Abtak Media Google News

ટિખળખોરોના પાપે સોશ્યલ મીડિયામાં ફરી રહેલા બોગસ મેસેજને કારણે નિર્દોષ લોકો અંટાયાના અનેક કિસ્સા

મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા સમયથી ટીખળખોર શખ્સો દ્વારા બાળક ઉઠાવગીર ટોળકી શહેરમાં ઘુસી છે, તમારા બાળકોને સાચવજો જેવા વાહિયાત મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કરાઈ રહ્યા હોવાથી પોલીસ પણ પરેશાન બની છે અને અનેક નિર્દોષ લોકો ખોટી રીતે હેરાન થઈ રહ્યા છે ત્યારે આવી અફવાઓમાં ન ભરમાવા પોલીસ અને જાગૃત નાગરિકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

છેલ્લા દિવસોમાં વોટ્સએપ અને ફેસબુક સહિતના સોશ્યલ મીડિયામાં નઠારા તત્વો દ્વારા ખોટા ઓડિયો મેસેજ વહેતા કરી ફલાણા સિક્યુરિટી ઓફિસર અને ઢીકણા સિક્યુરિટી ઓફિસરના નામે લોકોના મનમાં ખોટો હાઉ ઉભો કરવા બાળકોને ઉઠાવી જતી ટોળકી ઉતરી આવી હોવાની અફવા ફેલાવવામાં આવી રહી છે.

અધૂરામાં પૂરું અનેક બુદ્ધિજીવીઓ આવી અફવાને સાચી સમજી પોતે જાણે મોટું પરાક્રમ કર્યું હોય તેમ આવા મેસેજીસને આગળ અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કરી અન્યોની મુશ્કેલી વધારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આવા અફવાવાળા મેસેજને કારણે બે દિવસ પહેલા માળીયાના વવાણીયા ગામમાં પાગલ મહિલાને લોકોએ નાહકમાં માર માર્યો હતો અને બાદમાં લોકોએ પસ્તાવો કર્યો હતો.

આ સંજોગોમાં પોલીસ દ્વારા પણ લોકોને આવી ખોટી અફવામાં ન દોરવાઈ જો કોઈ પણ જાતની શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાઈ કે શંકાસ્પદ વ્યક્તિ કોવા મળે તો કાયદો હાથમાં ન લેતા પોલીસને જાણ કરવા અપીલ કરી આંબી બાળકો ઉઠાવી જવાની ટોળકીવાળી વાહિયાત અફવામાં ન દોરવાઈ જવા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.