Abtak Media Google News

બે માસથી બંધ ઉઘોગ ફરી ધમધમતો થશે: સાંસદ રામભાઇ મોકરિયાની મહેનત રંગ લાવી

પોરબંદરની નિરમા ગ્રુપની સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેકટરીમાં ઓકટોબર મહિનામાં દુર્ઘટના સર્જાઇ ત્યારે કર્મચારી અને મજુરોના મોત પછી રાજ્ય સરકારે સેફટી ઓડીટ થાય નહી ત્યા સુધી કંપની બંધ કરી દેવાની સુચના આપી હતી. તેથી આ કંપની છેલ્લા બે મહિનાથી બંધ હતી. જેને શરૂ કરવા માટે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાની જહેમત રંગ લાવી છે. અને રાજ્ય સરકારે તેનો પ્લાન્ટ શરૂ કરવા મંજુરી આપી છે.પોરબંદર જિલ્લામાં પોરબંદર સ્થિત સૌરાષ્ટ્ર કેમીકલ્સ (સૌકેમ)ના પ્લાન્ટને પુન: શરૂ કરવાની મંજુરી ગુજરાત સરકારનાં શ્રમ અને કૌશલ્યતા વિભાગનાં નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા મળી ગઇ છે.

Advertisement

રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં 1956માં સ્થપાયેલ સૌરાષ્ટ્ર કેમિકલ્સ, નિરમા ગ્રુપ સંચાલિત હાલમાં ચાર હજારથી વધુ લોકોને રોજી રોટી પુરી પાડી રહેલ છે. પોરબંદર શહેરની આસપાસના પંથકમાં આર્થિક ક્ષેત્રે સૌરાષ્ટ્ર કેમિકલ્સ અગ્રગણ્ય છે.સપ્ટેમ્બર ઓકટોબર મહિનામાં પ્લાન્ટમાં ચાલી રહેલ સમારકામ દરમિયાન આકસ્મિત અકસ્માત થતાં રાજય સરકાર દ્વારા કલોઝર નોટીસ અપાતાં સૌરાષ્ટ્ર કેમિકલ્સ (સૌકેમ)નો સદર પ્લાન્ટ તા. 13/10/2021 બંધ હતો.

પરંતુ રામભાઇ મોકરીયાના અથાગ પ્રયત્નો અને સ્થાનિક પ્રજાજનોનાં આર્થિક પ્રશ્નોને હલ કરવા સાંસદો, મુખ્યમંત્રી, શ્રમમંત્રી સમક્ષ કરેલી રજુઆત બાદ લોકહિતને ધ્યાને લઇ, કાયદાનુસાર જરૂરી પુર્તતાને આધારે સૌકેમનો પોરબંદરનો પ્લાન્ટ પુન: શરૂ કરવાની મંજુરી રાજ્ય સરકારનાં શ્રમ વિભાગનાં નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જૂનાગઢ દ્વારા આપવામાં આવી છે.

આ ફેકટરી શરૂ થવાથી પોરબંદરમાં 4000 થી વધુ પરિવારોને પુન: રોજગારી મળશે. પોરબંદર ખાતે નિરમા ગ્રુપ સંચાલિત સૌરાષ્ટ્ર કેમિકલ્સ ચાર હજારથી વધુ પરિવારોને રોજી રોટી પુરી પાડતી કંપની ફરી ધમધમતી થાય તેવા સંકેતો મળ્યા છે. કેટલાંક પડતર પ્રશ્નોને લઇને બંધ કરેલી કંપનીના કારણે કેટલાય પરિવારોને ચુલા બંધ થયાના સમાચાર મળતા જે લોકસેવા માટે તત્પર રહેતા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આ કંપનીના સંચાલકોની રજુઆતને ઘ્યાનમાં લઇ મુખ્યમંત્રી તથા શ્રમમંત્રી સમક્ષ વાત પહોંચાડી હતી.

ખાસ કરીને કેટલાય પરિવારોને રોજગારી મળી રહે તેવા હેતુથી આ કાર્યત્વરીત ઝડપે પુર્ણ કરવા પણ અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રીએ આ બાબતને અગ્રસ્થાને લઇને તેનો યોગ્ય ઉકેલ લઇ આવવા તથા કંપનીને પુન: કાર્યરત કરવા સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યું હતું.રામભાઇ મોકરીયાએ કરેલી રજુઆતે પગલે કામદારો અને મજદુર પરિવારોમાં આશાનો સંચાર થયો છે. ફરીથી રોજગારી મળશે તો બાળકોના શિક્ષણ સહિતની સમસ્યાઓનો આપોઆપ ઉકેલ આવશે તેવી આશા બંધાઇ છે. પોરબંદરમાં અ કંપની સહિત અન્ય ઉદ્યોગો શરૂ કરવા માટે પણ તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કંપનીના કર્મચારી વર્ગના પરિવારોએ આ તકે રામભાઇનો આભાર વ્યકત કર્યો હતો. અને કામદારો-મજુરોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.