શેરબજારમાં મંદીનો ચોગ્ગો: સેન્સેક્સમાં 742 પોઇન્ટનો કડાકો

સેન્સેક્સે 59,000ની સપાટી તોડી: એફ.આઇ.આઇ. દ્વારા ધૂમ વેચવાલીના કારણે બજારમાં મંદીનો ઓછાયો

ભારતીય શેરબજારમાં આજે સતત ચોથા દિવસે મંદિનો માહોલ રહ્યો હતો. એફ.આઇ.આઇ. દ્વારા ધૂમ વેચાણના કારણે બજારમાં મંદી ઓછાયો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સે 59,000ની સપાટી તોડી હતી. નિફ્ટીએ પણ 17,600ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાઇ જોવા મળી હતી. બીજી તરફ શેરબજારમાં મંદીના કારણે બૂલીયન બજારમાં થોડી તેજી જોવા મળી રહી છે.

આજે સતત ચોથા દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાનો ઇન્ડેક્સો રેડ ઝોનમાં ખૂલ્યા હતા. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 59,000ની સપાટી તોડી હતી અને 58,683એ પહોંચી ગયો હતો. નિફ્ટીએ પણ આજે 17,600ની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બજારમાં છેલ્લા ચાર દિવસ સતત મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે રોકાણકારો હવે દૂર ભાગી રહ્યા છે. એફ.આઇ.આઇ. દ્વારા વેચવાલી કરવામાં આવી રહી હોય બજારમાં મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે. બજેટ સુધી બજારમાં સતત ઉતાર-ચઢાવ રહેશે તેવું જાણકારો માની રહ્યા છે. આજે બૂલીયન બજારમાં તેજી જોવા મળી હતી જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 742 પોઇન્ટના ઘટાડા સાથે 58,722 અને નિફ્ટી 239 પોઇન્ટના ઘટાડા સાથે 17,517 પર કામકાજ કરી રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસાની મજબૂતાઇ 74.44 પર કામકાજ કરી રહ્યો છે.