Abtak Media Google News
  • ક્યાંક માર્કેટીંગ યાર્ડ તો ક્યાંક જંગલમાં ભીષણ આગ : કરોડો રૂપિયાની નુકસાની

રાજ્યમાં એક જ દિવસમાં આગ લાગવાની 5 ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવ્યું છે. જૂનાગઢ, પાલનુપર, હિંમતનગર, ઉમરગામ અને મોરબીમાં આગની ઘટના બની છે. જેમાં પાલનપુરમાં લાગેલી આગે ભારે માલ સમાનને નુકસાન પહોંચાડ્યું છે.

સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં આગના બનાવો વધુ બનતા હોય છે પરંતુ ચાલુ વર્ષે તો ઉનાળો આવે તે પૂર્વે જ આગની અઢળક ઘટનાઓ સામે આવી છે. તેમાં પણ ખાસ તો ગત સોમવારના રોજ રાજ્યમાં આગની 5 અલગ અલગ મોટી ઘટનાઓ સામે આવી છે. જેમાં મોરબીના કારખાનામાં, ઉંમરગામના જંગલોમાં જયારે પાલનપૂર માર્કેટીંગ યાર્ડમાં આગ લાગ્યાની ઘટનાઓ સામે આવી છે.

આગની ઘટનાઓ બનતા ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરતા તમામ બનાવોમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે અને સદનસીબે કોઈ જાનહાની પણ સર્જાઈ નથી પરંતુ એક જ દિવસમાં કરોડો રૂપિયાની નુકસાની ચોક્કસ સર્જાઈ છે.

આગના અલગ અલગ બનાવોની જો વાત કરવામાં આ તો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. ટાવરચોક પરની દુકાનના ત્રીજા માળે આગ લાગી હતી. શોર્ટસર્કિટના લીધે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

બીજી બાજુ જૂનાગઢમાં પણ અચાનક કાર સળગી ઉઠી હતી. વીજપોલ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. જો કે, સદનસીબે કારચાલકનો બચાવલ થયો છે. આ બનાવ જૂનાગઢના ભેંસાણ રોડ પર બન્યો હતો.

પાલનપૂર માર્કેટીંગ યાર્ડમાં આગ લગતા 10 જેટલી દુકાનો ભસ્મિભૂત

પાલનપુર એપીએમસીની દુકાનોમાં આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. યાર્ડની 10 જેટલી દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતા જિલ્લા કલેક્ટર અને પોલીસવડા સહિતના અઘિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. પાલનપુર, ડીસા, ઉંઝા અને બનાસડેરી સહિતના 7 ફાયર ફાઈટર લાગ્યા કામે હતા. આગને લઈને કલેક્ટર વરૂણ બરનવાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. તંત્રએ તમામ મદદ પહોંચાડી છે. તો વેપારીનું કહેવું છે કે દુકાનોમાં રાયડો,દિવેલા સહિતના અનાજનો જથ્થો હોવાથી અંદાજે બે કરોડથી વધુ નુકસાનનું અનુમાન છે.

ઉમરગામના જંગલમાં લાગી ભીષણ આગ

વલસાડના ઉમરગામના જંગલ વિસ્તારમાં આગની ઘટના બની હતી. ઉમરગામના મલાવ વિસ્તારમાં આવેલ ફોરેસ્ટની જગ્યામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ લાગતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. ઉમરગામ ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.