Abtak Media Google News
  • વડોદરામાં જશપાલસિંહ પઢીયારને કોંગ્રેસે ટિકિટ આપી: રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ બેઠક માટે હજી ઉમેદવારો જાહેર કરવાના બાકી

ગુજરાતની લોકસભાની વધુ ત્રણ બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. હજી રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ફાટી નિકળેલા રોષને જોતા કોંગ્રેસ દ્વારા વડોદરા બેઠક પરથી ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે.

Advertisement

કોંગ્રેસ દ્વારા ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 17 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે ભાવનગર અને ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. આપ દ્વારા આ બન્ને બેઠકો પર સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગુરૂવારે મોડી રાતે ગુજરાતની ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી છે.

9-સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે 13-જૂનાગઢ લોકસભા બેઠક પરથી હિરાભાઇ જોટવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 20-વડોદરા લોકસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હજી રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારના નામો જાહેર કરવાના બાકી છે. આગામી 12મી એપ્રિલના રોજ ત્રીજા તબક્કાના મતદાન માટેનું ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ થશે. જેમાં 7મેના રોજ ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો માટે મતદાન યોજવાનું છે. હજી ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થવાના આડે હજી એક સપ્તાહનો સમય બાકી છે. કોંગ્રેસ દ્વારા આવતા સપ્તાહે બાકી રહેતી 4 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા કચ્છ લોકસભા બેઠક માટે નીતીશભાઇ લાલન, બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર, પાટણમાં ચંદનજી ઠાકોર, સાંબરકાંઠામાં ડો.તુષાર ચૌધરી, ગાંધીનગરમાં સોનલબેન પટેલ, અમદાવાદ વેસ્ટમાં ભરતભાઇ મકવાણા, પોરબંદરમાં લલીતભાઇ વસોયા, જામનગરમાં જે.પી.મારવીયા, અમરેલી બેઠકમાં જેનીબેન ઠુંમ્મર, આણંદ બેઠક પરથી અમિતભાઇ ચાવડા, ખેડામાં કાળુસિંહ ડાભી, પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ, દાહોદમાં પ્રભાબેન તવીયાડ, છોટાઉદેપુરમાં સુખરામભાઇ રાઠવા, બારડોલીમાં સિધ્ધાર્થ ચૌધરી અને વલસાડ બેઠક પરથી અનંતભાઇ પટેલને લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં ચૂંવાળીયા કોળી સમાજની વસ્તી વધુ છે છતા ભાજપ પ્રવાહને પારખવામાં નિષ્ફળ રહ્યું છે. તળપદા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઇ શિહોરાને ઉમેદવાર જાહેર કર્યા છે. જેની સામે થોડા ઘણે અંશે વિરોધ જોવા મળી રહ્યો છે. જેને પારખી કોંગ્રેસ દ્વારા ચૂંવાળીયા સમાજમાંથી આવતા અને સ્વભાવે શાંત એવા ઋત્વિકભાઇ મકવાણાને ટિકિટ આપી બાજી મારી લીધી છે. ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજમાં ભભૂકતા રોષને ધ્યાનમાં રાખી વડોદરા બેઠક પરથી ક્ષત્રિય સમાજમાંથી આવતા જશપાલસિંહ પઢીયારને ટિકિટ આપી છે. બાકીની ચાર બેઠક માટે ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર કરાશે.

Pares રાજકોટમાં પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારાય તેવી પ્રબળ બનતી સંભાવના

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો રોષ આસમાને આંબી ગયો છે. રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે છતા ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવે તેવી સંભાવના નહિંવત છે. પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ જાયન્ટ કિલર અને વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણીને મેદાનમાં ઉતારે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. પરેશભાઇ લોકસભાની ચૂંટણી લડવા ઇન્કાર કરતા હતા પરંતુ જે રિતે ભાજપના ઉમેદવાર રૂપાલા સામે વિરોધ ફાટી નિકળ્યો છે. તે જોતા પરેશભાઇએ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓનું નામ લગભગ ફાઇનલ મનાય રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ટૂંક સમયમાં પરેશભાઇ ધાનાણીનું નામ રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરાશે.

રૂપાલા વિવાદમાં જ્ઞાતિ જાતિના રાજકારણમાં ઘી હોમવાના પેંતરા

ક્ષત્રિય સમાજ હાલ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં:  પાટીદારો પરસોતમભાઈના પડખે પણ કોઈ જાહેરમાં  આવવા તૈયાર નથી

કોઈ એક વ્યકિત માટે બે મોટા સમુદાયને સામસામા લાવી દેવાની મેલી મુરાદ કોની? રાજકીય “ગીધડાઓ” મેદાને

રાજકોટ લોકસભા બેઠકના  ભાજપના  ઉમેદવાર  પરસોતમભાઈ  રૂપાલાએ  રાજા-રજવાડા અંગે કરરેલી ટીપ્પણી  બાદ ક્ષત્રીય સમાજમાં ફાટી નીકળેલો  રોષ કોઈ  કાળે શાંત પડવાનું નામ લેતો નથી. જ્ઞાતિ-જાતિના રાજકારણમાં   ઘી હોમવાના અમુક તત્વો   દ્વારા   રાજકીય પેંતરાઓ થઈ રહ્યા છે. જે ગુજરાતનાં રાજકારણ માટે સારા સંકેતો બીલકુલ નથી. એક કાર્યક્રમમાં પરસોતમભાઈ  રૂપાલાએ રાજા-રજવાડા અંગે

વિવાદસ્પદ ટીપ્પણી કરી હતી. જેને  લઈ ક્ષત્રિય સમાજમા ભારે રોષ ફાટી નીકળ્યો છે. રોષને પારખી રૂપાલાએ   બે વાર બે હાથ જોડીને માફી માંગી લીધી છે. આ ઉપરાંત  ભાજપના  પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ ક્ષત્રિય સમાજને બે હાથ જોડી  રૂપાલાને  માફ કરવાની વિનંતી કરી છે. છતા વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી.

