Abtak Media Google News

જાગૃત નાગરિકે વીડિયો ઉતારી તંત્રને રાવ કરી

સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી જી.જી. હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહેવા ટેવાયેલી છે ત્યારે ગત રાત્રિએ હોસ્પિટલના સિક્યુરિટીના સુપરવાઇઝર પોતાની ઓફિસમાં ચિક્કાર નશામાં બેસીને બબડાટ કરતા હોવાનો વીડિયો જાગૃત નાગરિકે ઉતારી લેતા સરકારી તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરની જી.જી. હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફની દાદાગીરી તેમજ ગેરવર્તણૂંક અંગે તો અનેકવાર ફરિયાદો ઉઠી ચૂકી છે, પરંતુ ગતરાત્રિએ જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડ નજીક આવેલા સિક્યુરિટી ઓફિસમાં બેસેલા સિક્યુરિટી સુપરવાઈઝર ભૂપતભાઈ નામનો શખસ ચિક્કાર નશામાં રહીને વહીવટ કરતો હોવાની જાણ થઈ હતી ત્યાં ફાઈલો લઈને સહીઓ કરાવવા આવતી મહિલાઓએ પોતાના મોઢે કપડા ઢાંકવા પડ્યા હતા. તે હદે સુપરવાઈઝરની ઓફિસ ગંધાતી હતી. સુપરવાઈઝર નશામાં સરખુ બોલી તો નહતા શકતા, પરંતુ ઉભા પણ થઈ શકતા ન હતા. આ ઘટનાનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારી લેતા આખી ચોંકાવનારી ઘટના બહાર આવતા હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વર્ષ પહેલા એજન્સીને ચેતવણી અપાઇ’તી

જી.જી. હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ ચાલુ ફરજે દારૂ પીતા હોવા બાબતે ગત તા. 4 ફેબ્રુઆરી 2020ના રોજ તબીબી અધ્યક્ષે એજન્સીને લેખિત ચેતવણી આપી હતી કે, હોસ્પિટલના વિવિધ વિભાગો માટે સિક્યુરિટી સેવાઓ લેવામાં આવે છે તે એજન્સીના સિક્યુરિટી ગાર્ડ ચાલુ ફરજ દરમિયાન માદક પદાર્થનું સેવન કરતા હોય તેમને તાત્કાલિક ફરજ પરથી દૂર કરો. જો ભવિષ્યમાં કોઈપણ બનાવ ન બને તે માટે એજન્સીએ તકેદારી રાખવાની રહેશે અને ફરિયાદ આવશે કે બનાવ બનશે તો આપની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરાશે. આમ છતાં આવો બનાવ બન્યો હતો.

પરીક્ષાની ડ્યુટીમાં વ્યસ્ત છું, આ મામલે પગલાં લેવાશે: તબીબી અધ્યક્ષ

હું અત્યારે પરીક્ષાની ડયૂટીમાં વ્યસ્ત છું એટલે આ બાબતની મને કાંઇ જ ખબર નથી, પરંતુ જો આવી કોઇ ઘટના મારા ધ્યાનમાં આવશે તો જરૂરથી આ મામલે કડક પગલાં લેવામાં આવશે, આવી હરકત કોઇ કાળે ચલાવી લેવામાં નહિં આવે તેમ તબીબી અધ્યક્ષે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.