Abtak Media Google News

રૂા.340 કરોડના લક્ષ્યાંક સામે ટેક્ષ પેટે માત્ર 167 કરોડની જ આવક : એક લાખ કે તેથી વધુનો વેરો બાકી હોય તેવા રિઢા બાકીદારોની મિલ્કતને તાળા લગાવાશે

વર્ષોથી બાકી નીકળતું 1200 કરોડથી વધુનું લેણુ છુટુ કરવા માટે મહાપાલિકા દ્વારા ટેક્ષ રિકવરી સેલ ઉભો કરવામાં આવ્યો છે. આજથી બે દિવસ આ સેલમાં જોડાયેલા કર્મચારીઓને તાલીમ આપવામાં રહી છે. આવતીકાલે તાલીમનો તબક્કો પૂર્ણ થતાની સાથે જ શુક્રવારથી જ સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. એક લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતાં રિઢા બાકીદારોની મિલકતોને અલગઢી તાળા લગાવી દેવામાં આવશે. દર વર્ષે નાણાંકીય વર્ષના અંતિમ ત્રણ મહિનાઓમાં બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવે છે અને હાર્ડ રિકવરી હાથ ધરવામાં આવે છે. હવેથી ટેક્ષ રિકવરી સેલ વર્ષના તમામ 365 દિવસ બાકીદારો પર ધોંષ બોલાવશે.

ચાલુ નાણાંકીય વર્ષમાં ટેક્ષ બ્રાંચને બજેટમાં રૂા.340 કરોડનો તોતીંગ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પ્રથમ દ્રષ્ટીએ જ આ અકલ્પનીય લાગતો લક્ષ્યાંક પુરો થાય તેવી કોઈ સંભાવના દેખાતી ન હતી. પ્રથમ આઠ મહિના સ્ટાફના અભાવે ટેક્ષ બ્રાંચે જેમ તેમ કરી ગાડુ ગબડાવી દીધું હતું. રીબેટ યોજના અને વન વીક વન ડે ઝુંબેશ અંતર્ગત આજ સુધીમાં પ્રામાણિક કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરીમાં રૂા.167 કરોડ ઠાલવી દીધા છે. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે જો ટેક્ષની રિકવરી ઝડપભેર શરૂ કરવામાં ન આવે તો આવતા મહિનાથી પગારના પણ ફાફા પડે તેમ છે. ગઈકાલે જ ટેક્ષ રિકવરી સેલ ઉભો કરી દેવામાં આવ્યો છે.

દરમિયાન આજે તમામ સ્ટાફ કે જે રિકવરી સેલ સાથે જોડાયેલો છે તેઓને બે દિવસની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. આવતીકાલે સાંજે ટ્રેનીંગનો તબક્કો પૂર્ણ થતાની સાથે જ સોમવારથી જ મહાપાલિકાની ટેક્ષ બ્રાંચનો કાફલો બાકીદારો પર ધોંષ બોલાવવાનું શરૂ કરી દેશે.

પ્રથમ તબક્કે એક લાખ કે તેથી વધુની રકમ બાકી ધરાવતાં રિઢા બાકીદારોની મિલકત સીલ કરવામાં આવશે. ત્યારબાદ તમામ બાકીદારો સામે કડક વસૂલાત કરવામાં આવશે જેમાં વેરો ન ભરનારના નળ કે ડ્રેનેજ જોડાણ કાપી નાંખવા મિલકત ટાંચમાં લેવી, મિલકત સીલ કરવી કે મિલકતની હરરાજી કરવા જેવા આકરા પગલાં લેવામાં આવશે.

બજેટમાં ટેક્ષ રિકવરી સેલ ઉભો કરવાની જાહેરાત કરાયા બાદ નવમાં મહિને આ સેલ રચવામાં આવ્યો છે. હવે સેલ રિકવરીમાં કેટલો સફળ રહે છે તે આગામી સમય બતાવશે. 340 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે હવે દરરોજ સવા કરોડ કે તેથી વધુની વસૂલાત કરવી ફરજિયાત બની ગઈ છે.

મહાપાલિકામાં ભળેલા માધાપરમાં રોડ, સફાઈ સહિતનાં અનેક પ્રશ્ર્નો : સેંકડો મિલકતોનો સર્વે પણ બાકી

ગત વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલા માધાપર ગામમાં પ્રાથમિક સુવિધાઓનો આજની તારીખે અભાવ જોવા મળી રહ્યો છે. મ્યુનિ.કમિશ્નર અમીત અરોરા દ્વારા સમયાંતરે અલગ અલગ વોર્ડની ઓફિસની મુલાકાત લેવામાં આવે છે. તેઓએ તાજેતરમાં વોર્ડ નં.3ની મુલાકાત લીધી હતી. અહિં માધાપર વિસ્તારમાં વસવાટ કરતાં લોકો રોડ, રસ્તા અને પાણી સહિતના પ્રશ્ર્નોથી પીડાઈ રહ્યાં છે.

એક વર્ષ વિતી ગયું હોવા છતાં મહાપાલિકામાં ભળેલા આ ગામમાં 1500થી વધુ મિલકતોનો સર્વે પણ બાકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે અહિં વોર્ડ ઓફિસ જેવી એક નાની કચેરી બનાવવામાં આવશે કે જ્યાં લોકો પેાતાના રોજીંદા પ્રશ્ર્નો રજૂ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.