Abtak Media Google News
  • પ્રદેશ ભાજપની પોલીસી રિસર્ચ કમિટી દ્વારા રાજ્યની આઠેય મહાપાલિકાના મેયર,સ્ટે.ચેરમેન, પૂર્વ મેયર અને પૂર્વ ચેરમેન સાથે ચાર કલાકની મેરેથોન બેઠક
  • જે-તે સમયે શહેરની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખી કરાયેલા ઠરાવો હાલ વિકાસકામોમાં અનેક વિસંગતતાઓ ઊભી કરતી હોવાનો સુર

રાજ્યની આઠેય મહાનગરપાલિકાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું એકહથ્થું શાસન છે.રાજ્યમાં પણ ત્રણ દાયકાથી ભાજપ સરકાર છે. મહાપાલીકાના શાસકો અને સરકાર વચ્ચેનું સંકલન દાયકાઓથી બરાબર ચાલી રહ્યું છે પરંતુ વર્ષો જુના ઠરાવો હાલ વિકાસને આડે અડચણરૂપ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે પ્રદેશ ભાજપની પોલીસી રિસર્ચ કમિટી દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાના વર્તમાન મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપરાંત પૂર્વ મેયર અને પૂર્વ ચેરમેન સાથે ચાર કલાકની મેરેથોન બેઠક યોજવામાં આવી હતી.જેમાં તમામને દાયકાઓ જુના ઠરાવમાં સુધારો કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત જે તે મહાપાલિકાએ પ્રજા લક્ષી ઠરાવ કર્યા હોય તો તેની અમલવારી અન્ય મહાપાલિકાઓએ પણ કરવી જોઈએ તેવું સૂચન આપ્યું હતું.

Advertisement

પ્રદેશ ભાજપ દ્વારા પોલીસી રિસર્ચ કમિટીની રચના કરવામાં આવી છે.જેમાં છ સભ્યોનો સમાવેશ કરાયો છે. ગઈકાલે આ કમિટી દ્વારા રાજકોટ,અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન   ઉપરાંત પૂર્વ મેયર અને પૂર્વ ચેરમેન સાથે એક મેરેથોન બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિકાસ કામો સંદર્ભે ચર્ચા કરાય હતી. તમામ મહાપાલિકાઓને તેઓની વર્તમાન પોલીસી અંગે માહિતી આપવાનું પણ જણાવવામાં આવ્યું હતું જેમાં એક જ સૂર ઉઠ્યો હતો કે વર્ષો પહેલા કરવામાં આવેલા ઠરાવ હાલ અનેક વિસંગતતાઓ ઉભી કરી રહ્યા છે. જે-તે સમયે મહાપાલિકા દ્વારા શહેરની વસ્તી અને વિસ્તારને આધારે ઠરાવ કરવામાં આવ્યો છે. દાયકાઓ પહેલાનો આ ઠરાવ હાલ અનેક વિકાસ કામોમાં અડચણ ઉભી કરી રહ્યો છે.જ્યારે પ્રજામાંથી ફરિયાદો ઉઠે અને આવી ફરિયાદો જન પ્રતિનિધિ સુધી પહોંચે ત્યારે અધિકારીઓ એવો જવાબ આપે છે કે ઠરાવ મુજબ જ કામ કરવામાં આવ્યું છે.વાસ્તવમાં વર્ષો પહેલા કરાયેલા ઠરાવ હાલ ખોટી દુવિધા ઉભી કરે છે.

ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ પ્રકારના કોન્ટ્રાક્ટને મંજૂર કરાયા બાદ તેમાં કેટલો ખર્ચ થાય છે તેની કોઈ માહિતી અધિકારીઓ દ્વારા શાસકોને આપવામાં આવતી નથી આ પ્રકારનું કોઈ ઠરાવ ન હોવાના કારણે સચોટ માહિતી જન પ્રતિનિધિ સુધી પહોંચતી નથી તેઓની આ વાત સાથે રાજ્યની અન્ય મહાપાલિકાઓના શાસકો પણ સહમત થયા હતા. મહાપાલિકાની સ્થાપના વેળાએ કરવામાં આવેલા ઠરાવની હાલ કોઈ જરૂરિયાત રહેતી નથી.શહેરની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અનેક ઠરાવમાં મોટા ફેરફાર કરવા જરૂરી છે પરંતુ કોઈપણ મહાપાલિકા આવું કરતી નથી સરવાળે પ્રજાને મુસીબત સહન કરવી પડે છે.

પ્રદેશ ભાજપની પોલિસી રિસર્ચ કમિટી દ્વારા તમામ મહાકાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એવી તાકીદ કરવામાં આવી છે કે શહેરની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઠરાવવામાં સુધારો કરવામાં આવે.તમામ મહાપાલિકા એકાબીજાના સાથે સંકલનમાં રહી ક્યાં ઠરાવમાં સુધારો કરવાની આવશ્યકતા છે.અથવા ક્યો ઠરાવ રદ કરવાની જરૂર છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરે.ગઈ કાલે જે રીતે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પોલીસે રિસર્ચ કમિટીની બેઠક મળી તે રીતે રાજ્યની તમામ મહાપાલિકાઓના શાસકોએ મહિનામાં એકવાર અલગ અલગ શહેરોમાં મળવું જોઈએ અને પોલીસી મેટર અંગે ચર્ચા કરવી જોઈએ.જે રીતે મહાપાલિકાઓમાં પોલીસી મેટર સંદર્ભે પ્રદેશ ભાજપ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે તે જ રીતે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ માટે પણ કમિટીની રચના કરાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે લોકો માટે સુવિધાજનક બની ગયેલા વર્ષો જુના ઠરાવોમાં સુધારા કરવામાં આવશે અથવા આવા ઠરાવો રદ કરી નવી પોલીસી બનાવવામાં આવે તેવી સંભાવના દેખાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.