Abtak Media Google News

ટેન્ડર વિના જીએસએફસીએલને જમીન વેંચાણના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો: પાણી ચોરી પકડવા માટે કોર્પોરેશનની આખી ટીમ એક વિસ્તારમાં ત્રાટકે તો પરિણામ મળે

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલભાઇ શુક્લએ વધુ એક વખત પ્રજાલક્ષી પ્રશ્ર્ને સટાસટી બોલાવી હતી. મહાપાલિકા દ્વારા છેલ્લાં ઘણા સમયથી પાણી ચોરી પકડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પરંતુ આ ઝુંબેશ માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવું મહસૂસ થઇ રહ્યું છે. પાણી ચોરી પકડવાના નાટકો બંધ કરી ગંભીર બનવા નેહલે તાકીદ કરી હતી. આ ઉપરાંત સંકલનમાં અલગ-અલગ 11 મુદ્ાઓ ઉઠાવ્યા હતા.

તેઓએ સંકલન બેઠકમાં જણાવ્યું હતું કે શહેરભરમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાણીની સમસ્યા તે વાતનો સ્વીકાર કરવો જોઇએ. છેલ્લા ઘણા સમયથી પાણી ચોરી પકડવા માટે ઝુંબેશ ચાલી રહી છે પરંતુ બે-પાંચ વ્યક્તિઓને નોટિસ કે દંડ ફટકારી કામ કર્યું હોવાનું નાટક કરવામાં આવે છે. પાણી ચોરીના દૂષણને નાથવા માટે ખરેખર ગંભીર બનવાની જરૂર છે. જ્યાં પાઇપલાઇન છે ત્યાં પૂરા ફોર્સથી પાણી મળતું નથી જેના કારણે લોકોએ ફરજીયાત મોટર મુકવી પડે છે.

મોટર ન મૂકનાર પ્રામાણીક લોકો પાણી વિના હેરાન થઇ રહ્યા છે. બીજી તરફ પાણી ચોરી કરનારાઓને જલ્સા છે. જો તંત્રએ પાણી ચોરીનું દૂષણ અટકાવવું હોય તો ખરેખર આખી ટીમે એક વોર્ડમાં કોઇ એક સમયે ત્રાટકવાની જરૂર છે. આ ઉપરાંત નેહલ શુક્લએ ટીપી સ્કિમ નં.10 (મૌટામવા)માં વાણિજ્યા હેતુ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટ નં.11 પૈકીની 1000 ચો.મી. જમીન ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લીમીટેડને આપવા માટે ટેન્ડર પ્રસિદ્વ કર્યા વિના જમીનનું વેંચાણ કંઇ રીતે કરવામાં આવ્યું તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. જમીન કપાતના કેસમાં અસરગ્રસ્તને ટીડીઆર આપવાનો નિર્ણય સારો છે પરંતુ ટીડીઆરની યુનિટ વેલ્યૂ જંત્રી ભાવે કંઇ રીતે નક્કી કરવામાં આવી તે અંગે પણ તેઓએ સવાલ ઉભા કર્યા હતા.

  • સ્માર્ટ સિટીનો અરીસો: 434 વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ
  • વોર્ડ નં.1, 3, 9, 11, 12 અને 18માં પાઇપલાઇન વિહોણા વિસ્તારોમાં ટેન્કર-ટ્રેક્ટરથી પાણી આપવા વાર્ષિક રૂ.6.50 કરોડનો ખર્ચ

રાજકોટની વસ્તી અને વિસ્તારમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેની સામે કોર્પોરેશનના શાસકો શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે. સ્માર્ટ સિટીના અરીસા પર નજર કરવામાં આવે તો શહેરના 434 વિસ્તારોમાં આજની તારીખે પાણીની પાઇપલાઇન ઉપલબ્ધ નથી. જેના કારણે આવા વિસ્તારોમાં ટેન્કર કે ટ્રેક્ટર દ્વારા પાણી વિતરણ કરવાની ફરજ પડે છે. શહેરના વોર્ડ નં.1, 3, 9, 11, 12 અને 18માં 434 વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સુધી પાણી વિતરણ માટે પાઇપ લાઇન બિછાવવામાં આવી નથી. જેના કારણે ટેન્કર રાજ ચાલી રહ્યું છે. આવા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને પાણી પહોંચાડવા માટે વાર્ષિક રૂ.6.50 કરોડનો ખર્ચ થઇ રહ્યો છે. જે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.