Abtak Media Google News
  • લ્યો કરો વાત… બુટલેગરોને પકડવા રોકડ ઈનામ જાહેર
  • ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત છ જિલ્લામાં નોંધાયેલા ગુન્હામાં ફરાર બુટલેગરો ઝડપી લેવા નવતર પ્રયોગ

દારૂબંદીવાળા ગાંધીના ગુજરાતમાં ગેરકાયદે દારૂની રેલમછેલ કરી નાણાં રળતા બુટલેગરો વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલે લાલ આંખ કરી છે. રાજ્યના પાંચેક જિલ્લામાં નોંધાયેલા દારૂના ગુન્હામાં વોન્ટેડ જાહેર કરાયેલા બુટલેગરોને ઝડપી પાડવા એસએમસીએ નવતર પ્રયોગ કર્યો છે. આ બુટલેગરોની બાતમી આપનાર જાગૃત નાગરિકોને રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત એસએમસીએ કરી છે. બુટલેગરોની વિગતો જાહેર કરીને તમામના માથે અલગ અલગ રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં દારૂના દુષણને ડામવા માટે એસએમસી સહીતની એજન્સીઓ સતત દરોડા સહીતની કામગીરી કરતી હોય છે. પોલીસની રેડમાં પાયદળ સમાન કડીઓ ઘટનાસ્થળેથી ઝડપાઈ જતી હોય છે પણ પડદા પાછળ રહીને દારૂનો મોટો જથ્થો મોકલનાર અને લેનાર ઘટનાસ્થળેથી સામાન્ય રીતે મળી આવતા નથી અને રેઇડ બાદ ભૂગર્ભમાં ઉતરી જતાં હોય છે. ત્યારે એસએમસીએ આ પડદા પાછળના ખેલાડીઓને ઝડપી લેવા નવતર પ્રયોગ અજમાવ્યો છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર, પંચમહાલ અને પાટણ જિલ્લામાં નોંધાયેલા દારૂના ગુન્હામાં ફરાર જાહેર કરાયેલા બુટલેગરોની ઓળખ જાહેર કરવામાં આવી છે અને આ તમામ બુટલેગરોની માહિતી આપનાર જાગૃત નાગરિકને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.

Screenshot 1

સ્ટેટ મોનીટરીંગ સેલે જાહેર કરેલી વિગતો અનુસાર બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં નોંધાયેલા ગુન્હામાં ફરાર આરોપી અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશપ્રસાદ જાટ રહે. ફતેપુર, સિકર, રાજસ્થાન, ખેંગારરામ ઉર્ફે છોટુ ખીલેરી બળવતારામ બિશ્નોઈ રહે, જાલોર, રાજસ્થાન, પવનસિંગ ભખરસીંગ મહેછા રહે. બાડમેર, રાજસ્થાન, તૌફીક નજીરખાન મુસલમાન રહે જારીયા દુધવા, ચૂરું, રાજસ્થાન, ભરત ઉદાજી ડાંગી રહે. ઉદેપુર, રાજસ્થાન, સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજી રહે. ઉદેપુર, રાજસ્થાન, આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ રહે આબુરોડ, શિરોહી, રાજસ્થાન, પીરારામ મેવારામ દેવાસી(રબારી) રહે પોસલા, રાજસ્થાન, વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહ રામસિંહ વાઘેલા રહે રામનગર, દાંતીવાડા, બનાસકાંઠા અને કાંતિલાલ ઉર્ફે રોહિત રતિલાલ મારવાડી રહે જાલોર, રાજસ્થાનવાળાઓની બાતમી જો કોઈ જાગૃત નાગરિક આપશે તો તેમને નિર્ધારિત રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

બુટલેગરની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે

જે તમામ 10 બુટલેગરોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેની માહિતી આપનાર જાગૃત નાગરિકને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત તો કરવામાં આવશે જ સાથોસાથ જાગૃત નાગરિકોની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત એસએમસી દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.