Abtak Media Google News

તંત્રની એક દિવસની દબાણ હટાવ કામગીરીના ક્ષણિક સંતોષ ને લઇને ઉઠતા સવાલો

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાજેતરમાં ઝુપડપટ્ટી દૂર કરવામાં આવી હતી, જે ક્ષણિક દબાણ હટાવ ની કામગીરીનો તંત્રએ સંતોષ માની લીધા પછી ફરીથી ઝૂંપડા ગોઠવાઈ ગયા છે, એટલું જ માત્ર નહીં, જાહેરમાં ઘાસચારા વિતરણ પણ શરૂ કરી દેવાયું છે, જેથી તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.  જામનગરના પ્રદર્શન મેદાનમાં ઝૂંપડપટ્ટી વર્ષોથી ખડકાયેલી રહે છે. તંત્ર દ્વારા તેને દૂર કરવા માટેની કવાયત હાથ ધરી લેવાયા પછી કોઈ તકેદારી રાખવામાં આવતી નથી, અને ગણતરીના કલાકોમાં જ ફરીથી ખડકાઈ જાય છે.  આવી પરિસ્થિતિ આ વખતે પણ થઈ છે.

સપ્તાહ પહેલાંજ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડપટ્ટી હટાવવામાં આવી હતી, વોર્ડ નંબર -9ના કોર્પોરેટર જાતે સ્થળ પર હાજર રહ્યા હતા અને ઝૂંપડપટ્ટી દૂર કરાવી હતી, પરંતુ તે સ્થળે આજે ફરીથી સંખ્યાબંધ ઝુપડા ખડકાઈ ગયા છે, ઉપરાંત ત્યાં  ગેર પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે.  પ્રદર્શન મેદાનની ખુલ્લી જગ્યા માં કેટલાક ઘાસ ના વિક્રેતાઓ પણ અડીંગો જમાવીને પડ્યા રહ્યા છે, અને ખડપીઠ જેવી સ્થિતિ બનાવી જાહેરમાં ઘાસનું વેચાણ કરી પ્રદર્શન ગ્રાઉન્ડના પશુઓને એકત્ર કરી રહ્યા છે.

જેઓને પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ફરીથી ઘુસી ગયા છે. જેથી તંત્રની ક્ષણિક સંતોષ માનવાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, અને કાયમી પણે આવા કોઈ દૂષણ ફરીથી પ્રવેશે નહીં તે બાબતે તકેદારી રાખવા માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.