Abtak Media Google News

સેનાએ ઓપરેશન ઓલઆઉટ તેજ કરતા રઘવાયા બનેલા આતંકીઓએ કત્ત્લેઆમ શરૂ કર્યું

જમ્મુ-કાશ્મીરની સ્થાનિક ચુંટણીઓમાં ડરનો માહોલ ઉભો કરવા અને લોકતાંત્રિક વ્યવસ્થાને ખોરવવા માટે આતંકીઓ દ્વારા ત્રણ પોલીસ જવાનોનું અપહરણ કરી ઘાતકી હત્યા કરાવવામાં આવી હોવાનું ખુલ્યું છે. હિઝબુલ મુઝાહુદીનનો આ કતલેઆમમાં હાથ હોવાનું જાણવા મળે છે.

Advertisement

જમ્મુ કાશ્મીરમાં સેનાએ ઓપરેશન ઓલ આઉટ તેજ કરતા આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે. જેથી  જમ્મુ કાશ્મીરમા હિજબુલના આતંકવાદીઓએ એક વીડિયો જાહેર કરી સરકારી કર્મચારીઓને નોકરી છોડવાની ધમકી આપી હતી.. આતંકવાદીઓએ નોકરી ન છોડનાર કર્મચારીને મોતને ઘાટ ઉતારવાની પણ ધમકી આપી છે.

કાશ્મીરમાં સરકારી નોકરી કરતા તમામ લોકોને ચાર દિવસમાં નોકરી છોડવાની ધમકી આપી હતી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.  આતંકવાદીઓની ધમકીના ત્રણ દિવસ બાદ પોલીસ જવાન લાપતા થયા હતા. જેમાથી ત્રણ જવાનની હત્યા કરી દેવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ત્રણ પોલીસ જવાનોનું અપહરણ કરીને તેમની હત્યા કરી છે. આતંકવાદીઓએ શોપિયાં જિલ્લામાંથી ત્રણ સ્પેશિયલ પોલિસ ઓફિસર સહિત ચાર જણાનું અપહરણ કર્યું હતું જેમાંના એકને જીવિત છોડી મૂક્યો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના આ ત્રણ અધિકારીઓની હત્યા બાદ એટલી દહેશત ફેલાઇ છે કે કેટલાયે પોલીસ અધિકારીઓએ પોતાના પદો ઉપરથી રાજીનામા આપી દીધાં છે. અને રાજીનામા આપ્યાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીને એના વિશે જાણકારી આપી છે.

હકીકતમાં થોડા દિવસ પહેલાં જ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી રિયાઝ નાયકૂએ એક ઓડિયો જારી કરીને સ્થાનિક પોલીસકર્મીઓને નોકરી છોડવાની ધમકી આપી હતી. આતંકવાદી સંગઠને ધમકીભર્યા પોસ્ટરો પણ ઠેકઠેકાણે લગાવ્યાં હતાં.

હિઝબુલ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે ચાર દિવસની અંદર જ રાજીનામા આપે અને રાજીનામાની કોપી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે. ધમકીમાં પોલીસકર્મીઓના પરિવારજનોને પણ નિશાન બનાવવાની વાત કહેવામાં આવી હતી. ધમકીની ચાર દિવસની ડેડલાઇન પૂરી થતાં આતંકવાદીઓએ આ હિચકારા કૃત્યને અંજામ આપ્યો હતો.

કાશ્મીર ખીણમાં સુરક્ષા દળો ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતંકવાદીઓનો શોધી શોધીને સફાયો બોલાવી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરના પોલીસકર્મીઓ આ કામમાં સુરક્ષા દળોની મદદ કરી રહ્યાં છે. પરંતુ હવે આતંકવાદીઓએ પોલીસકર્મીઓને જ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.

જુલાઇ ૨૦૧૬માં જુલાઇ ૨૦૧૬માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બુરહાન વાની માર્યો ગયો એ પછી કાશ્મીર ખીણમાં અશાંતિ અને હિંસાની પરિસ્થિતિએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. એ પછી કાશ્મીરમાં અશાંત પરિસ્થિતિમાં કોઇ ફેર પડયો નથી. આતંકવાદીઓ પોલીસ અને સુરક્ષા દળોના જવાનોને સતત નિશાન બનાવી રહ્યાં છે.

કાશ્મીરમાં સતત આતંકવાદીઓ સાથે અથડામણ, બંધ અને રાષ્ટ્રવિરોધી તત્ત્વોનો નિરંતર ઉપદ્રવ ચાલી રહ્યાં છે. જવાનોની હત્યાઓ, તેમને માર મારવાના વીડિયો, બેલગામ બનેલા આતંકવાદીઓના વીડિયોના કારણે સમગ્ર કાશ્મીર ખીણમાં ભય અને આશંકાનો માહોલ વ્યાપી રહ્યો છે.

