Abtak Media Google News

“માનસિક બીમાર (પાગલ) પરંતુ શારીરિક મજબૂત આરોપીએ જમાદારને ગળેથી પકડી બારીએ ટીંગાડી દીધા…!”

લાઠીના અનુભવો ત્રણ મોકાના નિર્ણય

લાઠી નગર આમ તો શાંતિ પ્રિય હતુ તેમાં બાળ ગુનેગારોનો અતિ ચર્ચાસ્પદ બનાવ બનતા અને છાપાઓમાં પણ તેની ખૂબ ચર્ચા ચાલતા હવે સાવ શાંતિ હતી. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમા નાની મોટી સીમ વગડાની ચોરીઓ થતી રહેતી આથી ફોજદાર જયદેવ નાઈટ રાઉન્ડ ફરજને દિવસે પોલીસ સ્ટેશનમાં રાત્રીના બાર વાગ્યા સુધી તુમારી કામ અને પેન્ડીંગ ઈન્વેસ્ટીગેશનના કામો કરતો અને રાત્રીનાં બાર વાગ્યા પછી થોડા જવાનોને લઈને ગ્રામ્ય વિસ્તારમાં જીપ લઈને નીકળી પડતો જો ગામડા બીટમાં જવાનું હોય તો જમાદાર મકવાણા જે બીટ ઈન્ચાર્જ હતા તેને સાથે લેતો પણ આજે ચાવંડ ઓ.પો.ના ગામડાઓમાં જવાનું હોય ચાવંડ જમાદાર વિરસીંગને સાથે લીધા રાત્રીનાં ત્રણેક વાગ્યા સુધી ચાવંડના ગામડાઓમાં ફરીને ચાવંડ થઈ લાઠી આવ્યા લાઠીની પોલીસ લાઈન ચાવંડ અમરેલી હાઈવે ઉપર કલાપી હાઈસ્કુલની પાસે અને બસ સ્ટેન્ડની સામે જ આવેલી હતી આથી ડ્રાઈવર ગંભીરસિંહ જીપ લઈને પહેલા પોલીસ લાઈનમા સાથેના જવાનો અને જયદેવને ઉતારીને પાછો પોલીસ સ્ટેશને ગયો ત્યાં તેણે જીપ રાખીને પોતાની સાયકલ લઈ ને પાછા આવતા તેણે ચાવંડ દરવાજા ચોકે આવતા ચોર સીપાઈનું યુધ્ધ જોયું.

કલાપી સીનેમા તરફથી એક લૂંટા‚ કે ચોરનું ટોળુ પથ્થરમારો કરતુ કરતુ ચાવંડ દરવાજા તરફ આવતુ હતુ ત્યાં આ વિસ્તારમાં રાત્રી ફરજ ઉપરના વયોવૃધ્ધ જમાદાર પરમાર આ પથ્થરમારાને કારણે ધીમેધીમે ચાવંડ દરવાજા તરફ પાછા હટતા જતા હતા આ બનાવના કારણે અમુક નગરજનો જાગી ગયા હતા. પરંતુ તેઓ પોતાના ઘરની બારીઓ અર્ધી ત્રાંસી ખોલીને ભયગ્રસત રીતે જોતા હતા જેમ ટીવીની ડીસ્કવરી ચેનલમાં આફ્રિકન સફારીના કાર્યક્રમમાં એક જંગલી બીટસ (જંગલી ભેંસ)નો સિંહ શિકાર કરતો હોય અને હજારોની સંખ્યામાં બીટસના ટોળા આ શિકાર થતા એક જાતભાઈનું વિસ્મય પણે નિરીક્ષણ કરતા હોય છે. પણ આટલી મોટી સંખ્યામાં હોવા છતાં સામુહિક રીતે પણ જતા નથી જો તેમ જાય તો પેલુ એકલુ ભોગ બની જતા બચી જાય પણ તેમ થતુ નથી તે રીતે આ બારીઓમાંથી જોનારાઓમાં એક ડોકટર સહિતના બુધ્ધિજીવીઓ પણ હતા પણ તમામ દર્શકો જ હતા. કોઈ એ આ એકલવીર જમાદારની મદદ માટે કોઈ ઉપાય કે કાર્યવાહી તો ન કરી પરંતુ રાડા રાડી કે દેકારો પણ કર્યો નહિ પરંતુ ફરજ નિષ્ઠ વયોવૃધ્ધ જમાદાર પરમાર ચાવંડ દરવાજા સામેના ચોકની વચ્ચે જ ઉભા રહી ગયેલા નાસી જવાનો તેમને વિચાર પણ આવ્યો નહિ સાયકલ લઈને આવતા ડ્રાઈવર ગંભીરસિંહે જમાદાર પરમારને આ સ્થિતિમાં ઉભેલા જોતા જ પડકારો કર્યો પરંતુ આ રીઢા ગુનેગાર ટોળાએ તે પડકારાને તો ધ્યાને લીધું નહિ અને તેની કોઈ અસર થઈ નહિ પરંતુ તેમની તરફ પણ બે ત્રણ પથ્થરોના ઘા કર્યા.

