Abtak Media Google News

મન હોય તો માળવે જવાય!!!

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઝૂલ્ફીકાર અલી ભુટ્ટોએ તેમના શાસનકાળમાં કરેલા કથનો આજે સાચા પડ્યા, બોમ્બ બનાવવા પાછળની ઘેલછાએ દેશમાં આતંકવાદનો ઉછેર કરી દીધો, લોકો ભૂખે મરવા મજબુર

મન હોય તો માળવે જવાય…આ કહેવત પાકિસ્તાને સાચી ઠેરવી છે. આજથી 50 વર્ષ પહેલાં તે સમયના પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ એવી જાહેરાત કરી હતી કે ભલે ઘાસ ખાવું પડે, પણ પોતાનો બોમ્બ બનાવશું. તેઓનું આ કથન આજે સાચું પડી ગયું છે. પાકિસ્તાનની સ્થિતિ અત્યારે એવી થઈ ગઇ છે હકીકતમાં પાકિસ્તાનીઓને ઘાસ ખાતા કરી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાન તેના અત્યાર સુધીના સૌથી ખરાબ સંકટની નજીક છે.  લોકોને ચા પણ ન પીવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાંના લોકો 10-કલાકના પાવર કટમા જીવે છે. હાલ એક મહિનાનું બિલ 50% વધુ આવી રહ્યું છે, અને એક વર્ષ પહેલા કરતા અત્યારે રોજિંદા વસ્તુઓ માટે 21% વધુ ચૂકવણી કરે છે. પાકિસ્તાનમાં ફુગાવો 14-વર્ષની ટોચે છે. પાકિસ્તાનની સરકારે પોતાની આવામને 1965 માં કહ્યુ કે “જો ભારત બોમ્બ બનાવશે, તો આપણે ઘાસ અથવા પાંદડા ખાઈશું, ભૂખ્યા પણ રહીશું, પરંતુ આપણો પોતાનો બોમ્બ બનાવશું.

કુદરતે આ ત્રણેય વિધાન આખરે સાચા પાડ્યા છે. ભારતે બોમ્બ બનાવ્યા તો પાકિસ્તાને પણ બોમ્બ બનાવી લીધા છે. અને આ બોમ્બ બનાવવામાં પાકિસ્તાનની હાલત ભિખારી જેવી થઈ ગઈ છે. અત્યારે સાચે જ ત્યાંના લોકો પેટભરીને સારી વસ્તુ ખાઈ શકે તેવી હાલતમાં નથી. ત્યાંની હાલત તો એ હદે વરવી છે કે ત્યાંની સરકાર પ્રજાને કહી રહી છે કે ચા ન પીવો, ખાંડ ન વાપરો અને ખોરાક ઓછો ખાવ.

ત્યાં ગેસના ભાવ એક જ વારમાં 335% વધ્યા છે.  એક મહિનામાં વીજળીના ચાર્જમાં 51% વધારો થયો છે.  ડુંગળી અને ટામેટાંની કિંમત ગયા વર્ષ કરતાં 120% વધુ છે.

દેશની કથળતી અર્થવ્યવસ્થા વચ્ચે છેલ્લા 11 મહિનામાં પાકિસ્તાન સરકારનું કુલ દેવું 15.3 ટકા વધ્યું છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (જઇઙ)ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જૂન 2021માં સરકારનું કુલ દેવું 38.704 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા હતું, જે મે 2022માં વધીને 44.638 ટ્રિલિયન થઈ ગયું છે.પાકિસ્તાન સરકારનું ઘરેલું દેવું અને જવાબદારીઓ જૂન 2021માં રૂ. 26.968 ટ્રિલિયન હતી, તે મે 2022માં વધીને રૂ. 29.850 ટ્રિલિયન થઈ ગઈ.  2022 ના 11 મહિનામાં પીકેઆરમાં 2.892 ટ્રિલિયન અને 10.7 ટકાનો વધારો થયો છે.

કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ જે દેશોના ડિફોલ્ટના જોખમને ટ્રેક કરે છે.  તેણે હાલમાં જ પાકિસ્તાનનો સ્કોર 10 કર્યો હતો.  આ સ્કોરિંગ દેશના ડિફોલ્ટ થવાની ઉચ્ચ સંભાવના દર્શાવે છે.  આ રેટિંગ શ્રીલંકા, ઘાના, ટ્યુનિશિયા, યુક્રેન, રશિયા, વેનેઝુએલા, આર્જેન્ટિના જેવા દેશોની બરાબર છે.  આમાંના કેટલાક દેશો પહેલેથી જ નાદાર થઈ ગયા છે.  સીએફઆર ઇન્ડેક્સમાં ભારત અને બાંગ્લાદેશનો સ્કોર સારો છે.  પાકિસ્તાન જેવા દેશોના સ્કોરિંગનો અર્થ એ છે કે સરકાર તેની બંધનકર્તા જવાબદારીઓ ચૂકવી શકશે નહીં.

