Abtak Media Google News

 Screenshot 5 34સ્વ. અભયભાઈ ભારદ્વાજની પરીકલ્પનાનું પરિણામ ‘પરશુરામ એવોર્ડ’

મનસુખભાઈ જોશી, ગિજુભાઈ ભરાડ, સુરેશભાઈ નંદવાણા, ડૉ. હેમાંગ વસાવડા અને મુકેશભાઈ જોશીને પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરાશે

બ્રહ્મ એકતા માટે ભગીરથ કાર્ય કરનાર અને ભગવાન પરશુરામની યાત્રા દ્વારા સમગ્ર ગુજરાત અને ભારતમાં જય પરશુરામનો નાદ ઘર ઘર સુધી ગુંજતો કર્યો તેવા હૃદયસ્થ સ્વ.અભયભાઇ ભારદ્વાજની પરિકલ્પનાનું પરિણામ એટલે પરશુરામ એવોર્ડ અભયભાઈએ પરશુરામ યુવા સંસ્થાનના માધ્યમથી બ્રહ્મ પરિવારો માટે નિસ્વાર્થ સેવા, શિક્ષણ, ઉદ્યોગ, મેડિકલ, રોજગાર વિગેરે ક્ષેત્રે મૂઠી ઊંચેરું પ્રદાન કરનાર અગ્રણીઓને સન્માનિત કરવાના ઉદેશ્યથી વર્ષ ૧૯૯૬માં પરશુરામ એવોર્ડની શરૂઆત કરી હતી. પશુરામ એવોર્ડથી સન્માનિત થનારા રત્નો શોધવા માટે તેઓ સમગ્ર ગુજરાતમાં પોતે જ ભ્રમણ કરતાં અને ઉત્તમ બ્રહ્મ પ્રતિભાઓ અને નર-નારીનો પરશુરામ એવોર્ડ વડે સન્માનિત કરતા હતા.

Screenshot 4 34

ડિસેમ્બર ૨૦૨૦ના અભયભાઈની આકસ્મિક વિદાય બાદ પશુરામ યુવા સંસ્થાને તેઓની સ્મૃતિમાં પરશુરામ એવોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો અને ૧ ડિસેમ્બર ૨૦૨૧ રોજ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કર્યુ હતું. ત્યારબાદ આગામી ૨ એપ્રિલ, ૨૦૨૩ એટલે કે અભયભાઈના જન્મદિનના રોજ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-૨૦૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ વિવિધક્ષેત્રે આગવું યોગદાન પ્રદાન કરનાર વિવિધક્ષેત્રના પાંચ અગ્રણીઓને તારીખ ૨ એપ્રિલ, ૨૦૨૩ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે સ્વામિનારાયણ મુખ્યમંદિર રાજકોટ, ભૂપેન્દ્ર રોડ, ખાતે સન્માનિત કરવામાં આવનાર છે.

ભારદ્વાજ પરિવારનો પ્રત્યેક સદસ્ય અને પરશુરામ યુવા સંસ્થાનો દરેક  કાર્યકર મન-કર્મ-વચનથી અભયભાઈના હસ્તે શરૂ કરાયેલ આ પ્રણાલીને આગળ ધપાવવા કટીબદ્ધ છે. આ વર્ષે આ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેનાર છે. સાથે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી મતી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમમાં જે પૂજ્ય સંતોનું પાવન સાનિધ્ય મળવાનું છે એવા સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પૂ. રાધારમણ સ્વામી, સ્વામિનારાયણ સનાતન આશ્રમ ખીરસરાના પૂ. ભક્તિ સ્વામી, બાલાજી હનુમાન મંદિરના પૂજય વિવેક સ્વામી તેમજ ભુવનેશ્વરી પીઠ- ગોંડલના પૂ. ઘનશામજી મહારાજ સહિતના સંતો-મહંતો હાજર રહેનાર છે. તે ઉપરાંત રાજકીય અને સામાજીક જગતના અનેકવિધ દિગ્ગજો ઉપસ્થિત રહેવાના છે.

સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપવા અભયભાઈ ભારદ્વાજના પુત્ર અંશભાઈ ભારદ્વાજ, નિરંજનભાઈ દવે, પંકજભાઈ દવે, સમીરભાઈ ખીરા, કેપ્ટન જયદેવ જોશી, કૃણાલભાઈ દવે, વિનુભાઈ વ્યાસ, જયેશભાઇ ભટ્ટ, નિલેશભાઈ ભટ્ટએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

પ્રશ્ન :  જ્યારે પશુરામ યુવા સંસ્થાનો વિચાર ઉભો થયો ત્યારે સ્વ. અભયભાઈનો શું ભાવ હતો અને શું સ્વપ્ન હતું?