થોડા સમય પહેલાં જ શોપિયાંમાં આતંકવાદી હુમલામાં પોલીસના ચાર જવાનો શહીદ થઇ ગયા અને આતંકવાદીઓ તેમના હથિયાર લઇને નાસી છૂટયાં હતાં. એ પછી પોલીસે આતંકવાદીઓના આશરે ૩૦ જેટલા સંબંધીઓની ધરપકડ કરી હતી જેમાં હિઝબુલના બે કમાન્ડર રિયાઝ નાઇકો અને લતીફ ટાઇગરના પિતાનો સમાવેશ પણ થતો હતો.

પોલીસ દ્વારા આતંકવાદીઓના સંબંધીઓની ધરપકડ કર્યાના બદલામાં આતંકવાદીઓએ પોલીસ જવાનોના ૧૧ પરિજનોનું અપહરણ કર્યું હતું અને તેમના સંબંધીઓને છોડી મૂકવાની માંગ કરી હતી. છેવટે પોલીસે હિઝબૂલ કમાન્ડર રિયાઝ નાઇકૂના પિતાને મુક્ત કરવા પડયાં હતાં.

ગયા મહિને સમગ્ર કાશ્મીર ખીણ ઇદ મનાવી રહી હતી ત્યારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના જજરિપોરા ગામે ૩૪ વર્ષના પોલીસ કોન્સ્ટેબલ ફયાઝ અહમદ શાહ પોતાની ત્રણ વર્ષની પુત્રી સાથે ઇદગાહ ગયાં ત્યારે કેટલાક બંદૂકધારીઓએ તેમનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો જેમાં નિષ્ફળ રહેતા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ફયાઝની હત્યા ઇદ-ઉલ-અઝહાની સવારે આઠ વાગ્યે થઇ. ઇદની એ જ સાંજે પાંચ વાગ્યે પાસેના પુલવામા જિલ્લાના લોસ્વની ગામમાં સ્પેશ્યલ પોલીસ ઓફિસર મોહમ્મદ યાકૂબ શાહની કેટલાક અજ્ઞાાત બંદૂકધારીઓએ ગોળીઓ દાગીને હત્યા કરી હતી.

એ પછી કેટલાક અજ્ઞાાત બંદૂકધારીઓએ પુલવામાના લારવ ગામમાં રજા ઉપર આવેલા પોલિસ ઇન્સ્પેક્ટર મોહમ્મદ અશરફ ડારની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી હતી. એ પહેલા જૂન મહિનામાં સાદા કપડાંમાં રહેલા અયૂબ નામના પોલીસ અધિકારીની શ્રીનગરમાં ભીડે ઢોર માર મારીને હત્યા કરી હતી. જુલાઇમાં મોહમ્મદ સલીમ નામના કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી હતી.

આ તમામ હત્યાઓના કારણે જમ્મુ-કાશ્મીરના પોલીસ જવાનો ખોફમાં છે અને આતંકવાદીઓની ધમકી બાદ નોકરી છોડી રહ્યાં છે. ઘણાં ખરાં પોલીસના જવાનો એવા છે જેમનું ગુજરાન આ નોકરી દ્વારા જ ચાલે છે તેમ છતાં જીવનું જોખમ હોવાના કારણે નોકરી છોડવાનું પસંદ કરી રહ્યાં છે.

કેટલાંક લોકો પોતાના ઘરબાર છોડીને અન્ય વિસ્તારોમાં વસી ગયાં છે. આતંકવાદીઓ સતત પોલીસ જવાનોને નોકરી છોડવાની ધમકી આપતા હોય છે. નોકરી ન છોડવા ઉપર પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપવામાં આવે છે. સ્પેશ્યલ પોલિસ ઓફિસર તરીકે તૈનાત થયેલા કાશ્મીરી જવાનો ઉપર આતંકવાદીઓ જાસૂસીનો આરોપ મૂકે છે.

ઉપરાંત સ્થાયી સેવામાં તૈનાત પોલીસ જવાનો ઉપર સ્થાનિક લોકો ઉપર જુલમ ગુજારવાના આરોપ પણ આતંકવાદીઓ મૂકે છે. કારણ જે પણ હોય પરંતુ છાશવારે પોલીસ જવાનોના અપહરણ અને હત્યાની ઘટનાઓના કારણે કાશ્મીરની પોલીસ ફોર્સમાં ભય અને અસમંજસનો માહોલ ઊભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.