Abtak Media Google News

નિજાનંદ માટે સૌથી ઉત્તમ દિલથી ગીતો ગાવા પછી એ ફિલ્મી હોય ભજનો, જે ગાય શકે છે એ જ પવિત્ર રહી શકે છે: ચાલતા કે વાહન ઉપર તમને ઘણાં લોકો ગીતો ગાતા કે ગુનગુનાવતા નજરે પડે છે

70 વર્ષ પહેલાના ગીતો પણ આજે રિમીક્સ થઇને નવા યુગમાં ફેવરીટ ગીતો બન્યા છે: સંગીત કે ગીતો એક જ એવી વસ્તુ છે જે સૌને એક તાંતણે જોડી રાખે છે

આજકાલની ફાસ્ટ લાઇફ અને બદલાતી જીવનશૈલી વચ્ચે દરેક માનવીના આનંદ-પ્રમોદ કે મનોરંજન માટેના શોખો પણ અલગ-અલગ હોય છે. દુનિયાભરમાં સંગીત-ગાયન-વાદન એક જ એવી વસ્તુ છે. જે સૌને એક તાંતણે જોડી રાખે છે. ‘ગાયે જા ગીત મિલન કે… તુ અપની લગન સે’ અંદાજ ફિલ્મના આ ગીતની જેમ આજનો માનવી નવરાશની પળો કે કામકાજ સાથે ગીતો ગુનગુનાવતો જોવા મળે છે. દુનિયાભરના ક્રિકેટરોમાં વિરેન્દ્ર સહેવાગ એકમાત્ર ક્રિકેટર છે જે ગીતો ગાતા-ગાતા બેટીંગ કરતો જોવા મળે છે.

Advertisement

નિજાનંદ દરેક માનવી પોતાની રીતે અલગથી કરતો હોય વિવિધ શોખો દ્વારા દરેક માનવીને મનોરંજન જોઇએ છે, પછી એ ફિલ્મી ગીતો હોય ભજન હોય કે ગમતાં કોઇપણ ગીતો હોય તે ગાતો જ રહે છે. પોતાના સંતોષ માટે કે આનંદ માટે ગાતો માણસ પોતાનો અવાજ સારો છે કે નથી તેની પણ પરવા કરતો નથી તેથી જ માત્ર પોતાને મઝા આવે છે એટલે જ એ ગીતો ગાય છે. આજકાલ કરાઓકેના મ્યુઝિક ટ્રેક તૈયાર સાથે ગીતના શબ્દો મોબાઇલમાં સરળતાથી મળી જતાં હોવાથી બધા હેન્ડમાઇકના સથવારે સુંદર ગીતો ગાય છે. ઓનલાઇન એક બીજા સાથે જોડાઇને પણ યુગલ ગીતો ગાય છે. જે પૈકીના ઘણાના ગીતો વાયરલ થતાં સારા અવાજને કારણે બહોળી પ્રસિધ્ધી પણ મળી છે.

આજથી ચાર દાયકા પહેલા ટીવી-મોબાઇલ કશુંજ ન હતું ત્યારે માનવી તણાવમુક્ત રહેતો તેનું કારણ તે મનમૂકીને રૂમઝુમ થતોને ગીતો લલકારતો હતો. એ સમયે ટ્રેસ ન હતો ને માનવી પોતાની નવરાશની પળોમાં ગીત-ધૂમ-ભજન વિગેરે દિલ ખોલીને ગાતો તેથી જ તે લાંબુ જીવ શકતો હતો. ગીતો ગાનાર હળવો થતો હોવાથી હૃદ્યની બિમારી ઓછી થાય તે સ્વભાવિક છે. સંગીત એક જ વસ્તુ એવી છે જે સૌને ગમે છે. જૂની ફિલ્મોના સંગીતકારો તેમના ગીતો માટે સખત મહેનત કરતા હતા જેને કારણે આજે 50 વર્ષ પછી પણ તેના શબ્દો-આલાપ બધું જ આપણને યાદ છે.

