Abtak Media Google News

રાજકોટમાં મેડિકલ ટુરિઝમ રંગ લાવશે

રૂ.સવાથી દોઢ લાખમાં મળતી એર એમ્બ્યુલન્સની સેવા સરકાર રૂ. 50 હજારમાં આપી રહી છે : ગુજરાત તો ઠીક બીજા રાજ્યના દર્દીઓ પણ ઝડપથી એઇમ્સની સારવાર મેળવી શકશે

એઇમ્સ અને એર એમ્બ્યુલન્સની સેવા આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ સર્જશે. જેના કારણે હવે આગામી દિવસોમાં  રાજકોટમાં મેડિકલ ટુરિઝમ રંગ લાવશે. એઇમ્સ ધમધમતી થાય પછી રાજકોટનું નામ ન માત્ર ગુજરાતમાં પણ દેશમાં ગુંજતું થઈ જાય તો નવાઈ નહિ.

આરોગ્ય વિભાગના ઈ.એમ. આર.આઈ 108 સેવા અને ગુજરાત સ્ટેટ એવિએશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલી એર એમ્બ્યુલન્સ સર્વિસ વેગ પકડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લોકકલ્યાણના હેતુથી શરૂ કરાયેલી એર એમ્બ્યુલન્સ સર્વિસના ચાર્જ ખાનગી એર એમ્બ્યુલન્સ કરતાં લગભગ અડધા છે. જ્યાં ખાનગી એર એમ્બ્યુલન્સ સેવા દર્દીઓના કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના ફ્લાઈંગ અવરના રૂ 1 લાખથી 1.25 લાખ ચાર્જ કરે છે. તેની સરખામણીમાં સરકારી એર એમ્બ્યુલન્સ કલાક દીઠ 50 હજાર રૂપિયા ચાર્જ લે છે. જે હકીકતમાં સબસીડાઈઝ ચાર્જ છે.

રાજકોટ અત્યારે સૌરાષ્ટ્રનું મેડિકલ હબ છે. સૌરાષ્ટ્રભરના દર્દીઓ શ્રેષ્ઠ સારવાર માટે રાજકોટ આવતા હોય છે.તેવામાં એઇમ્સ અને એર એમ્બ્યુલન્સની સેવા મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન પૂરું પાડશે.

એઇમ્સ- એરપોર્ટની કનેક્ટિવિટી દર્દીઓને રાજકોટ આવવા પ્રેરશે

રાજકોટમાં એઇમ્સ અને હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ બન્નેની કનેક્ટિવિટી મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપશે. ગવરીદળથી ચાલુ કરીને સાત કિલોમીટરનો આ 3૦૦ ફૂટ રોડ માધાપરને ટચ થશે અને ત્યાંથી મોરબી બાયપાસ અને અમદાવાદ હાઇ-વેને જોડતા રિંગરોડ-૨ પર થઇને હિરાસર એરપોર્ટ સુધીની સીધી કનેક્ટિવિટી મળશે.  આવી જ રીતે બહારગામથી એઇમ્સ હોસ્પિલ આવતા દરદીઓને પણ આ નેટવર્ક રોડનો લાભ મળી શકશે.

અત્યાર સુધી અનેક દર્દીઓના જીવ એર એમ્બ્યુલન્સે બચાવ્યા

ગુજરાત સરકારે ગુરુવારે રાજ્ય વિધાનસભાને જણાવ્યું હતું કે 21 માર્ચ, 2022થી 31 ડિસેમ્બર, 2022 સુધી, એર એમ્બ્યુલન્સ સેવાઓનો ઉપયોગ  નવ અંગદાન માટે કરવામાં આવ્યો હતો.અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલના એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર, નાગરિક ઉડ્ડયનના નિયામક, આરોગ્ય વિભાગ અને જીવીકે ઈએમઆરઆઈ 108એ સાથે મળીને આ સેવા શરૂ કરી છે. સરકારે જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિક માટે, સેવા માટે પ્રતિ કલાકનો ચાર્જ રૂ. 50,000 વત્તા કર છે, જ્યારે અન્ય દર્દીઓ માટે, દર રૂ. 65,000 વત્તા કર છે.  એર એમ્બ્યુલન્સમાં પ્રી-હોસ્પિટલ સંભાળ સુવિધાઓ અને લાયકાત ધરાવતા ડોકટરો છે.  સરકારે એમ પણ જણાવ્યું કે આ સેવા શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

કેવી રીતે એર એમ્બ્યુલન્સની સેવા મેળવી શકાય?

એર એમ્બ્યુલન્સ સર્વિસ મેળવવા નિયત પ્રોસિજર અનુસરવી પડે છે. જે કોઈ દર્દી માટે એર એમ્બ્યુલન્સની જરૂર હોય તેમણે ઈ એમ.આર.આઈ 108 એમ્બ્યુલન્સ સર્વિસ નો સંપર્ક કરવાનો રહે છે. જેથી દર્દીને ક્યાંથી લઈ ક્યાં શહેરમાં શિફ્ટ કરવાના છે તે વિગતો ગુજસેલમાં મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ ગુજસેલ તે અંગે એર એમ્બ્યુલન્સના ચાર્જનું ક્વૉટેશન આપે છે. જે  દર્દીના સંબંધીઓને આપવામાં આવે છે. આ ચાર્જનું પેમેન્ટ થઈ ગયાં બાદ નક્કી દિવસ અને તારીખે દર્દીને અથવા તો ઓર્ગનને જે તે હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ 108 દ્વારા એરપોર્ટ ખાતે શિફ્ટ કરવામાં આવે છે. જો દર્દીને ગુજરાતના જ કોઈ અન્ય શહેરમાં શિફ્ટ કરવાનો હોય તો રાજ્યના અન્ય એરપોર્ટ ઉપરથી બીજી એમ્બ્યુલન્સ-108 દ્વારા રિસીવ કરીને જે તે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. આમ જો દર્દી કે ઓર્ગનને ગુજરાત રાજ્યમાં જ શિફ્ટ કરવાનો હોય તો બંને તરફ એમ્બ્યુલન્સ સેવા આપવા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.