Abtak Media Google News

વડી અદાલતનો ચુકાદો: કેદીઓ સાથે વ્યવહારમાં નરમાઈ દાખવવા તાકીદ

જેલમાં દર વર્ષે કેદીઓ અપમૃત્યુનો ભોગ બને છે. આવા કેસમાં મૃતક કેદીના વારસદારોને વળતર ચૂકવવાનો આદેશ વડી અદાલતે આપ્યો છે. જેલમાં બંધ કેદીના આરોગ્ય સહિતની જવાબદારી સરકારની હોય છે. જેથી જેલમાં અપમૃત્યુના બનાવમાં સુપ્રીમે મહત્વનો ચુકાદો આપ્યો છે.

જસ્ટીસ મદન લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે આ મહત્વનો નિર્ણય લીધો છે. ઉપરાંત કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારોને જેલમાં કેદીઓને અપાતી આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓમાં સુધારા કરવાની પણ તાકીદ કરી છે. કોર્ટે નોધ્યું છે કે, તિહાર જેવી જેલમાં પણ આરોગ્યની તાત્કાલીક સારવાર માટે યોગ્ય સુવિધાઓનો અભાવ છે. ડોકટરો અને મેડિકલ સ્ટાફ પુરતા પ્રમાણમાં નથી. તિહારને દેશની શ્રેષ્ઠ જેલ ગણવામાં આવે છે. છતાં પણ ત્યાં સુવિધાઓનો અભાવ હોય. દેશની અન્ય નાની મોટી જેલમાં કેદીઓની શું સ્થિતિ હશે તે અનુભવી શકાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ દરમિયાન જેલમાં ૫૫૨ કેદીઓના અપમૃત્યુ થયા હતા. આ કેદીઓ આત્મહત્યા, અન્ય કેદીના હુમલા સહિતના કારણોસર મૃત્યુ પામ્યા હતા.

માનવ અધિકાર પંચ જેલમાં કેદીઓને મળતી અપુરતી સુવિધાઓ મામલે અનેક વખત સરકાર અને ન્યાય તંત્રનું ધ્યાન દોરી ચુકયું છે. જેલમાં અનેક કેદીઓ કેદ આગળ ચાલતો ન હોવાના કારણે બંધ છે. તેમણે એક તરફ જામીન મળતા નથી, બીજી તરફ કેસ પણ આગળ ચાલતા નથી. વડી અદાલતે જેલમાં કેદીઓને અપાતી સુવિધાઓ મામલે કેન્દ્ર અને રાજય સરકારોનું ધ્યાન દોર્યું છે.

કાચા કામના કેદીઓ માટે ઓપન એર જેલ અને વ્યવહારમાં નરમાઈ દાખવવામાં આવે તેવી તાકીદ પણ વડી અદાલતે કરી છે.

ફિલ્મ સ્ટાર સંજય દત્ત જેલમાંથી પાંચ વર્ષની સજા કાપી બહાર આવ્યા બાદ તેણે જેલને ગુનેગારોના નિર્માણ માટેની યુનિવર્સિટી ગણાવી હતી. જેલમાં થતા વ્યવહારો અને પડતી અસુવિધાઓ મામલે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ અનેક આગેવાનોનું ધ્યાન જેલમાં પડતી અસુવિધાઓ ઉપર પડયું છે. વડી અદાલતે પણ સરકારને આ મામલે તત્કાલ યોગ્ય પગલા લેવા નિર્દેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.