સોશિયલ મીડિયાની દુનિયામાં ઉડાઉડ કરતી ટ્વિટરની “ચકલી” અંતે સરકારના શરણે ઝૂકી છે. ફેસબુક, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ બાદ હવે ટ્વીટરે પણ નવા આઈટી નિયમોની અમલવારી માટે સહમતિ દાખવી દીધી છે. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું છે કે અમારી સેવા ઉપલબ્ધ રહે તે માટે, અમે ભારતમાં લાગુ કાયદાનું પાલન કરવાનો પ્રયત્ન કરીશું.

ટ્વીટરે વધુમાં જણાવતા નિવેદનમાં કહ્યું કે અમે અમારા પ્લેટફોર્મ પર સખત પારદર્શકતા, તેમજ સિદ્ધાંતોનું પાલન અને અભિવ્યક્તિ તેમજ ગોપનીયતાના હકના રક્ષણ માટે કટિબદ્ધ છીએ. ટ્વિટરનું આ નિવેદન દિલ્હી પોલીસએ કંપનીની કચેરી ખાતે મુલાકાત બાદ તપાસના સંદર્ભમાં જાહેર કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ટુલકીટ કેસ વધુ ચગતા ટ્વિટર અને સરકાર આમને સામને આવી ગયા હતા. ભાજપ નેતા સંબીત પાત્રાએ ટ્વીટર પર કોંગ્રેસ ટુલકીટનો ઉપયોગ કરી દેશ અને ભાજપ સરકારની છબી બગાડી રહી છે તેવા આક્ષેપ સાથે ટ્વીટ કરતા ટ્વિટરે તેમની ટ્વીટને મેનિપ્યુલેટેડ મીડિયા એટલે કે ગેરમાન્ય ગણાવતા ભારે વિવાદ જામ્યો હતો. આઈટી મંત્રાલયે હસ્તક્ષેપ કરી દિલ્હી સ્થિત ટ્વીટરની હેડ ઓફિસે છાનભિન કરાવતા કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આકરા આક્ષેપો કરી વિરોધ દર્શાવ્યો છે.

આવી પરિસ્થિતિ વચ્ચે ટ્વિટરે હવે નવા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના નવા નિયમોનું પાલન કરવાની ખાતરી આપતા ફડફડ ઉડી રહેલી “ચકલી” શાંત થઈ હોય તેમ લાગી રહ્યું છે. સરકારે લાલ આંખ કરતાં અંતે ટ્વિટરે પણ ઝુકવું પડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.