જવાબ : આ અંગે અભયભાઈ સાથે જોડાયેલા નિરંજનભાઈ દવેએ જણાવ્યું હતું કે, સંગઠન ઉભું કરવા પાછળ એક એવો ઉદ્દેશ્ય હતો કે, બધા એક સમાન હોય તેવું સંગઠન હોવું જોઈએ. અમારી મિટિંગમાં જે પહેલા આવે તે જ મિટિંગનો અધ્યક્ષ. ગામડાઓમાં બ્રહ્મ સમાજના ઘર ખૂબ ઓછા હોય અને અન્ય સમાજની વસ્તી વધુ હોય ત્યારે ક્યાંક અમુક જગ્યાઓ પર બ્રહ્મ સમાજના લોકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હતો ત્યારે આ સંગઠન બ્રહ્મ સમાજના લોકોને સંરક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું.

પ્રશ્ન : સતત ૨૫ વર્ષ સુધી અભયભાઈનું માર્ગદર્શન, હવે તેમની શારીરિક રીતે ગેરહાજરી છે પણ અભયભાઈનો ‘અંશ’ તમારી સાથે જોડાઈ ગયો છે ત્યારે હવે તમે અભયભાઈની કંઈ વસ્તુઓને સતત મિસ કરો છો ?

જવાબ : ભાઈના જેવા વિચારો હતા તેના કરતા પણ ચડિયાતા વિચારો અંશભાઈ ધરાવે છે. ગયા વર્ષે પણ ખૂબ જ જબરદસ્ત કાર્યક્રમ યોજાયો હતો. અંશભાઈ સતત કંઈ પણ ઉણપ હોય તો ધ્યાન દોરતા રહે છે.

પ્રશ્ન : પરશુરામ એવોર્ડ અપાય છે, તમને કંઈ યાદગાર ઘટના રહી કે એવું લાગ્યું હોય કે, આ એવોર્ડ સેરેમની કંઈક જુદી જ રહી ?

જવાબ : જ્યારે બીજો કાર્યક્રમ અમે રાખ્યો હતો ત્યારે આ કાર્યક્રમ શહેરથી દુર હતો અને ભાઈએ કહ્યું હતું કે, બધાને જાણ કરી દેજો. હવે જ્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં અવર જવરની વ્યવસ્થા ખૂબ ઓછી હતી પણ ભાઈએ કહ્યું કે, જાણ કરી દેજો એગલે અમે આખા સૌરાષ્ટ્રભરમાં જાણ કરી દીધી. અમને આશા હતી કસ, કદાચ ૭૦૦ થી ૮૦૦ લોકોની હાજરી હશે પણ ત્યારે અમે અંદાજીત ૪ હજાર લોકોને જમાડ્યા તે યાદગાર ક્ષણ રહી.

પ્રશ્ન : પરશુરામ યુવા સંસ્થાનને ૨૫ વર્ષ પૂર્ણ થયા એટલે કે હવે સંસ્થાન યુવાવસ્થામાં આવ્યું છે ત્યારે યુવાવસ્થાની કેવી પરિકલ્પના છે અને અંશભાઈના કેવા વિચારો છે ?

જવાબ : અંશભાઈના એવા વિચારો છે કે , પપ્પાના જે વિચારો હતા એ તમને ખબર હોય. તમે કોઈ પણ કામ કહો અને હું ના પાડું તો મને કહેજો. એ પછી હોસ્ટેલ બનાવવાની હોય કે એકેડેમી બનાવવાની હોય કે પછી કલાસ-૧, કલાસ-૨ અધિકારી માટેની ટ્રેનિંગ આપવાની હોગ તેના માટે મારુ ઘર ખુલ્લું છે અને હું તન-મન-ધનથી સમર્પિત છું.

પ્રશ્ન : ટૂંકમાં અભયભાઈની કમી કે ગેરહાજરીનો અનુભવ થતો નથી…

જવાબ : અભયભાઈનું માર્ગદર્શન સતત ઉપરથી મળતું જ રહે છે. કંઈ ખોટું કરીએ તો બીક લાવે તેવો ભાઈનો સ્વભાવ હતો. અમે ખૂબ જ દાંડિયા રાસ કર્યા ત્યારે બધું જ આપોઆપ ગોઠવાતું જ જાય છે.

