેરમેન દિનેશ ખારાએ પણ તાજેતરમાં વ્યાજદર યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ડેલોઇટ ઇન્ડિયાના અર્થશાસ્ત્રી રૂમકી મજુમદારે આ અંગે જણાવ્યું છે કે  નાણાકીય નીતિને કારણે દેશમાં ફુગાવો વધી રહ્યો હોવાથી RBI પર પોતાનું વલણ બદલવાનું દબાણ છે. ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બેંક પોલિસી દરો યથાવત રાખી શકે છે.

રેટ સ્ટ્રેટેજી: RBI બેંકિંગ સિસ્ટમમાંથી રૂ.10 લાખ કરોડ શોષી લેશે?

આગામી 6 ઓક્ટોબરથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરીંગ પોલીસીની બેઠક મળવાની છે. જેના પર બજાર વિશ્લેષકો તેમજ આર્થિક નિષ્ણાતોની મીટ છે. આ બેઠકમાં પણ રેપો રેટ યથાવત રાખવામાં આવે તેવી તીવ્ર સંભાવના છે ત્યારે આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે રેપો રેટ 4 ટકાના દરે યથાવત રાખી જ્યારે રિવર્સ રેપોરેટમાં નજીવો ઘટાડો કરવામાં આવી શકે છે. આરબીઆઈ પોતાની આ મોનીટરીંગ પોલીસ દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં રહેલા રૂપિયા 10 લાખ કરોડને શોષવા પર કામ કરશે. બેન્કિંગ સિસ્ટમમાં રહેલી તરલતા અને તેના કારણે બજારમાં આર્થિક તરલતા વધતા ફુગાવાના વધતા દરનું કારણ બની છે. આથી આ  દરને નિયંત્રિત કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આ મોટુ પગલુ ભરી શકે છે.

જણાવી દઈએ કે રેપો રેટ એટલે કે જે દરે રિઝર્વ બેંક વાણિજ્યક બેન્કોને લોન અથવા ધિરાણ આપે છે જ્યારે રિવર્સ રેપો રેટ એટલે એ દર કે જે દરે રિઝર્વ બેંક વાણિજ્યક બેન્કો પાસેથી લોન અથવા ધિરાણ લે છે. રિવર્સ રેપો રેટમાં નજીવા ઘટાડાથી રિઝર્વ બેંક વાણિજ્યિક બેંકોને જે દરે વ્યાજ રૂપે નાણાં આપે છે તેમાં ઘટાડો થશે તો સામે રેપોરેટ 4 ટકાના દરે રહેવાથી એટલે કે તેમાં ઘટાડો ન કરવાથી વાણિજ્ય બેંકો આરબીઆઈને ધિરાણ કે લોન આપવાથી વધુ ભંડોળ ચૂકવશે સામે વ્યાજ ઓછું મળશે. આમ, બેન્કિંગ સિસ્ટમમાં ફરતા રૂપિયાનો પ્રવાહ ઓછો થશે  જેની સીધી જ અસર બજારમાં પડશે અને ફુગાવાના દરને નિયંત્રિત કરવો સરળ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.