આથી ગંભીરસિંહ પાછા પોલીસ સ્ટેશને જઈ સાયકલ મૂકીને જીપ લઈને તુરત પાછા આવ્યા ટોપ ઉપરની પીળી લાઈટના ઝબકારા જોઈને ટોળામાં નાસભાગ થઈ પરંતુ તેની પાછળ દોડીને પકડી શકે તેવી કોઈ વ્યકિત જીપમાં નહતી. આ નાસભાગમાં આ ગુનેગાર ટોળકીનો એક સભ્ય કલાપી સીનેમાથી બસ સ્ટેન્ડ તરફ નાસેલો, ગંભીરસિંહ ને પણ તે બાજુ પોલીસ લાઈનમાં જયદેવ વિગેરે ને તેડવા જવું હતુ આથી જીપ તેની પાછળ જ કરી અને પેલો વ્યકિત બસ સ્ટેન્ડ પાસે રોકાવાને બદલે દોડતો કલાપી હાઈસ્કુલ થઈને ચાવંડ રોડે ચડયો.

ગંભીરસિંહે જીપ પોલીસ લાઈનમાં લીધી જયદેવે ઘેર હજુ યુનિફોર્મ ઉતાર્યો અને નાઈટ ડ્રેસ ચડાવ્યો હતો અને કોલબેલ વાગી ગંભીરસિંહ જયદેવને બનાવની વાત કરી આથી જયદેવે હવે તાત્કાલીક જવુ જરૂરી હોય નાઈટ ડ્રેસ ઉપર જ રીવોલ્વર ધારણ કરી લીધી તેવામાં તો જમાદારે વિરસીંગ વિગેરે સ્ટાફે હજુ યુનિફોર્મ પણ ઉતાર્યો ન હતો. તેઓ આવી ગયા તમામ ફટાફટ જીપમાં ગોઠવાયા ચાવંડ રોડ કલાપી હાઈસ્કુલ પાસે કોન્સ્ટેબલ રાજયગુરૂને ઉતારીને જયદેવ ચાવંડ દરવાજે આવ્યો પરંતુ અહી વાવાઝોડા પછી ની સુમસામ શાંતિ હતી ચોક વચ્ચે હજુ પણ જમાદાર પરમાર લાકડી લઈને ઉભા હતા. જયદેવે તેમને કોઈ ઈજા છે કે કેમ તેની ખાત્રી કરી તેમની મદદમા નનુસીંગને ઉતારી જયદેવજીપ લઈને પાછો ચાવંડ રોડ ચાર રસ્તે રાજયગુ‚પાસે આવ્યો.

રાજયગુરૂએ કહ્યુંં કે એક વ્યકિત કલાપી હાઈસ્કુલ પાછળના ખેતરમાંથી ચાવંડ રોડ ઉપર ચડીનેમારી તરફ આવતો હતો. પણ મને જોઈને પાછો દોડતો રોડ ઉપર જ રેલવે સ્ટેશન તરફ ભાગ્યો છે.તે સમયે વર્ષાઋતુ પુરી થવામાં હતી ભાદરવા મહિનાના આખરી દિવસો હતા વાડી ખેતરોમાં મોલાત તૈયાર થઈ ગઈ હતી અમુક ખેતરો માં તો માથોડુ માથોડુ ઉંચા બાજરા ઉભા હતા કે જેમાં કોઈ વ્યકિત દાખલ થઈ જાય પછી દેખાય પણ નહિ.

