Abtak Media Google News

દેશમાં ચાલુ સીઝનના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા દરમિયાન ખાંડનું ઉત્પાદન ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૨૬ ટકા વધી ૧૦૩.૨૬ લાખ ટન નોંધાયું હોવાનું ખાંડ ઉદ્યોગની સંસ્થા ઇસ્માએ જણાવ્યું છે.

૨૦૧૬-૧૭ના સમાન સમયગાળા દરમિયાન મિલોએ ૮૧.૯૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. ૨૦૧૭-૧૮ની વર્તમાન સીઝનમાં દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન ગયા વર્ષના ૨૦૨ લાખ ટનની તુલનાએ વધીને ૨૫૧ લાખ ટન રહેવાનો અંદાજ ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (ઇસ્મા)એ રજૂ કર્યો છે. જેની સામે વપરાશ ૨૫૦ લાખ ટન રહેવાનો અંદાજ રજૂ કરાયો છે.ઉત્પાદન અંગેના આંકડા રજૂ કરતાં ઇસ્માએ જણાવ્યું હતું કે દેશના સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતાં બે રાજ્યો ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં થયેલા વધારાને પગલે એકંદર ઉત્પાદનમાં વધારો જોવાયો છે. ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન અગાઉના વર્ષના સમાન સમયગાળાના ૨૬.૭૮ લાખ ટનથી વધીને ચાલુ વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બરમાં ૩૮.૮૦ લાખ ટન થયું હતું.

Advertisement

જ્યારે મહારાષ્ટ્રમાં ઉત્પાદન અગાઉના વર્ષના ૨૫.૩૫ લાખ ટનથી વધીને ૩૮.૨૪ લાખ ટન રહ્યું હતું. ખાંડના ઉત્પાદનમાં દેશમાં ત્રીજા ક્રમે રહેલા કર્ણાટકમાં ઉત્પાદન ગયા વર્ષના ૧૫.૪૩ લાખ ટનથી વધીને ૧૬.૧૭ લાખ ટન નોંધાયું હતું.

ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન ૩.૭૯ લાખ ટન, આંધ્રપ્રદેશ/ તેલંગણામાં ૧.૯૦ લાખ ટન, તામિલનાડુમાં ૧.૭૦ લાખ ટન, બિહારમાં ૧.૬૫ લાખ ટન, હરિયાણામાં ૧.૮૦ લાખ ટન, પંજાબમાં ૧.૬૦ લાખ ટન તથા મધ્યપ્રદેશમાં ૧.૩૦ લાખ ટન રહ્યું હતું. ઇસ્માના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિના દરમિયાન દેશના કેટલાક ભાગોમાં ખાંડના ભાવમાં થયેલા ઘટાડામાં તબક્કાવાર સુધારો જોવાઈ રહ્યો છે.દરમિયાન, આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ અનાજ અને ખાંડને શણની થેલીમાં ફરજિયાત પેક કરવાની મુદત લંબાવીને જૂન ૨૦૧૮ કરી છે. કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ ટ્વિટ કર્યું હતું કે, ૯૦ ટકા અનાજ અને ૨૦ ટકા શુગર પ્રોડક્ટ્સનું ફરજિયાત જ્યુટ બેગમાં પેકેજિંગ કરવાના નિર્ણયથી ૩.૭ લાખ કામદારો અને ૪૦ લાખ ખેડૂતોને લાભ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.