Abtak Media Google News

આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાનો પુન: પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.  ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે તેવા સમયમાં રાજકોટ મધ્યે અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા મેળવવાનો શુભગ અવસર ધર્મપ્રેમીઓ માટે સાંપડ્યો છે.

Advertisement

17 થી રર જાન્યુઆરી દિવ્ય મહોત્સવ દરમિયાન વિશાળ શોભાયાત્રા, રાસ-ગરબા, ડાયરી, આતશબાજી જેવા વિવિધ કાર્યક્રમોની વણઝાર

અવધમાં શ્રીરામ મંદિર માટે કેટલાય મહાપુરૂષોએ બલીદાન આપ્યા છે: પૂ. કમલનયનદાસજી

આ દિવ્ય પ્રસંગ પૂર્વે અયોઘ્યા રામમંદિરના મહંત પૂ. કમલનયનદાસજી મહારાજ ગુરૂ નિત્ય ગોપાલદાસજી મહારાજ (મુખ્ય મહંત) (શ્રીરામ જન્મભૂમિ તેમજ શ્રીકૃષ્ણ જન્મભૂમિ) એ જણાવ્યું હતું કે, અવધ ખાતે શ્રીરામ મંદિર માટે કેટલાય મહાપુરૂષોએ બલીદાન આપ્યા છે. વધુમા તેઓએ કહ્યું કે, આજે ગુરૂગોવિંદસિંહ, તેગબહાદુરસિંહ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ભગતસિંહ વગેરેને આપણે ભૂલી રહ્યા છીએ. તે દુ:ખદ બાબત છે તેઓ હિન્દુ ધર્મ માટે પ્રાણની આહુતિ આપતા અચકાયા નથી.

આપણા ભારત રાષ્ટ્ર્રમાં અયોધ્યાનગરી કે જેની સાથે કરોડો હિન્દૂઓની આસ્થા જોડાયેલી છે ત્યાં આગામી તા. 22 જાન્યુઆરી 2024ના રોજ મર્યાદાપુરુષોતમ શ્રીરામ બિરાજીત થવા જઈ રહ્યા છે. હાલ અયોધ્યાનગરી મધ્યે મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ ઘડીની વાટ આખુ રાષ્ટ્ર્ર જોઈ રહ્યું છે. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવની તૈયારીઓ આખા દેશમાં ચાલી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં આગામી 17 થી 22 જાન્યુઆરી 2024 સુધી શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા પણ એક ભવ્ય મહોત્સવનું ’રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવનાર છે.

દિવ્ય અને ભવ્ય મહોત્સવના ભાગરૂપે રાજકોટ ખાતે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા-રામ મંદિર જેવી આબેહૂબ 100+65 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. આ પ્રતિકૃતિની ઊંચાઈ 35 ફૂટ જેટલી રાખવામાં આવશે. જે મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદાપુરુષોતમ ભગવાન શ્રીરામની 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મુકવામાં આવનાર છે. જેના દર્શન કરી રાજકોટની ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવી શકશે.

ઉપરાંત મંદિર પટાંગણમાં અયોધ્યાનગરીના જોવાલાયક તેમજ દર્શન કરવા લાયક મુખ્ય ફ્લોટ્સ લોકોને મંત્રમુગ્ધ કરી દેશે.

આ મહોત્સવમાં દરરોજ હજારો દીવડાઓથી શ્રીરામ લલ્લાની આરતી કરવામાં આવશે. જેમાં લોકો દીવડા સાથે આરતી કરવાનો લ્હાવો પણ લઇ શકશે.

ઉપરાંત મહોત્સવમાં દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. જેમાં દરરોજ સાંજે 7:30 વાગ્યે હજારો દીવડાઓની મહાઆરતી 11  વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં થશે અને દરરોજ 10 હજારથી પણ વધુ દર્શનાર્થીઓની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. સાથે દરરોજ રાત્રીના સમયમાં નામી-અનામી કલાકારોની ઉપસ્થિતિમાં લોકડાયરો-હસાયરો યોજાનાર છે. સુપ્રસિદ્ધ કલાકારો તેમના સ્વરરૂપી શબ્દોથી દેશભક્તિનો રસ પીરસવા જઈ રહ્યા છે.

પાંચ દિવસીય મહોત્સવ માટે રામ મેદાન, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું અયોધ્યા રામ મંદિરના મહંતશ્રી કમલનયનદાસજી મહારાજ જેઓ ઉત્તરાધિકારી શ્રી નિત્યગોપાલદાસજી મહારાજ (મુખ્ય મહંતશ્રી શ્રીરામ જન્મભૂમિ તેમજ શ્રીકૃષ્ણ જન્મભૂમિ) અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યાલય મહોત્સવ પૂર્ણ થયાં સુધી સતત ધમધમતું રાખવામાં આવશે. શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનો સંપર્ક સૂત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. ધર્મપ્રેમીઓ 9023000745 નંબર થકી સંપર્ક કરી શકશે.

આ દિવ્ય મહોત્સવમાં અનેક સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો, સહયોગી સંસ્થાનોને જોડવામાં આવશે. ત્યારે આ મહોત્સવનો લાભ લેવા રાજકોટ-સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ – ગુજરાત દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

પાંચ દિવસીય મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમો

18મીએ શ્રીરામના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે  રાત્રીના 8:30 કલાકે એક ભવ્ય રામ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર યોગેશભાઈ બોક્સા સાહિત્યરૂપી રસપાન કરાવશે. 19મીએ ’શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવ હેઠળ રામ મેદાન, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 કલાકે મનમોહક અઘોરી મ્યુઝિકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  20મીએ  રાત્રે રામ મંડળીનો કાર્યક્રમ યોજાશે તેમજ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકારો સ્વરરૂપી રસપાન કરાવનાર છે. જ્યાં હજારો લોકો એકસાથે રાસની રમઝટ બોલાવશે. 21મી  રાત્રે 8:30 કલાકે   લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો લોકડાયરો   યોજાશેે.જયારે 22મીએ  મહોત્સવના અંતિમ દિવસે એક તરફ અયોધ્યા ખાતે રામ મંદિરની પડદો ખુલો કરી શ્રી રામલલ્લાને દર્શનાર્થે મુકવામાં આવશે ત્યાં બીજી રાજકોટ ખાતે પણ પડદો ખુલ્લો કરવામાં આવશે અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.

રામલલ્લાની વિશાળ શોભાયાત્રા

17મી એ શ્રી રામલલ્લા અયોધ્યાનગરીમાં બિરાજે તે પૂર્વે રાજકોટ શહેરમાં તા. 17 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 કલાકે એક ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ સાથે 5000 ટુ-વ્હીલર, 2000 ફોર વ્હીલર જોડાશે. 1000થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતીમાં શોભાયાત્રા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નીકળશે. આ શોભાયાત્રાની શરૂઆત શાસ્ત્રી મેદાનથી થશે જયારે પુર્ણાહુતી ’રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે થશે. જે બાદ રામ મેદાન ખાતે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.