Abtak Media Google News

એર એમ્બ્યુલન્સની સેવા આપવામાં ગુજરાત પ્રથમ

રાજ્યસરકાર દ્વારા 108 ઈમરજન્સી સેવા અન્વયે દર્દીને જરૂર પડયે દૂરની કે અન્ય રાજ્યની હોસ્પિટલમાં સારવાર માટે એર એમ્બ્યુલન્સની સેવા પણ શરુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા મામલે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

આ અંગેની વિગતો આપતાં 108 ના પ્રોગ્રામ મેનેજર  અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર  દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં 79 વર્ષીય હેમલતાબેન શાહ સારવાર હેઠળ હતા. ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત વૃધ્ધા દર્દીને વધુ સારવાર અર્થે તાત્કાલિક મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થતાં તેમને એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. હતું. ડો. જીતેન્દ્રના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવના ડોડીયા તેમજ પાયલોટ નિમિશ પરમારએ 108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલ થી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ગુજસેલ અને ઈ.એમ.આર.આઈ.ના સંયુક્ત ઉપક્રમે સરકાર દ્વારા 21 માર્ચ,2022 થી શરૂ થયેલી 108 એર એમ્બ્યુલન્સની સેવા અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં હેમલતાબેન સહીત કુલ 03 દર્દીઓ સહીત ગુજરાતમાં 24થી વધુ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ખાનગી કરતા 50% સસ્તી સરકારી એર એમ્બ્યુલન્સ સેવા અત્યંત ટૂંકા રન-વે પર ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવે છે. એક ડોક્ટર અને બે પેરામેડિકલ સ્ટાફ સહીત વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને ઈ.સી.જી. મોનિટર સાથેની જરૂરી તમામ સવલતો સાથેનું આ એમ્બ્યુલન્સ એરક્રાફ્ટ દર્દી જ્યાં હોય ત્યાં તે સ્થાનની શક્ય તેટલી નજીક ઉતરાણ કરવા સક્ષમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.