દરમ્યાન ગંભીરસિંહને ખ્યાલ આવી ગયો કે હવે જયદેવ મોટુ અને લાંબુ ઓપરેશન કરી સવાર પાડી દેશે આથી તેણે ધીમેથી કહ્યું ‘સાહેબ હવે જવાદોને, આ લોકોએ હજુ ચોરી કયાં કરી છે? આમેય લોકો પોલીસને મદદ કરતા નથી અને હવે કાંઈ બન્યું જ નથી તોશું ફરીયાદ થાય? આ મોટી મોટી મોલાતમાં આ અનુભવી ગુનેગાર સસલાની જેમ સંતાતો ફરતો કયાંય નાસી જવાનો છે. ખોટા ઉજાગરા અને હેરાન થવું? જયદેવે કહ્યું જમાદાર ‘ડોશી મરે તેનો વાંધો નહિ પણ જમ ખોરડાભાળી જાય’ તેનો વાંધો છે. થતુદર્દ અને ઉભો થતો દુશ્મન દબાવ્યે જ સારા જયદેવને ખ્યાલ હતો કે ગંભીરસિંહ ને ચાલુ જીપે ઉંધ આવી જતી હતી તેથી કહ્યું હવે બહુ ઉંધ આવતી હોય તો રાજયગુરૂ જીપ ચલાવી લેશે તમે પાછળ બેસો પણ પછી તે કાંઈ બોલ્યો નહિ.

જયદેવે વિચાર્યું કે બજારમાં તો નનુસીંગને ઉતાર્યા છે અને ગુનેગાર ટોળકીને જીપ અને બીજી પોલીસ આવી ગયાની સમગ્ર હકિકતની પણ ખબર પડી ગયેલ છે. તેથી હવે તેઓ પાછા આવવાની કોઈ શકયતા નથી પરંતુ તે બાજુ વધારે ગુનેગારો નાસ્યા છે.

