Abtak Media Google News
  • ડબ્બાનો ભાવ હાલ રૂપિયા 2600 પર પહોંચ્યો:મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું માનવું

રાજકોટમાં આજે ખુલતા બજારે સીંગતેલના ભાવમાં મોટો ભડકો થયો છે. સીંગતેલના ભાવમાં એક-બે નહિ, પણ સીધા 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. માર્કેટમાં બે દિવસમાં રૂપિયા 50 નો ભાવ વધારો સીંગતેલમાં જોવા મળ્યો છે. જેથી સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2600 થઈ ગયો છે. મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે. ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં છે. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.

સીંગતેલના ભાવમાં સીધો 50 રૂપિયાનો વધારો થતા ગ્રાહકો પર આ બોજો પડશે. તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એવી શકયતા સેવવામાં આવી રહી છે કે સિંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તેમજ ગૃહિણીઓને ઘરનું બજેટ સેટ કરવામાં પણ તકલીફ પડી શકે છે.

સીંગતેલના ડબ્બાનો ભાવ હાલ રૂપિયા 2600 છે. દેશમાં ભલે પ્રીમિયમ પ્રોડક્ટની માંગ વધી રહી છે, પરંતુ લોકોએ મોંઘવારી વધતા જીવન જરૂરિયાતી વસ્તુઓ પર કાપ મૂક્યો છે. લોકોએ ખાણીપીણી, સાબુ-શેમ્પૂ, સિંગતેલ, ચા વગેરેના ખર્ચ પર મોટો કાપ મૂક્યો છે. બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, લોકોએ આવક ઘટતા પોતાની આદતો બદલી છે. મોંઘવારી વઘતા તેની અસર વોશિંગ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, મેગી જેવી વસ્તુઓ પર પડી છે. હેર ઓઈલ, ખાદ્યતેલ, શેમ્પૂ, ચા ઉપરાંત સિગારેટ, દારૂ પર કાપ મૂકાયો છે. કારણ છે લોકોની આવકમાં ઘટાડો. આવક ઘટવાને કારણે લોકો ગૃહ ઉપયોગી સામાનમાં મોટા પેકને બદલે નાના પાઉચની માંગ કરી રહ્યાં છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.