Abtak Media Google News
  • દરેક યુનિ.ઓમાં બી.એડ., બીપીએડ સહિતના કોર્ષમાં પ્રવેશ વ્યવસ્થા જુદી હોય તો GCAS પોર્ટલથી વિદ્યાર્થીઓને અવ્યવસ્થા થશે? ડો.નિદત્ત બારોટની મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજુઆત

રાજ્યભરની સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ કાર્યરત કરવામાં આવ્યું છે. આગામી 1 એપ્રિલથી નવા વર્ષમાં અનેક વિષયમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા પ્રવેશની પ્રક્રિયા કરવાની રહેશે. જો કે આ પોર્ટલથી વિદ્યાર્થીઓને ઘણી અવ્યવસ્થા થશે. તેના માટે કેટલાક મુદ્ાઓની લેખિત રજુઆત ડો.નિદત્ત બારોટે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને કરી છે અને મહત્વના વિષય સિવાય GCAS પોર્ટલથી પ્રવેશની પ્રક્રિયા ના કરવા વિચારણા કરવા માંગ કરી છે. ડો.નિદત્ત બારોટે રજુઆત કરતા જણાવ્યું હતું કે

ગુજરાતમાં આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ નાના-નાના ગામડા સુધી રહેતા હોય છે. આ બધા વિદ્યાર્થીઓ મોટું ભાડું ખર્ચી અને અનુદાનિત કોલેજોમાં GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા જશે. આપને ખ્યાલ હશે કે મોટાભાગની અનુદાનિત કોલેજોમાં અને સરકારી કોલેજોમાં કોમ્પ્યુટર પર કામ કરી વિદ્યાર્થીઓનું GCAS માં રજિસ્ટ્રેશન કરાવે એવું શક્ય નહીં બને, કારણ કે આ કોલેજોમાં કોઇ ક્લાર્ક આવા કામ કરે તેવા ક્લાર્કો જ નથી. આચાર્યો રોજિંદુ કામ પણ માંડ કરાવી શકે છે ત્યારે GCAS પોર્ટલ પર કોણ કામ કરશે એ વિચારવાની જરૂર છે. આ માટે દરેક યુનિ.માં કેમ્પસ પર 25 લોકોને બેસાડી હેલ્પ સેંટર કરવા જોઈએ.

દરેક વિદ્યાર્થી પ્રવેશ માટે 300 રૂપિયા આપના પોર્ટલમાં શા માટે ભરે ?? માત્ર ફોર્મ ભરી અને યાદી જે-તે યુનિવર્સિટીને આપવામાં આવે તે માટે 300 રૂપિયાનો ખર્ચ થતો જ નથી. ઓછામાં ઓછા જુદા જુદા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ 2 લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. માટે 300 રૂપિયા લેખે GCAS પોર્ટલ ચલાવતી સંસ્થા અથવા એજન્સીને 6 કરોડ રૂપિયા મળશે. આ પોર્ટલના સંચાલન માટે 6 કરોડ જેવી રકમ કેવી રીતે યોગ્ય કહેવાય?

GCAS પોર્ટલ દ્વારા જ્યારે વિદ્યાર્થી પ્રવેશ લેશે તે કોલેજમાં અધ્યાપક છે કે કેમ અને ત્યાં શૈક્ષણિક વ્યવસ્થા શું છે, તેની વિદ્યાર્થીને ખબર નહીં હોય, ભરોસો સરકારના GCASનો અને પ્રવેશ પ્રાઇવેટ કોલેજોમાં, આ કેટલું યોગ્ય?? બી.એડ., બી.પી.એડ, એમ.એડ., જેવા અનેક અભ્યાસક્રમોમાં દરેક યુનિવર્સિટીમાં પ્રવેશની વ્યવસ્થા જુદી છે. ક્યાંક મેરીટ તો ક્યાંક પ્રવેશ પરીક્ષા. આપના GCAS પોર્ટલમાં પ્રવેશની વિધિ ઉપરના અભ્યાસક્રમમાં થશે. તેનાથી ખુબ અવ્યવસ્થા થવાની છે.

સરકારી યુનિવર્સિટીની કોલેજો GCAS પોર્ટલથી પ્રવેશની રાહમાં હશે ત્યારે પ્રાઇવેટ યુનિવર્સીટીઓ પ્રવેશ આપી કમાણી કરતી હશે. આમ GCAS પોર્ટલ વિદ્યાર્થીઓના લાભાર્થે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓના?? તે વેંધક સવાલ નિદત્ત બારોટે શિક્ષણ મંત્રીને કર્યો છે અને મહત્વના વિષય સિવાય GCAS પોર્ટલથી પ્રવેશની પ્રક્રિયા ના કરવા વિચાર કરવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.