Abtak Media Google News

યાત્રિકોને આધુનિક બોટ મારફતે છ કલાક જેટલા સમયમાં ટાપુનો સુંદર નજારો તથા દરિયાઈ જીવસૃષ્ટિના દર્શન કરાવાશે

દ્વારકા યાત્રાધામમાં છેલ્લા દસ વર્ષમાં હોસ્પિટાલીટી ધરાવતા હોટલોના પગરણ બાદ આવી હોટલોના મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા દ્વારકા યાત્રાધામના વિકાસ અને સુવિધાઓની માળખાકીય યોજનાઓમાં સહયોગ આપવા સાથે દ્વારકા આવતા યાત્રીકોને પણ દ્વારકાધીશના દર્શન સાથોસાથ દ્વારકા વિસ્તારનાં પરિચય આપી સેવાઓ અર્પણ કરવાનાં શુભ હેતુસર દિવ્ય દ્વારકા ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે. જેના પ્રથમ ચરણના ભાગરૂપે ઓખા અને બેટ દ્વારકા વચ્ચેની સી ટુર સેવા તા.૧૫મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવનાર હોવાનું દિવ્ય દ્વારકા ફાઉન્ડેશનના પ્રતિનિધિ મંડળે જણાવ્યું છે.

દિવ્ય દ્વારકા ફાઉન્ડેશન આયોજીત આ સી ટુરની જણાવાયેલ વિગતો મુજબ દ્વારકાની મેનેજમેન્ટ ધરાવતી હોટલો અને અન્ય નાની મોટી હોટલોના આંગણેથી જ એક ખાસ પેકેજ સાથે બસ સેવા શરૂ થશે અને આ બસમાં યાત્રીકો તેમનો પ્રવાસ દ્વારકાથી શરૂ કરીને ઓખા જેટી ઉપર પહોચી શકશે અને ત્યાંથી અત્યંત આધુનિક ફેરીબોટ સર્વીસ જેમાં યુરિનલ, અધતન બેઠક વ્યવસ્થા, લંચ, બ્રેકફાસ્ટ અને દ્વારકા યાત્રાધામનો પરીચય યાત્રીકોને મળી રહે તેવા એનાઉન્સર સાથે આ બોટ સેવા સવારે ૯ વાગ્યે ઓખા જેટી ઉપરથી સમુદ્રમાં જશે અને પાંચ થી છ કલાકના સમુદ્રમાં રોકાણ દરમ્યાન યાત્રીકોને ઓખા બેટ વચ્ચે આવેલ સૌદર્ય ટાપુનો સુંદર નજારો તથા ભારતભરની બેટી સમાન ગણાતી વ્હેલ માછલી સહિત દરિયાઈ જીવસૃષ્ટિના દર્શન કરવાનો યાત્રીકોને અવસર મળશે.

આ હોસ્પિટાલીટી સુવિધા મુજબનો સ્ટાફ પણ યાત્રીકોને સગવડતા કાજે ઉપસ્થિત રહેશે. બોટમાં દિવ્ય દ્વારકા ફાઉન્ડેશન દ્વારા યાત્રીકોને લાઈફ જેકેટ, બ્રાન્ડેડ કેપ તથા અન્ય જruરીયાત મુજબની વસ્તુઓ પુરી પાડવામાં આવશે. દિવ્ય દ્વારકા પ્રતિનિધિ મંડળના જણાવ્યા પ્રમાણે ચાલુ માસના અંત સુધીમાં બુકીંગ અને વધુ જાણકારી દ્વારકાની હાેટલો અને ટ્રાવેલ્સ એજન્ટો પાસેથી તેમજ દિવ્ય દ્વારકાની વેબસાઈટ www.divyadwarika.org પરથી મળી શકશે.

દિવ્ય દ્વારકા ફાઉન્ડેશનના પ્રતિનિધિ શિતલભાઈ બથીયા, નિર્મલભાઈ સામાણી, મનસુખભાઈ પરમાર, ચંદુભાઈ બારાઈ, ભરતભાઈ સોલંકી, કિશોરભાઈ ઉપાધ્યાય, પરેશભાઈ ઝાખરીયા, શૈલેષભાઈ ધધડા, રવિ બારાઈ, સંજયભાઈ નકુમ, વિગેરેએ દ્વારકા યાત્રાધામમાં તથા દ્વારકાની આસપાસ આવેલા પૌરાણીક મંદિરો, દરિયાઈ સમુદ્રના ટાપુનો વિકાસ અને દ્વારકા આવતા યાત્રીકોને તેમની જરૂરીયાત મુજબની સુવિધાઓ અને પૌરાણીક જાણકારી તથા દ્વારકા શહેરની માળખાકીય વ્યવસ્થાઓ અને દ્વારકામાં થતા ધાર્મિક મુખ્ય તહેવારોમાં સહયોગી થવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જે.આર. ડોડીયા, જિ.પં. વડા રોહન આનંદ સાથે વિસ્તારપૂર્વકની દ્વારકાના વિકાસની સુવિધાઓ માટે ચર્ચા વિચારણા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.