Abtak Media Google News

આવતીકાલે 4 રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. જેને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણા આ ચાર રાજ્યોના પરિણામો જાહેર થયા બાદ લોકસભાના સમીકરણો બંધાશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણાના પરિણામોને લઈને લોકસભાના સમીકરણો બંધાશે : ભાજપ અને કોંગ્રેસ બન્ને બે-બે રાજ્યોમાં આગળ હોવાના એક્ઝિટ પોલના તારણો સાચા પડશે કે ખોટા તેના ઉપર સૌની મીટ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.  આ પાંચ રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે થવાની છે, પરંતુ આમાંથી એક રાજ્યમાં 3 ડિસેમ્બરે મતગણતરી થશે નહીં.  ચૂંટણી પંચે મિઝોરમમાં મત ગણતરીની તારીખમાં ફેરફાર કર્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણામાં મત ગણતરી નિર્ધારિત ત્રણ તારીખે થશે.

એક્ઝિટ પોલમાં જાહેર થયા મુજબ ભાજપ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો કોંગ્રેસ તેલંગણા અને છત્તીસગઢમાં આગળ છે. એક્ઝિટ પોલના આ અનુમાનો કેટલા સાચા ઠરે છે તે આવતીકાલે જાહેર થવાનું છે. બીજી તરફ ચારેય રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેને કેટલી બેઠકો મળે છે. એના ઉપર પણ રાજકીય પક્ષોની નજર છે. કારણ કે હવે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી જ લોકસભા માટે સમીકરણો બંધાવાના છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના વિજયરથને રોકવા માટે વિપક્ષી સંગઠનો એક થવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ભાજપને આ ચાર રાજ્યની વીધાનસભા ચૂંટણીમાં કેટલી બેઠકો મળે છે તેના ઉપર સૌની મીટ છે. તો બીજી તરફ વિપક્ષી સંગઠનોમાં જોડાનાર પાર્ટીઓના ફાળે કેટલી બેઠકો જાય છે તેના ઉપર પણ વિપક્ષી સંગઠનની મદાર છે.

મિઝોરમની મતગણતરી આવતીકાલની બદલે સોમવારે કરાશે

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મિઝોરમમાં મતગણતરી 3 ડિસેમ્બરના બદલે 4 ડિસેમ્બરે થશે.  ચૂંટણી પંચનું કહેવું છે કે મિઝોરમના લોકોએ તારીખ બદલવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ખ્રિસ્તી બહુમતી ધરાવતા રાજ્ય મિઝોરમના લોકો માટે રવિવારનું વિશેષ મહત્વ હોવાના આધારે મતગણતરીની તારીખ બદલવાની વિવિધ ક્વાર્ટરની વિનંતીઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  તેમાં કહેવામાં આવ્યું છે કે, આ રજૂઆતોને ધ્યાનમાં લઈને, કમિશને મિઝોરમ વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મત ગણતરીની તારીખ 3 ડિસેમ્બર, 2023 (રવિવાર) થી 4 ડિસેમ્બર, 2023 (સોમવાર) સુધી સુધારવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 87 ટકા વસ્તી ખ્રિસ્તી છે. લોકો માંગ કરી રહ્યા હતા કે પરિણામની તારીખમાં ફેરફાર કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.