Abtak Media Google News

248 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 191 કરોડની આવક: કોરોના કાળમાં પણ ગત વર્ષની સરખામણીએ આ વખતે વેરા વસુલાત 2 કરોડ જેટલી વધી: નવા વર્ષના આરંભથી રીકવરી સેલ થશે એકટીવ

નાણાકિય વર્ષનો આજે અંતિમ દિવસ હોય મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા મોડી સાંજ સુધી વેરો સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાઓ રાત્રીના 12 વાગ્યા સુધી વેરો ભરી શકશે. દરમિયાન આવતા સપ્તાહથી પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી વેરા વળતર યોજનાનો આરંભ થઈ જશે. ટેકસનો ટાર્ગેટ ઘણો છેટો રહ્યો છે પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 કરોડ રૂપિયાની વધુ વસુલાત થવા પામી છે.આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે. સોફટવેર અપડેટ સહિતની કામગીરી સબબ એક સપ્તાહ સુધી વેરા વસુલાતની કામગીરી આવતીકાલથી બંધ રહેશે. આજે સાંજે 7:30 કલાક સુધી ઝોન કચેરી અને વોર્ડ ઓફિસ ખાતે વેરો સ્વીકારવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન વેરો ભરવા ઈચ્છતા કરદાતાઓ રાત્રીના 12 વાગ્યા સુધી વેરો ભરપાઈ કરી શકશે. દર વર્ષે મહાપાલિકા દ્વારા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે વેરા વળતર યોજના મુકવામાં આવે છે. આવતા સપ્તાહથી આ વળતર યોજનાનો પ્રારંભ થઈ જશે જેમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં 10 ટકા અને મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં વિશેષ 5 ટકા સાથે 15 ટકાનું વળતર આપવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે, ટેકસ બ્રાંચને આ વર્ષે 248 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેમાં આજ સુધીમાં માત્ર 191 કરોડની વસુલાત થવા પામી છે. ટેકસનો ટાર્ગેટ ભલે 57 કરોડ રૂપિયા દુર રહ્યો પરંતુ કોરોનાના કપરા કાળમાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વસુલાત થવા પામી છે. દર વર્ષે 189 કરોડની આવક ટેકસ પેટે થવા પામી હતી. આ વર્ષે આ આંક 191 કરોડે પહોંચ્યો છે. બીજી તરફ વર્ષોથી બાકી નિકળતું લેણુ વસુલ કરવા માટે બજેટમાં ખાસ ટેકસ રીકવરી સેલ ઉભો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નવા નાણાકિય વર્ષના આરંભથી જ આ રીકવરી સેલ એકટીવ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.