Abtak Media Google News

અફઘાનમાં ગાંજાનું વાવેતર તો ચાલુ રહેશે, પણ દવા માટે તેનો ઉપયોગ થશે

વૈશ્વિક માન્યતા મેળવવા માટે તાલિબાનો પોતાની ઇમેજને સુધારવા એક પછી એક મહત્વના પગલાં લઈ રહ્યા છે. અગાઉ આઈએસના આતંકીઓ સામે કાર્યવાહી કર્યા બાદ તાલિબાનોએ બીજું એક મહત્વનું પગલું લીધું છે. જેમાં તેઓએ ડ્રગ્સના ધંધાને દવામાં વાળવા ઓસ્ટ્રેલિયન કંપની સાથે હાથ મિલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અફઘાન સરકારે ઓસ્ટ્રેલિયાની એક કંપની સાથે કરાર કર્યો છે. જેનું નામ સિફાર્મ કંપની છે. હાલ સીફાર્મ  સાથેના કરારના તમામ તબક્કાઓ પૂર્ણ થઈ ગયા છે અને થોડા દિવસોમાં પ્રોજેક્ટ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે જે ઘણા નાગરિકો માટે નોકરીઓનું સર્જન કરશે, તેવું તાલિબાનના પ્રેસ ડિરેક્ટર સઈદ ખોસ્તીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે.

તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયન કંપનીના પ્રતિનિધિએ અફઘાનિસ્તાનમાં પ્રોજેક્ટ માટે 450-મિલિયન ડોલરનું રોકાણનું વચન આપ્યું છે.  અફઘાનિસ્તાનના નાયબ નાર્કોટિક્સ મંત્રી આ સંદર્ભે મંગળવારે સીફાર્મના પ્રતિનિધિને મળ્યા પણ છે.   તેમણે ઉમેર્યું હતું કે ઔષધીય કેનાબીસ ક્રીમનું ઉત્પાદન કરતી કંપનીને હજારો એકરમાં અફઘાન કેનાબીસ પાકની ઍક્સેસ આપવામાં આવશે. સીફાર્મના પ્રવક્તાને ટાંકીને, ખોસ્તીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું “અફઘાનિસ્તાન પાસે ગાંજાની ખેતી માટે 6,000 એકર જમીન છે અને તેમને 5000 એકરમાં ગાંજાના ઉત્પાદનની જરૂર છે.”

ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યા પછી, તાલિબાન સત્તાવાળાઓએ ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર પર કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કંદહારના તાલિબાન ગવર્નર યુસેફ વાફાએ ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે તેઓની સરકાર જૂથ ડ્રગ યુઝર્સની ધરપકડ કરી રહ્યું છે અને ખેડૂતોને કેનાબીસ અથવા અફીણની પોપીઓ ઉગાડવા દેશે નહીં.

જ્યારે તે અફઘાનિસ્તાન પર યુએસની આગેવાની હેઠળના કબજા સામે યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે કટ્ટર જૂથ માટે ગાંજો અને અફીણના પાકો આવકના નોંધપાત્ર સ્ત્રોત તરીકે જાણીતા હતા. અફઘાનિસ્તાન નોંધપાત્ર પ્રમાણમાં કેનાબીસનું ઉત્પાદન કરે છે અને સ્થાનિક એફેડ્રાના પ્લાન્ટનો ઉપયોગ કરીને મેથામ્ફેટામાઈનનું ઉત્પાદન કરે છે.  તે વિશ્વનો સૌથી મોટો અફીણ ઉત્પાદક પણ છે, જે 2020માં વિશ્વમાં કુલ ઉત્પાદનનો 85 ટકા હિસ્સો ધરાવે છે.d

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.