Abtak Media Google News
  • અબતક ની શુભેચ્છા મુલાકાતમાં સંસ્થાના ટ્રસ્ટીઓએ આપી માહીતી
  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા, મંત્રીઓ હર્ષભાઇ સંઘવી, કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, મુળુભાઇ  બેરા સહિત સંતો, મહંતો રાજકીય અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
  • લોકડાયરાના કાર્યક્રમમાં તા.પ મીએ પ્રસિઘ્ધ કલાકાર દેવરાજ ગઢવી, હરેશદાન શુરૂ, વાઘજી રબારી, ઘનશ્યામ મકવાણા, મીનાબા જાડેજા જયારે તા.6 ની રાત્રે માયાભાઇ આહિર, રશ્મિતા રબારી, વાઘજી રબારી ભજન લોકગીત, લોકસાહિત્ય હાસ્ય અને દુહા-છંદની બોલાવશે રમઝટ

ધ્રાંગધ્રાના સંત પૂ. દેશળ ભગત ધામ ખાતે આગામી તા. પ થી 7 માર્ચ દરમિયાન દેશળ ભગત મંદિર નવ નિર્માણ કમીટી દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા સંસ્થાના પ્રમુખ ભલાભાઇ ચૌહાણ, હરિવંદના કોલેજના મહેશભાઇ ચૌહાણ, ભાર્ગવભાઇ પઢીયાર તથા પ્રવિણભાઇ રાઠોડે અબતક ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે વિસ્તૃત માહીતી આપી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, મંત્રીઓ હર્ષભાઇ સંઘવી, કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, મુળુભાઇ બેરા સહિત રાજકીય અગ્રણીઓ, ધારાસભ્યો, અધિકારીઓ વગેરેની ઉ5સ્થિતિમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા. પ માર્ચના રોજ ધ્રાંગધ્રા શહેરના રાજમાર્ગો પર શુશોભીત રથમાં શ્રીરામ દરબાર, શ્રી રાધાક્રિષ્ન, દેશળ ભગત, ગુરુ લાલજી મહારાજની બિરાજમાન મૂર્તિઓ સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નિકળશે.

ત્યારબાદના વિવિધ કાર્યક્રમોમાં દેશ શુઘ્ધિ, ગણપતિ પુજન, આયુષ્ય મંત્ર જપ, વાસ્તુ આદી સ્થાપિત દેવપુજન, અગ્નિ પ્રાગટય તથા પુજન સાથે યજ્ઞશાળાનું ઉદઘાટન થશે. બપોરે જલ યાત્રા તથા સાંજે સંયન આરતી થશે. રાત્રે પ્રસિઘ્ધ કલાકારો દેવરાજ ગઢવી (નાના ડેરો) , હરેશદાન શુરૂ, વાઘજી રબારી, ઘનશ્યામભાઇ મકવાણા, મીનાબા જાડેજા ના ભજન, સંતવાણીનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ત્રિ દિવસીય કાર્યક્રમોના યજમાનો અંગે તેઓએ કહ્યું કે, સંત દેશળ ભગતની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન ભલાભાઇ ચૌહાણ તથા ચૌહાણ પરિવાર તથા સંત લાલજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન સંત લાલબાપુ (જુનાગઢ), કેતનભાઇ રાઠોડ તથા રાઠોડ પરિવાર, જયારે શિવ દરબારની મૂર્તિના બાબુભાઇ ઝાલા તથા ઝાલા પરિવાર- જામનગર, રામ દરબારની મૂર્તિના ચંપાબેન જાદવ તથા જાદવ પરિવાર ધ્રાંગધ્રા તથા રાધાકૃષ્ણ મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન તરીકે ગોવિંદભાઇ સોઢા તથા સોઢા પરિવાર રહેશે.જયારે તા.6 માર્ચની રાત્રે લોક સાહિત્યકાર માયાભાઇ આહિર, રશ્મિતા રબારી, વાઘજી રબારી નો ભજન-સંતવાણીનો કાર્યક્રમ યોજાશે આમ બન્ને દિવસ જીતુ બગડા ગ્રુપ સાજમાં સંગત કરશે.

આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઉ5સ્થિત રહેનાર સંતો મહંતોમાં વડાવાણા મંદિર દુધરેજના પૂ. કનીરામદાસજીબાપુ, આપા ગીગાનો ઓટલો ચોટીલાના પૂ. નરેન્દ્રબાપુ, ઉપલા દાતાર ટેકરી જુનાગઢના પૂ. ભીમબાપુ, સ્વામીનારાયણ ગુરુકુલ ધ્રાંગધ્રાના સંસ્થાપક પૂ. રામકૃષ્ણદાસજી સ્વામી, કાળભૈરવ ઉપાસક સુરતના ઘનશ્યામ મહારાજ, પીપળી ધામના પૂ. વાસુદેવ મહારાજ, રામમોલ મંદિર ધ્રાંગધ્રાના મહાવીરદાસજી મહારાજ, નકલંક ધામ હળવદના પૂ. દલસુખબાપુ તેમજ ઓમ કારેશ્ર્વર મહાદેવ મંદિર રાજકોટના મહંત જનકભારતી બાપુ, દેશળભગત મંદિર રાજકોટના મહંત પૂ. લલીતગીરી બાપુ, નાગાબાવાની જગ્યા ધ્રાંગધ્રાના મહંત પૂ. રાજેન્દ્રગીરીબાપુ, નારીચાણીયા હનુમાન મંદિરના મહંત પૂ. રોહિતદાસબાપુ તથા દાતારબાપુ જુનાગઢના સેવક પૂ. બટુકબાપુ ઉ5સ્થિત રહી આશિવચનનો પાઠવશે.

જયારે તા. 7 માર્ચને ગુરુવારે સવારે નવ કલાકે શિખર કળશ, ઘ્વજારોહણ તેમજ બપોરે 1ર કલાકે મંદિર પરિસરમાં ગણેશજી, હનુમાનજી, શિવદરબાર, રામ દરબાર, રાધેકૃષ્ણ, સંત દેશળ ભગત તથા સંતશ્રી લાલજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેની નોકરી કરવા ચૌદ ભુવનના અધિપતિ કાળીયા ઠાકોરને આવવું પડે તેવા ધ્રાંગધ્રાના સંત પૂ. દેશવ ભગતના ધામ ખાતે ત્રણ દિવસના આ મહોત્સવ દરમિયાન બપોરે અને રાત્રે (બન્ને ટાઇમ) મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ધ્રાંગધ્રા આસપાસના 30 થી 40 ગામોના ભકતો સેવકો સહિત લાખો શ્રઘ્ધાળુઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લ્હાવો લેશે તેવી આશા વ્યકત કરતા પઢીયારે કહ્યું કે, સંસ્થાના પ્રમુખ ભલાભાઇ ચૌહાણની છેલ્લા ઘણા વર્ષોની મહેનત આખરે રંગલાવી આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમની આગેવાની હેઠળ યોજાશે. જેનો સર્વ ભાવિકોને લાભ લેવા પણ અંતમાં અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.