પરંતુ જયદેવે નિર્ણય કર્યો કે તેઓ કઈ દિશામાં ભાગ્યા તે પણ ખબર નથી તેથી જે એક આરોપી જુદો પડી ગયો છે અને દિશા નકકી છે તો તેનો જ પીછો ચાલુ રાખીએ જો કે આગલા દિવસનો થાક અને આખી રાતની રઝળપાટને કારણે જયદેવને પણ નિંદર આવતી તો હતી પરંતુ આવો ‘મોકો’ ફરી ને મળવાનો ન હતો તેથી આ લાંબી દોડ દોડવાનું નકકી કરી રેલવે સ્ટેશન આવ્યા રેલવેના કર્મચારીઓથી જાણવા મળ્યું કે એક વ્યકિત પાટા ઓળંગી ને સામેના ખેતરોમાં મોલાતમાં આડેધડ દોડતો ગયો છે. આ સાંભળીને જયદેવ હરખાઈ ગયો કે હવે જ ખરી ‘ચોર સીપાઈ’ની રમત રમવાની મજા આવશે ‘યથા રાજા તથા પ્રજા’ આ બનાવ બન્યાની વાતની ગામડા બીટ જમાદાર મકવાણાને ખબર પડતા તેઓ તેમનું રાજદૂત મોટરસાયકલ લઈને ત્યાં આવી પહોચ્યા જયદેવે હવે લાઠી તાલુકાના ગામડાઓની ભૌગોલીક સ્થિતિ પૂરો માહિતગાર થઈ ગયો હતો જયદેવે વિરસીંગ અને રાજયગુરૂને જીપ લઈ ચાવંડ રોડ ઉપર પેટ્રોલીંગ રાખી જો કોઈ ખેતરોમાંથી રોડ ઉપર ચડે તો ઝડપી પાડવા કહ્યુ અને પોતે મકવાણાના રાજદૂત પાછળ બેસીને નાઈટ ડ્રેસમાં હોવા છતાં આરોપીનો પીછો ચાલુ રાખ્યો કયાંક આરોપી પોલીસને જોઈ જાય કયાંક પોલીસ આરોપીને જોઈને પાછળ પડે આરીતે સવારનાં સાડા ચાર પાંચ વાગ્યે શેખ પીપળીયા ગામ આવ્યું. ગામ લોકોને જાણ થતા ગામના ત્રણ ચાર મોટર સાયકલો પોલીસની મદદમાં લાકડીઓ દંડા લઈને નીકળી પડયા (આનુ નામ લોક ભાગીદારી કહેવાય) આરોપી હવે બરાબર ફસાયો હતો પરંતુ શરીરનો લોઠડો દોડયે જતો હતો અને મોટી મોલાત આવે તો તેમાં સંતાઈને શ્વાસ લઈને આરામ કરી લેતો અને જેવો માણસોનો અવાજ આવે એટલે દોડવા લાગતો. આ પકડ દાવમાં દિવસ ઉગી ગયો આમ તો તમામ થાકી ગયા હતા પરંતુ જયદેવ નજર સામેના આરોપીને આ રીતે નાસી જવા દેવા માંગતો નહતો. જયદેવે કહ્યું હવે દિવસ ઉગ ગયો તે જ મોટો મોકો છે. હવે દિવસમાં સીમ ખેતરે માણસો આવી જશે તેથી આરોપીને છુપાવુ કઠીન છે.રસ્તામાં આરોપીના વાવડ મળતા જતા હતા કે આગળ ગયા આગળ ગયો. જયદેવે એક મોટરસાયકલ વાળાને ચાવંડ રોડ ઉપર મોકલી વિરસીંગને કહેવરાવ્યું કે હવે તેઓ ચાવંડથી બાબરા હાઈવે ઉપર આવીને પેટ્રોલીંગ કરે કેમકે આરોપી આરીતે સીધો જ જાય તો આ હાઈવે ને ક્રોસ કરવાનો હતો.

આ દડમઝલ સવારના નવ વાગ્યા સુધી ચાલી પણ જયદેવે પીછો ચાલુ જ રાખ્યો અને ‘પ્રયત્નનું ફળ મળે જ છે’ તે ન્યાયે વિરસીંગે બાબરા ચાવંડ રોડ ઓળંગતા આરોપીને ઝડપી લીધો આ આરોપી દાહોદના ધાનપૂરનો રીઢો અને સુરત વડોદરા તરફ અનેક હાઈવે લૂંટો કરેલો આદિવાસી ગુનેગાર હતો. પરંતુ આ રીતે ગુન્હાની કોશીષમાંજ પોલીસે આટલો લાંબો પીછો કરીને ને તેને પ્રથમ વખત થકવી દીધો હતો. તેથી હેબતાઈ ગયો હતો આમ તો રીઢો ગુનેગાર એક શબ્દ પણ બોલે નહિ ત્યાં ગુન્હા કબુલ કરવાની તો વાત કયાં રહી? પરંતુ પોલીસની આ પાંચેક કલાકની મેરેથોન દોડે તેને શારીરીક રીતે તો ઠીક પણ માનસીક રીતે પણ થકવી દીધો હતો. આથી આરોપીએ ઢસા સાવરકુંડલા અને અમરેલી શહેરમાં સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુન્હા કરેલા તે કબુલી લીધા અને ગુન્હાની મોડસ ઓપરેન્ડીકે પધ્ધતિ પણ જણાવી દીધી કે પોતે એવા માણસોને લઈને ગોધરા કે દાહોદથી સવારની બસમાં નિકળતો કે જેમણે આવા વિસ્તારમાં મજુરી કરી હોય વળી બસ પણ સાંજના સમયે આ શહેરોમાં પહોચતી આથી રાત્રીનાં હોટલોમાં વાળુ પાણી કરી પાછા અંધારામાં જ ગામથી દૂર સીમાડે ચાલ્યા જતા મોડી રાત્રે સીનેમા છૂટે અને લોકો વિખરાઈ જાય અને પોલીસ આડી અવળી થાય તુરત જે તે શહેરનાં બારોબારના સોસાયટી વિસ્તારમાં ખાબકીને કામ પતાવીને પાછા અંધારામાં જ સીમમાં જતા રહેતા દિવસ ઉગતા ગામમાં પાછા આવી બસ સ્ટેન્ડમાંથી વતન ચાલ્યા જતા.