સવારથી સાંજ પરિવાર માટે મહેનત મજૂરી કરતો મજૂર પણ સાંજે છૂટીને સાયકલ ઉપર જતો હોય ત્યારે ગીતો લલકારતો જોવા મળે છે. આ ઘટના તેના પ્રફૂલ્લિત મન સાથે સમગ્ર શરીરને રોમાંચિત સાથે આનંદમય કરી દે તેવી હોય છે. નવરો પડેલો માણસ આજે મોબાઇલને વળગે છે તેમ એ જમાનામાં ગીતો ગુનગુનાવતો હતો. માનવીને સાચું જીવન કે જીવન જીવવાની કલા સંગીતકલા જ આપી શકે છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં બધી જ મહિલા ભેગી થઇને સુંદર ભજનો ગાતા હોય ત્યારે સમગ્ર વાતાવરણ પછી એ સૂર્યોદય હોય કે સંધ્યાટાળું એ એને આનંદ વિભોર બનાવી દે છે. આજનું બાળક પણ તમે જોયું હશે કે ટીવીમાં આવતા ગીતો-જાહેરાતના સોંગ વિગેરે ગાવા લાગે છે. લખતાં-વાંચતા ન આવડતું હોવા છતાં માત્ર યાદશક્તિના આધારે તે ગીતો ગાવા લાગે છે.

નાના બાળકને હિંચકો નાંખતી માતા તેના બાળક માટે વિવિધ ગીતો કે હાલરડાં ગાતી હોય ત્યારે ગીતોની પંક્તિના આરોહ-અવરોહ સાથે હિંચકાના આવનજાવન હાર્મનીનો સુંદર સંગમ જ બાળકને નિરાંતની ઉંઘ આપે છે. ગીતો ગાતા હોય ત્યારે આપણું મન શાંત હોય અને સમગ્ર સૃષ્ટિથંભી જાય અને માત્રને માત્ર આપણે ગીતના શબ્દો, લય, તાલ વિગેરેમાં ખોવાય જાય છીએ.

આપણી શેરીમાં ભિક્ષાવૃતિ માટે આવનાર લેડીઝ કે પુરૂષ પણ દર્દીલા ગીતો દ્વારા જ શેરીના તમામ લોકોનું આકર્ષણ પોતાની તરફ કરતો હોય છે. કોઇ ફકીર પોતાના પેટે હારમોનિયમ બાંધીને સુંદર સ્વરમાં સંગીતના તાલે ગીતો ગાતો હોય ત્યારે બધા જ લોકો તેને જોવા ઉભા રહી જાય છે. ભક્તિ ઇશ્ર્વર સાથેની હોય ત્યારે તેની અર્ચના આરાધના માટે હૃદ્યથી ગવાતા ગીતોનો આનંદ સમગ્ર મંદિરના વાતાવરણ સાથે આખા ગામને પ્રભાવિત કરે છે.

મૂર્તિ સામે ગવાતાં ગીતોમાં અનોખો ભાવ આવતો હોવાથી તે ગીતો-ભજનો દીપી ઉઠે છે. બૈજુબાવરા ફિલ્મનું ગીત મોંહમંદ રફીએ મંદિરમાં રેકોર્ડ કરેલ હતું. ગીતોનું જીવન માનવીય જીવન સાથે એટલું જોડાયેલું છે કે જેને કારણે આપણી ફિલ્મોમાં ભાઇ-બેન, તહેવારો, ભજનો, બાળગીતો વિગેરેને સામેલ કર્યા હતાં અને હજી કરતાં જ રહેશે.

આપણા ગુજરાતી ગીતો, રાસ, પ્રાચીન ભજનો, પ્રભાવિત જ્યારે ગવાતાં હોય ત્યારે આપણે સૌ આનંદીત થઇએ છીએ. ગીતો જ આપણો મુડ ફ્રેશ કરી દે છે. આપણી કાઠિયાવાડી સંસ્કૃતિના ગીતો વિશ્ર્વભરમાં ખૂબ જ જાણીતા છે. ગમે તે લોકો ગાય શકે તેવા સરળ હોય છે. ‘ગીત ગાતા ચલ મુસાફીર ગીત ગાતા ચલ’ આ ગીતના શબ્દોની સાથે માનવની જીવનયાત્રા વણાયેલી છે. સુખ કે દુ:ખ બધાજ માં ગીતો આપણને સાથ આપે છે. ગીતોને નાત-જાતના કોઇ વાડા નડતા ન હોવાથી આપણાં ગીતો કે તેને ગાનાર માણસને બધા જ સાંભળે છે.