ગુજરાતનાં શાંત રાજકારણમાં હવે જ્ઞાતિ-જાતિના ખોટા સિમાડા ઉભા કરી વિવાદ ઉભો કરવાનો હિન પ્રયાસ થઈ રહ્યો છે. ક્ષત્રીય સમાજના આગેવાનો એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે અમને પાટીદાર  સમાજ કે ભાજપ સામે કોઈ જ વાંધો નથી અમારી માંગણી એક જ છે કે પરસોતમ રૂપાલાની  ટિકિટ રદ કરવામાં આવે. ગઈકાલથી એવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે પાટીદાર સમાજ રૂપાલાજીના પડખે આવ્યો છે. જોકે  આ વાતમાં   બહુ માલ હોય તેવું  લાગતો નથી.  કારણ કે કોઈ એક વ્યકિતના વિવાદમાં  આખા સમાજને જોતરી દેવાનું  પાટીદારો અને ક્ષત્રિય સમાજના આગેવાનોને  હાલ યોગ્ય લાગતુ નથી. રાજકોટમાં  ગઈકાલે મળનારી પાટીદાર સમાજની ચિંતન  બેઠક છેલ્લી ઘડીએ  રદ કરી દેવામાં  આવી હતી. જયારે  ક્ષત્રિય સમાજે પણ આગામી શનિ-રવિવારે યોજાનારા  મહાસંમેલનને મોકુફ  રાખવાની  ઘોષણા કરી છે. અને પરસોતમભાઈ ઉમેદવારી ફોર્મ ભરે ત્યારબાદ  નવી રણનીતિ  ઘડવાની  ઘોષણા કરી છે.

ગુજરાતમાં શાંત માહોલ  ખોટી રિતે   ડહોળાય નહી તે માટે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ખરેખર સરાહનીય  છે. એક  વ્યકિતના વિવાદમાં  આખા સમાજને જોડી દેવો અને રાજયના બે  મોટા સમુદાય સામસામે આવી જાય તેવી સ્થિતિનું  નિર્માણ  ગુજરાતની  અસ્મિતાને  છાજે તેમ નથી.

અમુક ચોકકસ નેતાઓ પોતાની ડુબતી રાજકીય નાવડીને  બચાવવા માટે  આવા મોકાની તલાશ કરતા હોય છે. અમુક પક્ષના સાઈડમાં થઈ ગયેલા નેતાઓ જ રૂપાલા વિવાદમાં બળતામાં ઘી નાંખી રાજકીય  પેંતરા કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજ હાલ સંપૂર્ણ પણે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જયારે  પાટીદાર સમાજે પણ ‘ન બોલવામાં નવ ગુણ’ તેવું મન બનાવી લીધું છે. સ્થિતિ હાલ  ખૂબજ તરલ છે. ગમે તે બાજુ ઢળી શકે છે.

ઋત્વિક મકવાણાને ટિકિટ મળતાં તળપદા કોળી સમાજના નેતાઓ અને કાર્યકર્તાઓ કામે લાગી ગયા

Videoshot 20240405 100415

લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના કારણે આ વખતે આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડી ન રહી નથી ત્યારે અમુક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું પ્રભુત્વ સૌથી વધુ છે જેમકે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ચોટીલા પંથકમાં આમ આદમી પાર્ટીનું આખું સંગઠન સતત કાર્યરત છે. ત્યારે ઋત્વિક ભાઈ ટિકિટ લઈને આવ્યા એટલે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પ્રચાર પ્રસારણના કામે થોડા દિવસમાં લાગી જશે આ જ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના તળપદા કોળી સમાજના નેતાઓ પણ હવે ટૂંક સમયમાં પ્રચાર પ્રસારના કામે લાગી જશે ખાસ કરીને ધંધુકા લીંબડી અને અન્ય સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પીઠ નેતા ગણાતા પૂર્વ સાંસદ સભ્ય અને પૂર્વ ધારાસભ્યો પણ કામે લગી જશે બીજી તરફ નળકાંઠા અને પાટડી દસાડા મત વિસ્તારમાં નવસાદ સોલંકી નું પ્રભુત્વ સૌથી વધુ રહેલું છે એ વિસ્તારમાં પણ નવસાદ સોલંકી ની પકડ મજબૂત હોવાના કારણે ત્યાં પણ કોંગ્રેસની પરિસ્થિતિ સારી છે આ ઉપરાંત ધાંગધ્રા મૂડી વઢવાણ પંથકમાં પીવાના પાણીની સમસ્યા મુખ્ય છે અને સિંચાઈનું પાણી પણ ખેડૂતોને નથી મળતું એટલે ખેડૂતો પણ આ વખતે મન મનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સંગઠન અને આમ આદમી પાર્ટીનું સંગઠન ટૂંક સમયમાં કામે પ્રચારના લાગી જશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.