શાળાઓ નવા સત્રની ફી ઉઘરાવશે તો આંદોલન છેડાશે

25 ટકા માફી તો ય શાળાઓ પૂરી ફી ઉઘરાવે છે

યુવક કોંગ્રેસ, એનએસયુઆઈની શિક્ષણાધિકારીને ચીમકી: આવેદન પાઠવ્યું

કોરોના કાળમાં શાળાઓ હાલ સંપૂર્ણ ફી વસુલી રહી છે અને નવા વર્ષની ફી વસુલવા સામે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈએ વિરોધ વ્યકત કરી આંદોલન કરવા ચીમકી આપી છે. જામનગર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે જામનગરની સીબીએસસી શાળાઓમાં નવા વર્ષ 2021-22માં 25% ફી માફીની જગ્યાએ સંપૂર્ણ વસૂલ કરી છે. ત્યારે એપ્રિલ 2021 થી સીબીએસસી શાળાઓ તો શરૂ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં સમગ્ર ભારતમાં કોરોના મહામારી સામે ઝઝૂમતી હતું. જેમાં ગત આખું વર્ષ શાળાઓ બંધ રહી હતી. છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ફી માફીની જગ્યાએ ફક્ત 25 % ફી માફી કરવામાં આવી હતી.સ્કૂલોએ ફી લઇ લીધી પણ ખુલશે ક્યારે તે નક્કી નથી. હાલ એપ્રિલ 2021-22 થી સીબીએસસીનું અને જુલાઈ 2021-22 ગુજરાત બોર્ડનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં પણ શાળાની ખુલવાની શક્યતા નહિવત છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ શૈક્ષણિક વર્ષ 2021-22ની ફી માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. છતાં પણ મોટાભાગની સીબીએસસી શાળાઓને નવા સત્રની સંપૂર્ણ ફી વસૂલવાનું શરૂ કરી દિધુ છે.

આ પરિસ્થિતિ બે મહિના પછી જુલાઈ 2021માં ગુજરાત બોર્ડની શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે.જેથી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી શિક્ષણ વિભાગ દ્વારા ફી અંગેનો નવો પરિપત્ર જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી કોઇપણ સત્રની ફી ના ઉઘરાવે અને જો ફી ઉઘરાવી જ હોય તો જૂના નિયમ મુજબ 25% માફી સાથે જ ઉઘરાવે તેઓ લેખિત પરિપત્ર આપવામાં આવ્યો છે. જો શાળાઓ પોતાની મનમાની મુજબ સંપૂર્ણ ફી વસૂલવાનું શરૂ જ રાખશે. તો નાછુટકે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા તમામ શાળાઓ સામે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે આંદોલન કરવા પડશે. તેવી રજૂઆત જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ તોસીફ ખાન પઠાણ અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં આવેદનપત્ર આપી કરવામાં આવી હતી.