માણસને સવારથી સાંજ થાક આપણાં ગીતો જ ઉતારીને તરોતાજા બનાવે છે. યુવા વર્ગ રોમેન્ટિક ગીતો ગાય, વડિલો જૂના ગીતો ગાય, બાળકો તેને ગમતાં ગીતો ગાય, મહિલાઓ સાથે મોટી ઉંમરના બહેનો ધૂન, ભજન ગાય આમ બાળથી મોટેરા સૌ પોતાના નિજાનંદ  માટે ગીતો નો જ સહારો લે છે. સૌને સંગીત કે ગીતો જ જીવતાં રાખે છે. આજે ચા ની હોટલ કે રીક્ષામાં પણ જૂના-નવા ગીતો આપણને રોજ સાંભળવા મળે છે.

કોઇપણ માણસ હોય તે ગીતો વગર જીવી જ ન શકે. સંગીત રોગ ભગાવે છે, ગીતો દર્દ મટાડે છે, એકલતા કે એકલા હોય ત્યારે આપણાના હૃદ્યના ધબકારાને ગમતાં ગીતો જ બેલેન્સ કરે છે. દર્દભર્યા કે આનંદ કે વિવિધ લાગણીસભર ગીતો આપણાં શરીરના સ્પંદનોમાં ઝણઝણાટી ફેલાવે છે. આપણાં માનસપટ્ટ પર રમતાં હજારો ગીતો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની ઘટમાળા સાથે જોડાયેલા હોય છે એટલે જ આપણને એ ગમવા લાગે છે, તેથી જ તેને આપણે ગાવા પણ લાગીએ છીએ.

“ગીત તેરે પ્યાર કા….મેરી હી આવાઝ હૈ” સેહવાગ ગીતો ગાતા-ગાતા બેટીંગ કરીને ચોક્કા-છગ્ગા લગાવતો!!

ઘણા ફિલ્મ સ્ટારો-ક્રિકેટરોને ગીતો ગાવાનો બહુ જ શોખ છે, મોકો મળે એટલે અચુક ગીતો ગાય. ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ મેચમાં ગીત ગાતા-ગાતા બેટીંગ કરીને ચોકા-છકા લગાવ્યાના ઘણા વિડિયો વાયરલ થયા હતાં. દુનિયાના બધા લોકોને ગીતો ગાવા ગમે છે. ગીટાર, તબલા, હારમોનિયમ, ફલૂટ જેવા વાદ્ય હવે નાના બાળકો પણ શિખવા લાગ્યા છે. ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો કેશિયો પાર્ટીમાં સુંદર કિબોર્ડ વગાડે છે. ઘણા લોકો હેડફોનમાં ગીતો સાંભળતા-સાંભળતા તેની સાથે ગાતા જોવા મળે છે.

સત્સંગમાં લગભગ દરેક મહિલા ભજન-કિર્તન ગાતા હોય છે. સંગીત, ગાયન-વાદન આપણને એકબીજા સાથે જોડે છે. શાળામાં ગવાતી પ્રાર્થનાનો લયબધ્ધ સૂર-સંવાદિતા આપણું દીલ જીતી લે છે. ગીતોના સ્વરમાં ગઝબની તાકાત હોય છે. પોતાના પ્રિયપાત્ર માટે આજના યુગમાં જુવાનિયા રોમેન્ટિક ગીતો ગાતા જ હોય છે. ગીતો જ આપણું જીવન છે. સંગીત આપણી નસ-નસમાં હોય છે. તેને કારણે જ ગમતું ગીત આવે ત્યારે ગાવા લાગવું. આંગળાનો તાલ આપવો કે નાચવા લાગવું તે જ તેની સાથેનો અનુબંધ બતાવે છે.

સુર અને તાલ તો માત્ર બહાનું છે, માણતા આવડે તો કુદરતનાં ખૂણે-ખૂણે સંગીત છે!!

સુખ હોય કે દુ:ખ સંગીત જ આપણને રાહત કે શાંતિ આપે છે. સૃષ્ટિના તમામ ખૂણે જીવન અમૃતરૂપી સંગીત પડેલ જ છે. માત્ર આપણે માણવાની જરૂર છે. પંખીઓનો કલરવ, વરસાદનું વરસવું, માતાનું હાલરડું, ઝરણાંનું ખડખડ વહેવા સાથે દુનિયાની તમામ જગ્યાએ સંગીત છે માત્ર આપણે સાંભળવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.