મતદાન બૂથ પર મળ્યો એવો જવાબ કે પગ નીચેથી જમીન ખસી ગઇ !

0
208

મનપાની ચૂંટણીમાં કેટલાક ગંભીર છબરડા સામે આવ્યા છે. જેમાં હોંશેહોશે મતદાન કરવા પહોંચેલા એક યુવકને મતદાન બૂથ પર હાજર અધિકારીએ એવો જવાબ આપ્યો કે તેના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પોતાનું ચૂંટણીકાર્ડ લઇને બૂથ પર પહોંચેલા યુવકને મતદાર યાદીમાં મૃત દર્શાવવામાં આવ્યો હતો. યાદીમાં મૃત હોવાથી યુવક મતદાન કરી શક્યો ન હતો અને વીલા મોઢે મતદાન કર્યા વગર ઘરે પરત ફર્યો હતો. આવી જ ઘટના અમદાવાદના યુવક સાથે પણ બન્યું હતું.

વડોદરામાં મનપાની ચૂંટણી માટે મતદાન કરવા પહોંચેલા રાજુભાઇ ચાવડાને કડવો અનુભવ થયો હતો. રાજુભાઇ વડોદરામાં ભૂતડીઝાપા વિસ્તારમાં રહે છે અને વોર્ડ નંબર 6 માટેના મતદાર છે. રવિવારે યોજાયેલી મનપાની ચૂંટણીમાં તેઓ પોતાનું ચૂંટણીકાર્ડ લઇને મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન મથકે સૌપ્રથમ હાજર અધિકારીએ મતદાર યાદીમાં રાજુભાઇનું નામ ચેક કર્યું હતું. આ યાદીમાં રાજુભાઇનું નામ તો હતું પરંતુ તેઓને મૃત દર્શાવવામાં આવ્યા હતા. આ જાણીને સૌપ્રથમ તો રાજુભાઇના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. જો કે પોતે મૃત દર્શાવેલા હોવાને કારણે તેઓ મતદાન કરી શક્યા ન હતા આથી તેઓએ ચૂંટણીની કામગીરી અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને વીલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી.

મૃત પિતા જીવીત અને જીવીત પુત્રનું નામ ગાયબ !

આવી જ એક વિચિત્ર ઘટના અમદાવાદમાં પણ સામે આવી હતી. અમદાવાદના ચાંદખડા વિસ્તારમાં એક મતદારે જણાવ્યું કે મારા પિતાનું મૃત્યુ થઇ ગયું હોવાને ઘણો સમય થઇ ગયો છે. મેં પિતાના મૃત્યુનો દાખલો પણ આપેલો છે તેમ છતા તેઓનું નામ મતદાર યાદીમાં છે, બીજી બાજું હું જીવીત છું છતા મારું નામ ગાયબ છે. મત આપવા માટે મેં અલગ અલગ ચાર જગ્યાએ ધક્કા ખાઇને આવ્યો છું પરંતુ ક્યાંય પણ મતદાર યાદીમાં મારું નામ નથી. તો મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે અન્ય એક ઉમેદવારે પણ અનેક જગ્યાએ ધક્કા ખાધા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.

એક તરફ મતદાન માટે જાગૃતતા લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે, ને બીજી બાજુ આવા ગંભીર છબરડાઓને કારણે કેટલાક મતદારો મતદાનથી વંચિત રહેતા હોય છે. ત્યારે આ બાબતે પણ ચૂંટણીપંચ દ્વારા યોગ્ય પગલા લઇ આ બાબતને ગંભીરતાથી લેવી જોઇ તેવી માગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here