ખાવા ખીચડીના ફાંફા, પણ સંરક્ષણ બજેટમાં અબજોની લ્હાણી

પાકિસ્તાનમાં મોંઘવારી લોકોની કમર તોડી રહી છે.  પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે. પરંતું સરકાર આ બાબતોની સતત અવગણના કરી સંરક્ષણ બજેટમાં બેફામ પૈસા ઉડાડી રહી છે.પાકિસ્તાન સરકારે સેનાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દર વર્ષે ડિફેન્સ બજેટમાં મોટા પ્રમાણમાં વધારો કરી રહ્યું છે. હવે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ 1.45 ટ્રિલિયન રૂપિયા થઈ ગયું છે.

1965માં ફુગાવો 6 ટકા હતો, અત્યારે 21 ટકા

પાકિસ્તાનની અંદરની પીડા તેના અંદરના લોકો જ સમજી શકે તેમ છે. હાલ ત્યાં મોંઘવારી એ હદે વટી છે કે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. વર્ષ 1965માં પાકિસ્તાનમાં ફુગાવો 6 ટકા જેટલો હતો. જે અત્યારે વધીને 21 ટકાએ પહોંચી ગયો છે. આ ફુગાવાના વધારાને કારણે લોકો જીવન જરુરી વસ્તુથી પણ વંચિત બની રહ્યા છે.

ડોલર સામે પાકિસ્તાનનો રૂપિયો 200ને પાર

હચમચી ગયેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ડોલર સામે તેનો રૂપિયો તળિયે બેસી ગયો. જોકે આ આશંકા પહેલાથી જ હતી.  ગભરાયેલા અર્થશાસ્ત્રીઓ આ ક્યારે બનશે તે જોવાની રાહ જોઈ રહ્યા હતા, વર્ષ 2022માં જ પાકિસ્તાની રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો અને તેનું મૂલ્ય ડોલર સામે 200ની નજીક પહોંચી ગયું હતું.  છેલ્લા નાણાકીય વર્ષથી અત્યાર સુધીમાં પાકિસ્તાની ચલણમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે અને આશંકા છે કે તે અહીં અટકશે નહિ.

1965માં પાકિસ્તાનનું જીડીપી 7.6 ટકા હતુ, અત્યારે 4 ટકા

પાકિસ્તાનની હાલત દિન પ્રતિદિન સુધરવાને બદલે બગડતી રહી છે. ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. દિવસેને દિવસે નવા નવા પડકારો ઉદભવતા તેની અસર પાકિસ્તાનના જીડીપી ઉપર પડી છે. પાકિસ્તાનનું જીડીપી વર્ષ 1965માં 7.6 ટકા હતું. જે અત્યારે ઘટીને માત્ર 4 ટકા થઈ ગયું છે.

પાકિસ્તાનના ઉદ્યોગો ભારત કરતા ઝડપી વિકસી રહ્યા હતા, પણ 1972થી ચિત્ર બદલાયું

પાકિસ્તાન ભારતથી અલગ થયું ત્યારબાદ શરૂઆતના અરસામાં પાકિસ્તાને ખૂબ વિકાસ કર્યો હતો. પાકિસ્તાનના ઉદ્યોગો ભારત કરતા ખૂબ ઝડપી વિકાસ પામી રહ્યા હતા. પણ વર્ષ 1972થી સમગ્ર ચિત્ર બદલાયુ હતું. ભારતે પાકિસ્તાનના ઔદ્યોગિક વિકાસને પાછળ રાખીને જેટ ગતિએ વિકાસ શરૂ કર્યો હતો.

1977 સુધી ખાદ્ય વસ્તુની આયાતમાં ભારત આગળ હતું, પણ હવે પાકિસ્તાન

1965ની સ્થિતિએ ભારત મોટા પ્રમાણ ખાદ્ય વસ્તુઓ આયાત કરતું હતું. આ સમયે પાકિસ્તાન આયાતમાં ભારત કરતા પાછળ હતું. જો કે ભારતે પ્રગતિ કરી દેશમાં જ વસ્તુઓ ઉપલબ્ધ બને તેવા પ્રયાસો શરૂ કરતા 1977થી સ્થિતિ બદલાતી જોવા મળી હતી. 1977થી ખાદ્ય વસ્તુની આયાતમાં પાકિસ્તાન ભારત કરતા આગળ નીકળી ગયું હતું. આયાતમાં વધારાએ પાકિસ્તાનના અર્થતંત્રને ઘણું નુકસાન પહોચાડ્યું છે.

1971માં બેરોજગારી 2 ટકા હતી, જે અત્યારે 12 ટકા

પાકિસ્તાનમાં ઉદ્યોગોનો વિકાસ ભારત જેટલો થઈ શક્યો નથી. ભારત સામે તો વસ્તીનો પણ એટલો મોટો પડકાર છે જેટલો પાકિસ્તાન સામે નથી. છતાં બેરોજગારીના મુદ્દે પાકિસ્તાન વધુ પીડાઈ રહ્યું છે. વર્ષ 1971માં પાકિસ્તાનમાં બેરોજગારી 2 ટકા જ હતી. જે અત્યારે વધીને 12 ટકાએ પહોંચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.