Abtak Media Google News

સેન્ટ્રલ ઝોનમાં 17, વેસ્ટ ઝોનમાં 11 અને ઇસ્ટ ઝોનમાં 17 બાકીદારોની મિલકતોને અલીગઢી તાળા લગાવી દેવાયાં

બજેટમાં આપવામાં આવેલા રૂ.340 કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટેક્સ બ્રાન્ચ દ્વારા આજથી હાર્ડ રિક્વરીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે બપોર સુધીમાં અલગ-અલગ વિસ્તારોમાં રીઢા બાકીદારોની 45 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. રૂ.81.54 લાખની વસૂલાત થવા પામી છે. ટેક્સ બ્રાન્ચે લાલ આંખ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે વોર્ડ નં.1માં નાણાવટી ચોક પાસે જાસલ કોમ્પ્લેક્સમાં ત્રણ મિલકત, વોર્ડ નં.4માં જૂના મોરબી રોડ પર રાજકોટ મર્ચન્ટ એશોસિએશનનું યુનિટ, વોર્ડ નં.5માં સવેશ્ર્વર ચેમ્બરમાં બે મિલકત, વોર્ડ નં.6માં સંતકબીર રોડ પર શ્રીસોનલ કોમ્પ્લેક્સમાં બે મિલકત, વોર્ડ નં.7માં રજપૂતપરા વિસ્તારમાં સંજય એપાર્ટમેન્ટમાં બે મિલકત, મહાવીર નિવાસમાં એક મિલકત, અક્ષર હાઉસમાં ત્રણ મિલકત, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ગજહંસ કોમ્પ્લેક્સમાં બે મિલકત, વોર્ડ નં.8માં કાલાવડ રોડ પર બિઝનેસ પાર્કમાં બે મિલકત સીલ કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.9માં રૈયા રોડ પર શિવમ સોસાયટી, નક્ષત્ર-7 અને નિર્માણ ભવન અને શ્યામપ્રભુ-7માં એમ કુલ ચાર મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી.

વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ પર ઉમિયા ટેલીકોમ, શિવશક્તિ કોલોનીમાં બે મિલકત, એસ.કે. કિંગ્સ કોમ્પ્લેક્સમાં એક મિલકત સીલ કરવામાં આવી હતી. વોર્ડ નં.13માં સ્વામિનારાયણ ચોકમાં એક મિલકત, આનંદ બંગલા ચોક પાસે કોટક બેંકનું યુનિટ, બેકબોન શોપિંગ સેન્ટરમાં ચાર યુનિટ, ટેકનો હાઇડ્રોલીંગ યુનિટ અને ઉમાકાંત ઉદ્યોગનગરમાં બે મિલકત સીલ કરવામાં આવી હતી. વોર્ડ નં.15માં વર્ધમાન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે મિલકત, ચુનારાવાડ વિસ્તારમાં કોશિયા લેન્ડ સર્વેની એક મિલકત, વોર્ડ નં.16માં પટેલ નગરમાં પટેલ ડાયકાસ્ટીંગ યુનિટ,

80 ફૂટ રોડ પર મહાદેવ પેઇન્ટ, કોઠારીયા મેઇન રોડ પર મહાદેવ હાર્ડવેરને સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડ નં.18માં કોઠારીયા રોડ પર સોમનાથ ટ્રેડર્સ, ધરમનગર સોસાયટીમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં એક મિલકત, બાલાજી મેઇન રોડ પર બ્રાહ્મણી એન્ટરપ્રાઇઝની મિલકત સીલ કરી દેવામાં આવી હતી. આજે ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત સેન્ટ્રલ ઝોનમાં 17 મિલકતો સીલ કરતા રૂ.18.90 લાખ, વેસ્ટ ઝોનમાં 11 મિલકત સીલ કરાતા 13.54 લાખ અને ઇસ્ટ ઝોનમાં 17 મિલકતો સીલ કરાતા રૂ.49.10 લાખની વસૂલાત થવા પામી છે. આજે કુલ 45 બાકીદારોની મિલકત સીલ કરવામાં આવતાં 81.54 લાખની રિક્વરી થઇ છે. હવે સપ્તાહમાં બે દિવસ મિલકત સીલીંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.