Abtak Media Google News

રાજકોટ ડિવિઝનમાં  30,838, મોરબી ડિવિઝનમાં 11,168 અને ગોંડલ ડિવિઝનમાં 22,348 દિકરીઓના બેંક ખાતા  ખોલાયા

શ્રેષ્ઠ સમાજની પરિકલ્પનાને સાર્થક કરવા માટે શ્રેષ્ઠ વિચારધારા પર ચાલવું અત્યંત આવશ્યક છે . ત્યારે સમાજમાં રહેતા દરેક વર્ગની વ્યક્તિના ઉન્નત જીવન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આગવી વિચારધારા સાથે કામ કરી રહી છે . જે અન્વયે દીકરીનું જીવન સુખ – સમૃધ્ધિથી સભર રહે તે માટે ભારત સરકારે  સુક્ધયા સમૃધ્ધિ યોજના ” અમલી બનાવી છે.

રાજકોટ ડિવિઝન પોસ્ટ ઓફિસના એ.એસ.પી. કૈરવભાઈ જસાણીએ ” સુક્ધયા સમૃધ્ધિ યોજના ” ની રાજકોટ જિલ્લાની કામગીરી અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે , આ યોજના રાજકોટ ડિવિઝન , મોરબી ડિવિઝન અને ગોંડલ ડિવિઝન એમ ત્રણેય ડિવિઝન દ્વારા કાર્યરત આ યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી અસરકારક છે અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે . રાજકોટ જિલ્લાની આશરે 64 હજારથી વધુ દીકરીઓએ  સુક્ધયા સમૃધ્ધિ યોજના ” નો લાભ લઈ રહી છે . જેમાં રાજકોટ ડિવિઝનમાં 30,838 , મોરબી ડિવિઝનમાં 11,168 અને ગોંડલ ડિવિઝનમાં 22,348 દીકરીઓના ખાતા નોંધાયેલા છે . દીકરીઓને 7.6 ટકાના દરે ચક્રવૃધ્ધિ વ્યાજ ચુકવવામાં આવી રહ્યું છે .

આ યોજના અંગે ગોંડલ ડિવિઝન પોસ્ટ ઓફિસના એ.એસ.પી. અમિતભાઈ જોબનપુત્રાએ જાણકારી આપતાં કહ્યું હતું કે , 22 જાન્યુઆરી , 2015 થી શરૂ થયેલી  સુક્ધયા સમૃધ્ધિ યોજના ” નો લાભ મેળવવા માટે 0 થી 10 વર્ષની વચ્ચે દીકરીનું પોસ્ટ ઓફિસ કે અધિકૃત કરેલી બેંકમાં ખાતું ખોલાવવું આવશ્યક છે . જેમાં ખાતું ખોલાવ્યાથી 15 વર્ષ સુધી પૈસા ભરી શકાય છે . અને ખાતું ખોલાવ્યા બાદ 21 વર્ષે આ ખાતું પરિપક્વ થાય છે .

આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછી 250 થી વધુમાં વધુ 1 લાખ 50 હજારની રકમ જમા કરાવી શકાય છે . ઉલ્લેખનીય છે કે , દર વર્ષે રકમ જમા કરાવવી આવશ્યક છે . જમા રકમ ઉપર 80 – સી હેઠળ ટેક્સની છુટ પણ મળે છે . તેમજ ઉચ્ચ અભ્યાસ માટે જમા રકમના 50 % નાણાં ઉપાડી શકાય છે , અને લગ્ન માટે દીકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે ખાતું વહેલું બંધ કરાવી જમા રકમ ઉપાડી શકાય છે . અન્યથા ખાતાની મુદ્દત ખોલાવ્યા ત્યારથી 21 વર્ષ ની હોય છે . ઉપરાંત નવા નિયમ મુજબ એક કુંટુંબની બે દીકરીઓનું જ ખાતું ખોલવવાની જોગવાઈ છે . આ યોજનાનો લાભ નજીકની પોસ્ટ ઓફિસ અને સરકાર દ્વારા અધિકૃત કરેલી બેંકમાં દીકરીના જન્મનું પ્રમાણપત્ર અન રહેણાંકના પુરાવા રજુ કરીને ફોર્મ ભરીને મેળવી શકાય છેે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.