પ્રશ્ન : અભયભાઈના સ્વભાવની વાત કરીએ, ક્યાંક સૌરાષ્ટ્ર આંખામાં એકસમયે ઉઝળિયાત વર્ગ વેર વિખેરની સ્થિતિ ઉભી થઇ હતી હતો ત્યારે અભયભાઈએ સમાજને એકીકૃત કરીને એક નેતૃત્વ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરી રહ્યા હતા ?

જવાબ : અભયભાઈએ આખા સૌરાષ્ટ્રમાં કોઈ તાલુકો અને જિલ્લો બાકી નહીં હોય તેવી રીતે પ્રવાસ કર્યો. આખા સૌરાષ્ટ્ર જ્યારે પરશુરામ યુવા સંસ્થાનના નામ વિશે પણ જ્યારે કોઈને ખ્યાલ ન હતો ત્યારથી જ ભાઈએ પ્રવાસ ખેડીને સમાજનું નેતૃત્વ કર્યું હતું અને ત્યારબાદ એકવાર યાત્રા નીકળે એટલે સમાજના લોકો પોતાને સુરક્ષિત માનતા હતા તેવું અમે અનુભવ્યું છે.

પ્રશ્ન : ભાઈનું કોઇ સ્વપ્ન અધૂરું હોય અને તમારે પૂર્ણ કરવાનું હોય એવું કંઈ ખરું ?

જવાબ : ભાઈનું સ્વપ્ન હતું કે, બ્રહ્મ સમાજની દીકરીઓ માટે એક છાત્રાલય ઉભું કરવામાં આવે જ્યાં દીકરીઓ રહીને અભ્યાસ કરી શકે અને તે સ્વપ્ન પૂર્ણ થયું. આટકોટ ખાતે છાત્રાલયનજ કાર્ય શરૂ કરવામાં આવ્યું અને તેમાં પટેલ સમાજના શ્રેષ્ઠીઓએ દાન આપીને આ સ્વપ્ન પૂર્ણ કરવામાં સિંહફાળો આપ્યો.

ત્યારબાદ સ્વ. અભયભાઈ ભારદ્વાજના પુત્ર અંશભાઈ ભારદ્વાજે અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

પ્રશ્ન : આજે સમાજ તમારી પાસે અપેક્ષા રાખે છે, અભયભાઈ પાસે સમાજની અપેક્ષા હતી અને તેમને પરિપૂર્ણ પણ કરી અને આજે એવી જ ક્યાંક અપેક્ષા અને ભાવ સમાજનો તમારી પાસે છે…

જવાબ : વર્ષ ૨૦૨૦માં આપણે અભયભાઈને ગુમાવ્યા અને ત્યારબાદ મેં જ્યારે જવાબદારી સંભાળી ત્યારે ફક્ત બ્રહ્મ સમાજ જ નહીં પરંતુ તમામ સમાજના લોકો મારી પાસે આવીને તેમના સંસ્મરણો અંગે વાત કરતા ત્યારે મને ખુશી થતી અને સાથે ડર પણ લાગતો કે હું જે ખુરશી પર બેઠો છું તેની પાસે સમાજને ખૂબ જ અપેક્ષા છે પણ વડીલોનું માર્ગદર્શન મળતું ગયું અને હું ધીમે ધીમે આગળ વધતો ગયો. ત્યારબાદ અભયભાઈની પહેલી પુણ્યતિથિ નિમિતે અમે આત્મીય યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કર્યું. આ સમારોહમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. ઓડિટોરિયમ માનવ મહેરામણથી ભરાઈ ગયું, સામેનો હોલ ખોલવો પડ્યો અને ત્યાં પણ લોકો સમાતા ન હતા તો લોબી પણ ભરાઈ ગઈ. ત્યારે મને અભયભાઈની સમાજમાં ચાહના અંગે ખ્યાલ આવ્યો. હવે અભયભાઈની ગેરહાજરીમાં બીજો એવોર્ડ કાર્યક્રમ કરી રહ્યા છીએ. તેમને જે સૂચિ તૈયાર કરી હતી તે જ સૂચિમાંથી આપણે બ્રહ્મ મહાનુભાવોને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ.

પ્રશ્ન : આ વર્ષે જે બ્રહ્મ મહાનુભાવોને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ તેઓ કોણ કોણ હશે ?

જવાબ : આ વર્ષે આપણે રાજકીય ક્ષેત્રે મનુસખભાઇ જોશી, ઉદ્યોગ ક્ષેત્રે સુરેશભાઈ નંદવાણા, તબીબી ક્ષેત્રે ડૉ. હેમાંગ વસાવડા, શિક્ષણ ક્ષેત્રે આદરણીય ગિજુભાઈ ભરાડ અને સામાજિક ક્ષેત્રે મુકેશભાઈ જોશીને સન્માનિત કરવાના છીએ.

