Abtak Media Google News

જીએસટી, ઓટો મોબાઈલ સેકટરમાં તેજી, એગ્રીકલ્ચરમાં સરકારના સકારાત્મક પગલા અને એસેસીની સંખ્યામાં બે ગણો વધારો અર્થતંત્ર માટે સકારાત્મક સંકેતો

વર્તમાન સમયે સેન્સેકસ ૩૯૦૦૦ની સપાટી કુદાવી ગયો છે. ૩ મહિના પહેલા સેન્સેકસમાં આવેલા તોફાને અનેક રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર કરી દીધા હતા. પરંતુ બજાર ઝડપથી રિકવર થવા લાગ્યું છે. છેલ્લા ૧૦ દિવસમાં રોકાણકારોની સંપતિમાં ૫ લાખ કરોડથી વધુનો વધારો થયો છે. ૬ મહિના બાદ આવેલી તેજી પાછળ અનેક કારણો જવાબદાર છે. સામાન્ય રીતે શેરબજારને અર્થતંત્રનું બેરોમીટર ગણવામાં આવે છે. જ્યારે જ્યારે અર્થતંત્ર ઉપર નકારાત્મક અથવા હકારાત્મક અસર થાય ત્યારે તે પહેલા જ શેરબજાર ઉપર રિફલેકટ થવા લાગે છે.

સરકારની પોલીસીના કારણે પણ શેરબજારમાં તુરંત ઉતાર-ચઢાવ જોવા મળે છે. આવા સમયે કોરોનાની મહામારીએ શેરબજારને અનેક ફટકા આપ્યા હતા. વર્તમાન સમયે અર્થતંત્ર રિકવર થઈ રહ્યું છે. એગ્રીકલ્ચરના કારણે આગામી સમયમાં જીડીપી ગ્રોથ મજબૂત રીતે આગળ વધશેે. આ ઉપરાંત ઓટોમોબાઈલ સેકટરની હાલત પણ સુધરી રહી છે. બીજી તરફ જીએસટી પણ કેટલાક સેકટરમાં ઘટશે તેવી અપેક્ષા છે. જેના પરિણામે છેલ્લા થોડા દિવસોથી બજાર અપ જઈ રહ્યું છે. આજે પણ શેરબજારમાં ૧૫૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.

જીએસટી, ઓટો મોબાઈલ સેકટરમાં તેજી, એગ્રીકલ્ચરમાં સરકારના સકારાત્મક પગલા અને એસેસીની સંખ્યામાં ૨ ગણો વધારો સકારાત્મક સંકેતો આપી રહ્યાં છે. શેરબજાર આગામી સમયમાં ફિટ એન્ડ હિટ થઈ જશે. ઓટો, બેન્કિંગ એન્ડ ફાયનાન્સ તેમજ આઈટી સેકટરના શેરમાં મજબૂતાઈ જોવા મળશે. ગત ૨૭ ફેબ્રુઆરીએ સેન્સેકસ ૩૯૭૪૬ની સપાટીએ હતો ત્યારબાદ ગાબડા પડ્યા હતા. ફરીથી આ સપાટી નજીક આવી ગયો છે.

ફેબ્રુઆરી બાદ અત્યાર સુધીમાં એકલા બીએસઈમાં ૬ લાખ કરોડથી વધુ ઠલવાયા છે. અસ્કયામ વધી છે. બીએસઈનું માર્કેટ કેપ ૧૫૧ લાખ કરોડથી વધી ૧૫૭ લાખ કરોડે પહોંચ્યું છે.

શેરબજારમાં વૈશ્વિક મુડી રોકાણકારોના કારણે ફાયદો

કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્ર ઉપર ભયંકર મુશ્કેલીઓ આવી હતી. ટોચના દેશોના શેરબજાર તૂટી ગયા હતા. ભારતીય શેરબજારમાં પણ ઐતિહાસિક ગાબડા પડ્યા હતા. પરિણામે વૈશ્ર્વિક મુડી રોકાણકારોએ થોડા સમય માટે પોતાના શેર વેંચી દીધા હતા. મસમોટા ઈન્સ્ટિટયુટ થોડા સમય માટે અળગા રહ્યાં હતા. જે શેર એક સમયે ૨૦૦૦ની કિંમતે લીધો હોય તે જ શેર ૭૦૦ની કિંમતે વેંચવાની ફરજ પડી હતી. લે-વેંચના સમયગાળામાં ડોલર જેવી વિદેશી ચલણમાં થયેલો ઉતાર-ચઢાવ પણ દેશના અર્થતંત્ર માટે ફાયદારૂપ નિવડ્યો હતો. હવે ફરીથી રોકાણકારો ભારત તરફ આવ્યા છે અને ઉંચા ભાવે ખરીદી કરી રહ્યાં છે. જેથી ફરીથી અર્થતંત્રને ફાયદો થશે તેવી અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.