Abtak Media Google News

ફ્રી શીપ કાર્ડના આધારે એડમિશન મેળવતા રોષે ભરાયેલા ચાર શખ્સોએ જ્ઞાતિ અંગે હડધૂત કર્યો: એટ્રોસીટી હેઠળ નોંધાતો ગુનો

શહેરની ભાગોળે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં આઇ.ટી.એન્જિનિયરિંગના છાત્રને સહછાત્રોએ જ્ઞાતિ અંગે હડધૂત કરી માર માર્યાની ઘટના કુવાડવા પોલીસ મથકમાં નોંધાઇ છે. ફ્રી શીપ કાર્ડના આધારે એડમિશન મેળવતા રોષે ભરાયેલા ચાર શખ્સોએ યુવાનને બેફામ માર માર્યો હોવાનુ જણાવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં રહેતા અને શહેરના ભાગોળે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં આઇ.ટી.એન્જિનિયરિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા દર્શિત હરેશભાઈ મકવાણા નામના ૨૦ વર્ષીય વિદ્યાર્થીએ કુવાડવા પોલીસ મથકમાં સહછાત્ર સુજલ અશોક નરોડિયા, નંદનકુમાર ગામી, પૂર્વ અને એક અજાણ્યા વિદ્યાર્થી સામે એટ્રોસીટી અને મારામારી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થી દર્શિત મકવાણા એક માસ પહેલા સુજલ અને નંદન કુમાર નામના વિધાર્થીઓએ જ્ઞાતિ અંગે હડધૂત કરી સરકાર તરફથી પૈસા મળે એટલે અભ્યાસ કરી શકો છો નહિતર તમારી ઓકાત નથી તેવું કહીને માથાકૂટ કરી હતી. જ્યારે ગઈકાલે દર્શિત ક્લાસરૂમ બહાર ઊભો હતો ત્યારે ફરી પૂર્વ નામના સહછાત્રએ ફરિયાદીને પાટું માર્યું હતું. તે દરમિયાન સુજલ અને નંદન કુમાર ગામી બંને આવીને દર્શિતને જ્ઞાતિ અંગે હડધૂત કરી મસ્તી કરતા વિદ્યાર્થી યુનિવર્સિટીમાંથી નીકળી ગયો હતો.

ત્યારે સુજલ પોતાની કાર લઈને આવ્યો હતો અને દર્શિતનું બાઈક રોકી સુજલ, નંદન કુમાર, પૂર્વ અને અન્ય એક અજાણ્યા વિદ્યાર્થીએ માર મારતા ફરિયાદી બેહોશ થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક ૧૦૮ માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કુવાડવા પોલીસે ઘટનાની નોંધ કરી સુજલ, નંદન કુમાર ગામી, પૂર્વ અને અન્ય એક વિદ્યાર્થી સામે એટ્રોસીટી એક્ટ અને મારામારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

જેતપુરની બોસમિયા કોલેજમાં વિદ્યાર્થિની સાથે બોલાચાલી થતા ભાઈ સહિતના શખ્સોએ યુવાનને લમધાર્યો

જેતપુરના સેલુકા ગામમાં રહેતા અને બોસમિયા કોલેજમાં બી.સી.એ.ના સેમેસ્ટર -૨માં અભ્યાસ કરતા અંકિત દિનેશભાઈ વાળા નામના ૨૦ વર્ષીય યુવાનને સાથે ભણતી વિદ્યાર્થિનીના ભાઈઓ સહિતના શખ્સોએ જ્ઞાતિ અંગે હડધૂત કરી માર માર્યો હતો.

આ અંગે અંકિત વાળાએ જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ અંકિત વાળાએ ગત તા.૭મીના રોજ ક્લાસરૂમમાં બ્રેક દરમિયાન નસી પરમાર નામની વિદ્યાર્થિનીને બારી બંધ કરવાનુ કહ્યું હતું. ત્યારે તેની પાછળ બેઠેલી નસરીન નામની વિદ્યાર્થિનીએ અંકિત સાથે માથાકૂટ કરી હતી.

જેના બીજા દિવસે અંકિત વાળા કોલેજમાં ક્લાસરૂમ તરફ જતો હતો ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ અંકિતને ખંભે હાથ મૂકી બોયઝ બાથરૂમમાં લઈ જઈ માર માર્યો હતો. વિદ્યાર્થીએ ત્યાર બાદ પોતાના પિતાને જાણ કરતા તેઓ કોલેજ ખાતે દોડી આવ્યા હતા. તે દરમિયાન અંકિત વાળાને જાણવા મળ્યું હતું કે આ લોકો નસરીનનો ભાઈ મિરાજ શેખ અને તેનો મિત્ર કરવ્ય કેસરિયા અને અન્ય બે શખ્સો સહિત ચાર શખ્સો હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે ચારેય શખ્સો સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.