પ્રશ્ન : અભયભાઈ સાથે એક અડીખમ ટીમ હતી. અભયભાઈ જે ટીમ તૈયાર કરી ગયા એ જ ટીમ તમને મળી છે ત્યારે તમે કેવી સપોર્ટ લાઇન અનુભવો છો ?

જવાબ : આ સંસ્થાની વર્ષ ૧૯૮૯માં સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનામાં અભયભાઈની સાથે અંદાજીત ૪ લોકો હતા અને આજે તે પૈકીના ત્રણ લોકો હજુ પણ અમારી સાથે છે અને બીજી પેઢી પણ અમારી સાથે છે તો ચોક્કસ એક મજબૂત ટીમ મળી છે.

પ્રશ્ન : હાલ તમારી પાસે ઉત્સાહ અને જવાબદારી બંને છે અને સાથો સાથ જેવી રીતે આપે કહ્યું કે, એક મજબૂત સપોર્ટ લાઈન પણ છે ત્યારે આ બધી બાબતોને બેલેન્સ કરીને આગળ હવે શું વિઝન છે?

જવાબ : જ્યારે સાર્વજનિક જીવનમાં પ્રવેશ કરીએ ત્યારે ચોક્કસ વડીલોના માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. હું ફક્ત ૨૭ વર્ષનો હતો ત્યારે મેં આ જવાબદારી સંભાળી હતી. એ સમયે મારી પાસે સમાજ લેવલનું નોલેજ ખૂબ જ ઓછું હતું પરંતુ અભયભાઈની ટીમનું મને માર્ગદર્શન મળ્યું અને આજે અમે સતત બીજીવાર પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા હોવી અને તેને ફલિત કરવું બંને બાબત અલગ છે પરંતુ માર્ગદર્શન મળતું રહે છે જેથી અમે સતત આગળ વધી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ નવી વસ્તુ કરવી હોય ત્યારે નિયત સારી હોવી જોઈએ અને જો નિયત સારી હોય તો બધું આપોઆપ ગોઠવાઈ જતું હોય છે. ત્યારે અમે કોઈ જ અપેક્ષા વિના સમાજનું કાર્ય કરવું એ જ ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યા છીએ.

પ્રશ્ન : હજુ ક્યાં કાર્યો કરવાના બાકી છે? અભયભાઈનું વિઝન શું હતું ?

જવાબ : અભયભાઈ એક તો સમાજ સાથે સંકળાયેલા હતા અને સાથોસાથ તેઓ આરએસએસ સાથે ૪૦ વર્ષ સુધી સંકળાયેલા રહ્યા. આરએસએસનો એક સિદ્ધાંત હોય છે, અંત્યોદય સ્વપ્ન એટલે કે છેવાળાના માનવીનો સુખ સિદ્ધ થવો જોઈએ. અભયભાઈ ભારદ્વાજ રાજ્યસભામાં પણ તે જ વિઝન સાથે ગયા હતા કે છેવાળાના માનવી સુધી સવલતો પહોંચવી જોઈએ અને તેમની ઈચ્છાઓની પૂર્તિ થવી જોઈએ. ત્યારે અમે સંગઠનનો ઉપયોગ કરી નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

પ્રશ્ન : બ્રાહ્મણો નોકરીને વધુ પ્રાયોરિટી આપતા હોય છે પણ સમાજમાં એન્ટરપ્રિન્યોરશિપ ઉભી કરવી જરૂરી છે અને એક ભય કાઢવો પણ જરૂરી છે તો તેના માટે કોઈ પ્રોજેકટ ?

જવાબ : આપે જે વાત કરી તે જ ઉદ્દેશ્ય સાથે પરશુરામ એવોર્ડની શરૂઆત કરાવવામાં આવી હતી. એવોર્ડ મેળવનાર તમામ મહાનુભાવો એન્ટરપ્રિન્યોર છે. નોકરીને પ્રાયોરિટી ચોક્કસ આપવી જ જોઈએ પરંતુ સમાજના યુવાનો હવે નોકરી લેવાવાળા નહીં પરંતુ આપવા વાળા થાય તે દિશામાં અમે યુવાનોને આગળ ધપાવવા કાર્યરત છીએ. આવતા દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો થકી સમાજ બળ ઉભું કરી સમાજના લોકો જ સમાજને સાચવી શકે તેવું એક બળ ઉભું કરવાનું લક્ષ્યાંક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.