Abtak Media Google News

જામનગરની ૧ જયારે ગાંધીધામની ૬ ઈન્ડસ્ટ્રી ઉપર જીએસટીની તવાઈ

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ વિભાગ એટલે જીએસટી દ્વારા કાયદાની જોગવાઈ અન્વયે વેપારીઓએ જે ખરીદ અને વેંચાણના પત્રકો તથા વેરો જે નિયત કરેલો હોય અને તે સમય મર્યાદામાં ન ભરવામાં આવ્યો હોય તે તમામ ઉદ્યોગો ઉપર જીએસટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આધાર ઉપર વેરાકીય જવાબદારી અદા કરીને સમય મર્યાદામાં વેરાની ચૂકવણી કરવાની રહેતી હોય છે. પરંતુ તે કરવામાં ઘણા ખરા ઉદ્યોગપતિઓ નિષ્ફળ નિવડયા હતા.

છેલ્લા ત્રણ થી ચાર માસ દરમિયાન અનેકવિધ વેપારીઓએ તેમના જીએસટીઆર-૩બી અને જીએસટીઆર-૧ પત્રકો રજૂ કરવામાં આવ્યા ન હતા. જેથીઆ તમામ વેપારીઓને પત્રકો અને વેરો ભરવાની જવાબદારી અદા કરવા માટે વેપારીઓને ત્યાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વેપારીઓ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં મુખ્યત્વે તેઓ સર્વિસ સેકટર, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટેશન, કેમીકલ, કોટન સાથે સંકળાયેલા વેપારીઓ છે. ત્યારે જીએસટી વિભાગ દ્વારા આ તમામ વેપારીઓ પાસેથી બાકી રહેતી કુલ ૨૫.૧૭ કરોડની વસુલાત કરવામાં આવી છે.

જામનગરની હાઈટેક એકસ્ટોર્સન એલએલપી પાસેથી ૧.૪૩ કરોડની વસુલાત કરવામાં આવી છે. જયારે ગાંધીધામની માન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૨૨ કરોડ, વિમલ ફયુલ એન્ડ મેટલ પ્રા.લી. પાસેથી રૂ.૪૧.૭૨ લાખ, આર્ય કોટન ઈન્ડસ્ટ્રીઝ પાસેથી રૂ.૭.૦૬ લાખ, એન.આર.બ્રોઓધર મલ્ટીટ્રેડ એલએલપી પાસેથી રૂ.૭.૦૧ લાખ, દિપક એસીડ એન્ડ કેમિકલ પાસેથી રૂ.૪૫.૫૬ લાખ અને તરંગ એસોસીએટ સર્વિસ પાસેથી ૭૨ લાખ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. જેમાં અન્ય બે વેપારીઓમાં વેરાની ચકાસણી કરતા નિયમીત જાણવા મળ્યા હતા જયારે એક વેપારીના કેસમાં જીએસટી વિભાગ દ્વારા ચકાસણીની કામગીરી ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.