Abtak Media Google News

રાજકોટ, ચોટીલા, લીંબડી, જુનુ મોરબી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં નવું અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી

રાજકોટ એસ.ટી.નિગમની છેલ્લા ૧ વર્ષની કામગીરી પર નજર કરવામાં આવે તો ચોકકસથી કહી શકાય કે એસ.ટી.ની ગાડી એકસપ્રેસની જેમ ચાલી રહી છે. અલબત પુરજોશમાં આખા વર્ષ દરમિયાન કામગીરી કરવામાં આવી છે. છેલ્લા થોડા વર્ષમાં રાજકોટ એસ.ટી.નિગમની ઉત્કૃષ્ટ કામગીરી બહાર આવી છે. અનેક વિવિધ કામોમાં એસ.ટી.એ ૨૦૧૭ના વર્ષ દરમિયાન રાજકોટ પોલીસ અને આર.ટી.ઓ સાથે સંયુકત મળીને ગેરરીતિ નિયમ ભંગ કરતા ૧૯૦૦ વાહનો ડીટેઈન કર્યા છે.

જેમાં એસ.ટી.નિગમે રૂ.૫૦ લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. જેને કારણે એસ.ટી.નિગમને વધારાની આવક પણ થવા પામી છે. આ ઉપરાંત એરપોર્ટ જેવા અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી રાજકોટ જ નહીં પરંતુ ચોટીલા, લીંબડી, જુનુ મોરબી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં આ વર્ષે કામગીરી શરૂ કરવામાં આવી છે અને લગભગ બે થી ત્રણ વર્ષ દરમિયાન બધી જ ડિવીઝનને નવું બસ સ્ટેન્ડ મળશે તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે. રાજકોટમાં એસ.ટી.ને નવું બનવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે અને લગભગ ૨૦૨૦ સુધીમાં રાજકોટ ડિવીઝનને રાજકોટના મુસાફરોને એરપોર્ટમાં મળતી તમામ સુવિધા હવે બસપાર્ટ પર મળી રહેશે તેવું સુવિધા સાથેનું રૂ.૧૫૪ કરોડના ખર્ચે નવું બસપોર્ટ મળી જશે.

તદઉપરાંત ચાલુ વર્ષે ૨૦૧૭માં રાજકોટ એસ.ટી.ડિવીઝનને નવી નકોર ૨૦ સ્લીપર બસો તેમજ ૩૭ જેટલી મીની બસોની સુવિધાનો લાભ મળ્યો છે. તેમજ નવા ૧૦૩ જેટલા રૂટ ડિવીઝન દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરની ભાગોળે માધાપર ચોકડી અને ગોંડલ ચોકડી ખાતે ૨ પીકઅપ સ્ટેન્ડ પણ મુકવામાં આવ્યા છે. વર્કશોપમાં પણ નવા ૩૭ જેટલા એડમીન સ્ટાફની ભરતી તેમજ ૨૮૮ ડ્રાઈવરો અને ૨૬૮ જેટલા કંડકટરોની ભરતી કરવામાં આવી છે. ચાલુ વર્ષ ૨૦૧૭માં એસ.ટી.ડિવીઝનની ગાડી ટોપ ગીયરમાં ચાલતી હોય તેવું લાગી રહ્યું છે.

જુનુ તોડીને નવું બસ સ્ટેન્ડ બનાવાની કામગીરીનો પ્રારંભ

રાજકોટ ઢેબર રોડ સ્થિર ૫૦ વર્ષ જુનુ બસ સ્ટેન્ડ તોડીને નવું એરપોર્ટ જેવું અદ્યતન બસપોર્ટ બનાવવાની કામગીરીનો પ્રારંભ જોરશોરથી કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નવા બસ સ્ટેન્ડનું ભુમિપુજન કર્યા બાદ હવે નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી આરંભી દેવાઈ છે અને જેમાં મુસાફરોને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે. સિનેમાગૃહ, મોલ, અવનવી બીજી દુકાનો તેમજ એરપોર્ટ કક્ષાની તમામ સુવિધા હવે બસમાં મુસાફરી કરતા લોકોને પ્રાપ્ત થશે. અંદાજે રૂ.૧૫૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર એસ.ટી.સ્ટેન્ડ ૨૦૨૦ સુધીમાં બની જશે તેવી માહિતી મળી રહી છે.

૩૭ મીની બસો સાથે નવા ૧૦૩ રૂટ શરૂ કરાયા

રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ૨૦૧૭ દરમિયાન ડિવીઝનને કુલ ૩૭ જેટલી મીની બસ તેમજ ૧૦ જેટલી ગુર્જર નગરી અને ૨૦ જેટલી વોલ્વો બસોની સુવિધા શરૂ કરવામાં આવી છે. નવી બસો આવવાથી ૧૦૩ જેટલા રૂટ પણ વધાર્યા છે. જેમાંથી મુસાફરોના ટ્રાફિકની સમસ્યાને પણ પહોંચી શકાય અને તમામ સુવિધા વિદ્યાર્થીઓને સરળતાથી મુસાફરી થાય તે માટેના નિર્ણય લેવાયા છે. નવી બસ અને રૂટો વધારવાથી ડિવીઝનને ખાસ ફાયદો થવા પામ્યો છે. લોકોની સુવિધામાં પણ વધારો થવા પામ્યો છે.

૨૮૮ ડ્રાઈવર અને ૨૬૮ કન્ડકટરોની ભરતી

વિભાગીય નિયામક દિનેશ જેઠવાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કુલ નવા ૨૮૮ જેટલા ડ્રાઈવરો અને ૨૬૮ કંડકટરોની ભરતી તેમજ ૩૭ જેટલા કલાર્કની ભરતી કરવામાં આવી છે. નવી ભરતી કરવાથી અગાઉ જેમ બસોના રૂટ ડ્રાઈવરોની રજાને કારણે કેન્સલ કરવા પડતા હતા તે હવે નવા ૨૮૮ ડ્રાઈવરોની ભરતી થવાથી દુર થયા છે અને સમય મુજબ જ એસ.ટી.ની ગાડી જે તે સ્થળ પર પહોંચી જાય છે જેના લીધે મુસાફરોને જે હાલાકી ભોગવવી પડતી તે દુર થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.