Abtak Media Google News

નાતાલ અને નવા વર્ષ સંદર્ભે જિલ્લા કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું, કાલથી 2 જાન્યુઆરી સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે

રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં નાતાલ તથા નવા વર્ષની ઉજવણી સલામતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે, ઉજવણીના સ્થળે સિક્યોરિટી ગાર્ડ તેમજ સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા રાખવાનું ફરમાન રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જાહેરનામા મારફતે કર્યું છે.

Advertisement

જિલ્લા કલેક્ટરે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973 (1974-નો બીજો અધિનિયમ)ની  કલમ-144 મુજબ, બહાર પાડેલા જાહેરનામામાં ફરમાવ્યું છે કે, રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં નાતાલ પર્વની ઉજવણી  તેમજ નવા વર્ષની ઉજવણીને આવકારવા કરવામાં આવતી ઉજવણીઓ જે-જે જગ્યાએ થતી હોય, તે તમામ જગ્યાએ પ્રવેશદ્વાર પર તથા બહાર નીકળવાના દ્વાર પર સિક્યુરિટી મેન ફરજ પર નિયુક્ત કરવાના રહેશે. તેમજ પ્રવેશદ્વાર તેમજ બહાર નીકળવાના દ્વારે રોડ પરથી પ્રવેશ કરનાર અને  બહાર નીકળનારના રોડ સુધીના  રેકોર્ડિંગ પ્રાપ્ત થઈ શકે તે રીતે રિસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની  જગ્યાએ તથા પાર્ટી જ્યાં યોજનાર છે તે  બાગ, હોલ  કે અન્ય જગ્યાએ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ આ સીસીટીવી કેમેરા હાઈડેફિનેશન વાળા નાઈટ વિઝન ધરાવતા હોવા જોઈએ.

જો  પાર્ટી બાદ ભોજન કે અન્ય સેલિબ્રેશન કરવાના હોય, તો તે સ્થળ, ભોજનકક્ષમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડિંગ થઈ શકે  તે રીતે હાઇડેફિનેશન ઘરાવતા સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. આ સીસીટીવી કેમેરા સતત 24 કલાક ચાલુ રહે તથા તેનું રેકોર્ડિંગ લેવાની તમામ આનુષાંગિક વ્યવસ્થા કરવાની જવાબદારી જે  તે  જગ્યાના માલિકો-વહીવટકર્તાઓ અને આવા મુખ્ય  આયોજકોની રહેશે. ઉપરાંત આ રેકોર્ડિંગ સક્ષમ  અધિકારી સમક્ષ રજૂ કરવા જણાવવામાં  આવ્યે  રજૂ કરવાનું રહેશે તેમજ આ કાર્યક્રમની સીડીનું રેકોર્ડિંગ 3 માસ સુધી સાચવી રાખવાનું રહેશે.

આ જાહેરમાનું 25 ડિસેમ્બર 2022થી  2  જાન્યુઆરી 2023 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.