Abtak Media Google News

આ પ્લેનનો ઉપયોગ પાયલટ ટ્રેનિંગ અને પ્લેન ઉડાડવાના શોખીન માટે થશે

હવાઈ ઉડાન ભરવાના શોખીનો માટે ખુબ જ મહત્વના સમાચાર છે. હવે ભારતમાં ટુ સીટર પ્લેન માત્ર ૮૦ લાખ રૂપિયામાં જ ઉપલબ્ધ છે. લકઝયુરીયસ કારને બદલે હવે પ્લેન ખરીદવું એક સ્વપ્ન નહીં પરંતુ હકિકત છે. બેંગ્લોરમાં વૈજ્ઞાનિક અને ઔધોગિક અનુસંધાન પરિષદ (સીઆઈઆઈઆર)ની રાજય સંચાલિત રાષ્ટ્રીય એયર સ્પેસ પ્રયોગશાળાએ બે સીટવાળા હંસા એનજી પ્લેન બનાવ્યું છે અને તેણે દિલ્હીના મેસ્કો એયર સ્પેસ સાથે કરાર પણ કર્યા છે.

આ અંગે એનએએલના નિર્દેશક જીતેન્દ્ર જે જાદવે કહ્યું કે, હંસ નેકસ્ટ જનરેશન (એનજી) પ્લેનની ડિઝાઈન હંસ પક્ષી જેવી છે અને તેનું ઉત્પાદન વિકાસ પણ ભારતમાં કરવામાં આવી રહ્યો છે. આ ટુ સીટર પ્લેન પાયલટ પ્રશિક્ષણ અને હવાઈ ઉડાન ભરવાના શોખીન માટે ખુબ જ ઉપયોગી હશે. આ પ્લેન ૨૦૧૯માં ઉડાન ભરવા તૈયાર થશે અને માર્ચ ૨૦૨૦ સુધી નિયામક પ્રાધિકરણ મહાનિર્દેશાલય (ડીજીસીએ) દ્વારા પ્રમાણિત કરવામાં આવશે.

આ પ્લેનને એક વાર મંજુરી મળ્યા બાદ દિલ્હીના મેસ્કો ‘હંસ એનજી’ને વેચાણ માટે બજારમાં મુકશે. હંસ એનજીનો ઉપયોગ એયર ફિલ્ડ, ક્રેડેટ પ્રશિક્ષણ, હવાઈ બોર્ડરની દેખરેખ અને હવાઈ ઉડાનના શોખીનો માટે થશે. આ પ્લેનની કિંમત લગભગ ૮૦ લાખ હશે અને જયારે તેમા અન્ય એસેસરીઝ નાખવામાં આવશે ત્યારે તેની કિંમત એક કરોડ થશે. માર્કેટની રિપોર્ટ મુજબ એનએએલનુ અનુમાન છે કે પ્રાયોગિક ધોરણે ૭૦ થી ૮૦ ટુ સીટર પ્લેન તૈયાર કરવામાં આવશે અને જો માંગ વધશે તો ઉત્પાદન પણ વધારવામાં આવશે એટલે હવે હવાઈ ઉડાન લકઝુરીયસ કાર જેટલી જ સહેલી અને સસ્તી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.