સામાજિક ઢાંચો અને કાયદાકીય આંટીઘૂંટી સમલૈંગિક સંબંધોમાં ભયંકર ગૂંચવણ ઉભી કરી શકે: કેન્દ્ર

કેન્દ્ર સરકારે તેના સોગંદનામામાં સજાતીય સંબંધોનો વિરોધ કર્યો: આજે સુપ્રીમમાં સુનાવણી

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક સંબંધને માન્યતા આપવાની અરજીનો વિરોધ કર્યો છે. કેન્દ્રએ કહ્યું છે કે, સમલૈંગિક લગ્નને કાયદેસર કરી શકાય નહીં અને અરજીકર્તાઓ સમલૈંગિક સંબંધ માટે મૂળભૂત અધિકાર તરીકે દાવો કરી શકતા નથી. સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી આજે થનારી છે. 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન જવાબ દાખલ કરવા માટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે આ મામલે એટર્ની જનરલ પાસે જવાબ પણ માંગ્યો હતો. આ કેસમાં સમલૈંગિક યુગલો તરફથી સુપ્રીમ કોર્ટમાં બે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જેમાં અરજ કરવામાં આવી છે કે, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ સમલૈંગિકોના લગ્નને માન્યતા આપવા માંગ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે, સંમતિ સાથે અકુદરતી સેક્સને અપરાધિક ઠેરવવામાં આવ્યું હોવા છતાં અરજદારો સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો દાવો કરી શકતા નથી. આ દાવો મૂળભૂત અધિકારોના આધારે કરી શકાય નહીં. કેન્દ્ર સરકારે આ મામલે એફિડેવિટ દાખલ કરીને અરજીનો વિરોધ કર્યો છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આપણા દેશની સામાજિક વ્યવસ્થામાં લગ્ન બે અલગ અલગ લિંગના લોકો વચ્ચે થાય છે. તે સામાજિક, સાંસ્કૃતિક અને કાયદાકીય રીતે માન્ય વ્યાખ્યા છે.  આ સિદ્ધાંતને ન્યાયિક અર્થઘટન દ્વારા કોઈપણ રીતે પાતળો કરી શકાતો નથી. હાલના કિસ્સામાં અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજી માન્ય નથી અને તેની કોઈ યોગ્યતા નથી. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, બધા ધર્મોના અંગત કાયદા છે અને તેમાં ઘણા નિયમો છે. હિંદુઓમાં મિતાક્ષર અને દયાભાગના સિદ્ધાંતો છે, જ્યારે અન્ય ધર્મોમાં અલગ વ્યક્તિગત કાયદાઓ છે. હિંદુમાં લગ્ન એક પવિત્ર બંધન છે, જ્યારે મુસ્લિમ અંગત કાયદામાં તે એક કરાર છે.

પરંતુ અહીં પણ એવું માનવામાં આવે છે કે જોડીમાંથી એક પુરુષ અને બીજી સ્ત્રી હશે. હાલના કેસમાં દાખલ કરાયેલી રિટ સ્વીકારી શકાતી નથી કારણ કે તે સમગ્ર કાયદાકીય નીતિને બદલી નાખશે.

કેન્દ્રએ તેના સોગંદનામામાં કહ્યું છે કે કલમ 377 હેઠળ અકુદરતી સેક્સના કિસ્સામાં સહમતિથી સેક્સને પણ અપરાધ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ અરજદાર સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો દાવો કરી શકે નહીં.  સંસદે લગ્ન માટે કાયદો બનાવ્યો છે અને તે પર્સનલ લો હેઠળ છે. કેન્દ્રએ કહ્યું કે સમલૈંગિકો સાથે રહે છે પરંતુ તેની તુલના ભારતીય પરિવાર સાથે કરી શકાય નહીં જેમાં એક પતિ, બીજી પત્ની અને લગ્નથી જન્મેલા બાળકો હોય છે. બે વિરોધી જાતિના લોકો વચ્ચે લગ્નની માન્યતા માટે દલીલ છે.

નવતેજ સિંહ જોહરના ચુકાદામાં હોમો સેક્સ્યુઅલ રિલેશનશિપને અપરાધની શ્રેણીમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો પરંતુ તેના આધારે હોમો સેક્સ્યુઅલ સંબંધને લગ્નની માન્યતા તરીકે દાવો કરી શકાય નહીં. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આ મામલામાં કોઈ મૌલિક અધિકારનું ઉલ્લંઘન થયું નથી.  સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન નથી. કેન્દ્રએ એફિડેવિટમાં કહ્યું છે કે અરજીમાં કોઈ યોગ્યતા નથી અને તેને ફગાવી દેવી જોઈએ.

શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ ?

સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ લગ્નની જોગવાઈ અનુસાર છોકરો અને છોકરી પુખ્ત હોવા જોઈએ. બંને લગ્ન કરવા લાયક હોવા જોઈએ અને તેઓ કોઈપણ ધર્મના હોઈ શકે છે એટલે કે જો છોકરો અને છોકરી અલગ-અલગ ધર્મના હોય તો તેમને લગ્ન કરવા માટે ધર્મ બદલવાની જરૂર નથી પરંતુ અલગ-અલગ ધર્મમાં રહીને તેઓ લગ્ન કરી શકે છે અને તેમનો ધર્મ નિભાવી શકે છે.  છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને બંને લગ્ન માટે લાયક હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સ્પેશિયલ મેરેજ એક્ટને જેન્ડર ન્યુટ્રલ બનાવવાની વિનંતી કરવામાં આવી છે.

અરજીઓમાં કલમ 377 અને ગોપનીયતાના અધિકારનો ઉલ્લેખ

સંમતિ સાથેના અકુદરતી સંબંધને કલમ 377 હેઠળ ગુનાના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યો છે. 6 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ચુકાદા પછી પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી સમલૈંગિક સંબંધોને અપરાધ નહીં ગણવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, કલમ 377 હેઠળ બે પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી સમલૈંગિક સંબંધો બનાવવો ગુનો નથી. સુપ્રીમ કોર્ટે આ જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરી હતી અને તેને સમાનતા અને જીવનના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.  કલમ 377 હેઠળ પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી બનેલા સમલૈંગિક સંબંધોને ગુનાહિત બનાવવાની તે અતાર્કિક અને સ્પષ્ટ રીતે મનસ્વી જોગવાઈ છે.

શું છે ગે યુગલની અરજી ?:

સમલૈંગિક યુગલએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે, હોમો સેક્સ્યુઅલ લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ માન્યતા આપવી જોઈએ. અરજીકર્તા સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ વતી જણાવવામાં આવ્યું છે કે તેઓ 10 વર્ષથી દંપતી તરીકે રહે છે. હવે તેઓ બંને લગ્ન ગ્રંથીથી જોડાવા માંગે છે. અરજદારે રજૂઆત કરી છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં લિંગના આધારે ભેદભાવ કરવામાં આવે છે અને તે ગેરબંધારણીય છે. આ અધિનિયમ મુજબ સમલૈંગિક સંબંધો અને લગ્નને માન્યતા આપવામાં આવતી નથી.  અરજદારે જણાવ્યું છે કે, ભારતની સર્વોચ્ચ અદાલતે હંમેશા આંતર-જ્ઞાતિ અને આંતર-ધર્મ લગ્નોનું રક્ષણ કર્યું છે. પોતાની પસંદગીના લગ્ન કરવા એ દરેક પુરુષનો અધિકાર છે. સમલૈંગિક લગ્ન પણ બંધારણીય વિકાસના માર્ગમાં સતત ચાલતી પ્રક્રિયા છે.