Abtak Media Google News
  • રેસકોર્ષમાં 5 જેટલા વિશાળ જર્મન ડોમ તૈયાર કરાશે, 10 મોટી એલઇડી સ્ક્રીન પણ મુકાશે 
  • સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી લોકોને લઈ આવવા આશરે 1400 જેટલી એસટી બસો દોડાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25ના રોજ રાજકોટ આવી રહ્યા છે. તેઓ દ્વારા અનેક પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. વડાપ્રધાનની મુલાકાતને લઈને ત્રણ સ્થળોએ સેફ હાઉસ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ સભામાં અંદાજે 2 લાખની મેદની એકત્ર કરવાનું આયોજન હાલ ઘડાઈ રહ્યું છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તાં.24 અને 25માં રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી તા.24ના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે બનેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ તેઓ રાત્રી રોકાણ પણ દ્વારકા જ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક આવેલ એઇમ્સ ખાતે હેલિકોપ્ટર મારફત આવવાના છે.

એઇમ્સના લોકાર્પણ સાથે તેઓ દ્વારા અન્ય 4 એઇમ્સનું પણ ઇ લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યાંથી વડાપ્રધાન મોદી રેસકોર્ષ ખાતેના સભા સ્થળે પહોંચવાના છે. વડાપ્રધાન મોદી અહીંથી વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ સભા સ્થળે અંદાજે 2 લાખની મેદની એકત્ર કરવાનો પક્ષ દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

વધુમાં અંદાજે 1400 બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવવામાં આવનાર છે. જેમાં રાજકોટ ડિવિઝનની કુલ 500 બસોમાંથી 200 બસ ઉપયોગમાં લેવાશે. રાજકોટ સિટીમાંથી 50 હજાર લોકો એકત્ર કરવાનું આયોજન કરાયુ છે. આ સાથે જૂનાગઢ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લામાંથી પબ્લિક લઈ આવવામાં આવશે. માત્ર જામનગર, દ્વારકા અને પોરબંદરની પબ્લિકને નહિ લઈ આવવામાં આવે. તેઓને દ્વારકાના કાર્યક્રમમાં લઈ જવાશે.

વડાપ્રધાન મોદીની સભા માટે રેસકોર્ષમાં 5 જર્મન ડોમ તૈયાર કરવામાં આવશે. આ સાથે 10 એલઇડી મુકવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 26 કમિટીની રચના કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને પણ તમામ તૈયારીઓ થઈ રહી છે. રાજકોટમાં 3 જગ્યાએ પીએમનું સેફ હાઉસ બનશે. આ સેફ હાઉસ એઇમ્સ, રેસકોર્ષ અને સર્કિટ હાઉસ ખાતે બનાવવામાં આવશે.

વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીઓને લઈને મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, દ્વારકા, મહેસાણા, વાપીના જિલ્લા કલેકટરો પણ જોડાયા હતા.આ તમામ અધિકારીઓ પાસેથી મુખ્ય સચિવે તમામ તૈયારીઓની વિગત લઈ તેની સમીક્ષા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.