Abtak Media Google News
  • પ્રિસાઇડિંગ ઓફિસરે બેલેટ પેપરમાં ચેડા કર્યાનું સ્વીકાર્યું, આજે સુપ્રીમમાં બેલેટ પેપર પહોંચશે, કોર્ટના નિર્ણય ઉપર દેશ આખાની મિટ

ચંદીગઢના મેયરની ચૂંટણીને લઈને સુપ્રિમે નારાજગી દર્શાવી છે.  સુપ્રીમ કોર્ટે ફરીથી પ્રિસાઇડિંગ ઓફિસરને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે અમે જાણીએ છીએ કે શું થઈ રહ્યું છે અને અમે હોર્સ ટ્રેડિંગને લઈને અત્યંત ચિંતિત છીએ. આજે સુપ્રીમ કોર્ટમાં બેલેટ પહોંચશે. કોર્ટનો નિર્ણય નવા રાજકીય સમીકરણ પર ભારે પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે 30 જાન્યુઆરીએ યોજાયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીના તમામ બેલેટ પેપર અને વીડિયો મંગાવ્યા છે. કોર્ટે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહને પણ પૂછપરછ કરી હતી, જેમાં મસીહે સ્વીકાર્યું હતું કે તેણે બેલેટ પેપર પર ચિહ્નિત કર્યું હતું. કોર્ટ મંગળવારે બપોરે 2 વાગ્યે ચૂંટણીનો સંપૂર્ણ વીડિયો જોવાની સાથે બેલેટ પેપરની તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પાસેથી પૂરતી સુરક્ષા સાથે બેલેટ પેપર મગાવ્યા છે. આ ઉપરાંત મતગણતરીનો વીડિયો પણ મગાવ્યો છે અને જો મસીહ દોષી સાબિત થશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

30મી જાન્યુઆરીએ ચંડીગઢ મેયરની ચૂંટણી થઇ હતી, ભાજપ સાંસદ કિરણ ખેરના મત બાદ ગણતરી શરૂ કરાઇ હતી. મતગણતરી રિટર્નિંગ ઓફિસર અને ભાજપ સાથે લિંક ધરાવતા અનિલ મસીહે કરી હતી. ભાજપને 16 મત મળ્યા હતા જ્યારે આપ અને કોંગ્રેસ ગઠબંધનને 20 મત મળ્યા હતા. બાદમાં અનિલ મસીહે દાવો કર્યો હતો કે આપ અને કોંગ્રેસના આઠ મત અયોગ્ય જાહેર કરવામાં આવે છે કેમ કે તેના બેલેટ પેપરમાં અન્ય ટિકમાર્ક હતા. અને તેથી આપ અને કોંગ્રેસના 20માંથી આઠ મત રદ થતા આંકડો 12 પર આવી ગયો હતો. અને ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. પરીણામ જાહેર કરીને ખુદ આરોપી રિટર્નિંગ ઓફિસરે ભાજપના ઉમેદવારને ખુરશી પર બેસાડયા હતા. આ તમામ પ્રક્રિયાના વીડિયો સુપ્રીમ કોર્ટમાં રજુ કરાયા હતા. જેને જોયા બાદ સુપ્રીમે કહ્યું હતું કે અમે લોકશાહીની હત્યા નહીં થવા દઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.