Abtak Media Google News

શારદા ચિટફંડ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કોલકતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારને આગોતરા જામીન માટે સાત દિવસમાં હાઈકોર્ટમાં અરજી કરવાનું કહ્યું, જામીન ન મળે તો સીબીઆઈ સાત દિવસ પછી તેમની ધરપકડ કરી શકે છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનર્જીના ખાસ અધિકારી અને કોલકાતા પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ કૌભાંડ મામલે રાજીવ કુમારની ધરપકડ અને તેમની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવા મામલે સ્ટે પાછો લીધો છે. સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને આગોતરા જામીન માટે સાત દિવસમાં હાઈકોર્ટમાં અરજી કરવાનું કહ્યું છે. પરંતુ જો સાત દિવસમાં તેમને હાઈકોર્ટમાંથી જામીન ન મળે તો સીબીઆઈ સાત દિવસ પછી તેમની ધરપકડ કરી શકે છે.

આ પહેલાં સીબીઆઈના એક અધિકારી જ્યારે રાજીવ કુમારની પૂછપરછ કરવા પહોંચ્યા હતા ત્યારે કોલકાતા પોલીસે સીબીઆઈ અધિકારીની ધરપકડ કરી હતી. ત્યારપછી રાજીવ કુમારે સીબીઆઈની ધરપકડમાંથી રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પછી સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે રાજીવે શારદા મામલા સાથે જોડાયેલા પુરાવાને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તપાસ એજન્સીએ અરજીમાં કહ્યું હતું કે, આ વિવાદનો ઉકેલ લાવવા માટે તેમજ શારદા ગ્રૂપના ડિરેક્ટર્સ અને નેતાઓના સંબંધોની જાણ મેળવવા માટે કુમારની અટકાયત કરીને પૂછપરછ કરવી જરૂરી છે. જ્યારે રાજીવની દલીલ એવી છે કે, કૌભાંડ સાથે જોડાયેલા કોઈ પણ સાક્ષી સીધી રીતે તેમની સાથે સંકળાયેલા ન હતા. સુપ્રીમ કોર્ટે મંજૂરી મળ્યા પછી સીબીઆઈએ રાજીવ કુમારની શિલોંગમાં પૂછપરછ કરી હતી.

સીબીઆઈની ટીમ ૩ ફેબ્રુઆરીએ રાજીવ કુમારના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. આ દરમિયાન પોલીસે સીબીઆઈ ઓફિસરોની અટકાયત કરી હતી. મમતા બેનરજી સીબીઆઈની કાર્યવાહીના વિરોધમાં ધરણાં પર બેઠા હતા. આ મામલે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ દરમિયાન રાજીવ કુમારને સીબીઆઈ સામે રજૂ થવાનો અને પ્રમાણિકતાથી તપાસમાં સહયોગ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.