આમ જયદેવ ના વ્યુહાત્મક નિર્ણયે અનેક ઘરફોડ ચોરીના ગુન્હાઓ નો ભેદ ખોલીને તેમની કળા કરવાની પધ્ધતિ પણ ખૂલ્લી પાડીને જીલ્લાનાં તમામ બસ સ્ટેન્ડોમાં સવારસાંજ પોલીસ દ્વારા દાહોદ ગોધરાની બસો ચેક થવા લાગી અને ગુન્હા બનતા બંધ થઈ ગયા.

એક દિવસ સવારના નવેક વાગ્યે જયદેવ પોલીસ સ્ટેશનમાં આવ્યો તો તેણે એક અતિ વિચિત્ર દ્રશ્ય જોયુ પી. એસ.ઓ.ના રૂમમાં છ છૂટ ઉંચા જમાદાર મકવાણાને એકે તેવા જ મજબુત હાઈટ બોડીવાળા માણસે ગળામાંથી પકડીને બારીએ ટીંગાડી રાખેલા હતા. ગળુ દબાતુ હોય મકવાણાની આંખો પહોળી થઈ ગઈ હતી બબ્બે કોન્સ્ટેબલો એ મકવાણાને છોડાવવા મથામણ કરેલી પરંતુ મકવાણાને છોડાવવાનો મેળ નહિ પડેલો તેથી બંને કોન્સ્ટેબલો લાકડીઓ લઈપેલા આરોપી માણસને પૂરા તાકાતથી આડેધડ મારતા હતા પરંતુ આરોપીને મારની કોઈ અસર થતી નહતી.

ઓચિંતા આવેલા જયદેવે આ દ્રશ્ય જોઈને દોડીને તે આરોપીનું નાક દબાવી દીધું અને થોડીવારમાં જ આરોપીએ જમાદાર મકવાણાને છોડી દીધા થોડીવાર તો મકવાણા કાંઈ બોલી શકયા નહિ પેલા બે કોન્સ્ટેબલોએ આરોપીને હાથમાં અને પગમાં પણ હાથકડીઓ પહેરાવી દીદી મકવાણા થોડા હોશમાં આવતા જયદેવે પૂછયું કે આમ કેમ થયું? આથી મકવાણાએ કહ્યું કે આ વ્યકિત વિરૂધ્ધ તેના માતા પિતાએ જ અરજી આપી હતી કે તે ઝનુની ગાંડો થઈ ગયો છે હવે પડોશીઓ ને આડેધડ મારે છે. વળી તેની તાકાત પણ ખવીસ (તાકાત વાળુ ભુત) જેવી છે તેથી તે કોઈથી ડરતો પણ નથી. આથી મેં લ્યુનસી એકટ કલમ ૧૩ મુજબ (હાલ ધ મેન્ટલ હેલ્થ એકટ) મુજબ કાર્યવાહી કરી તેને કસ્ટડીમાં લઈ આજે મેજીસ્ટ્રેટ પાસે રજૂ કરવાનો હતો અને પોલીસ સ્ટેશનમાં લાવતા તેને ગાંડપણનું ભૂત સવાર થતા આમ બન્યું જો તમે બે જ મીનીટ મોડા આવ્યા હોત તો મરી તો અત્યારે લાશ જ પડી હોત ! જયદેવે કહ્યું હવે ‘જવાદો કાયદામાં પણ ગાંડાનું કૃત્ય ગુન્હો ગણ્યું નથી.

મકવાણાએ જયદેવને પૂછયું કે સાહેબ એ તો જણાવો કે તમને આવા ખવીસ જેવા ગાંડાના સકંજામાંથી છોડાવવાનો તાત્કાલીક આઈડીઆ કઈ રીતે આવ્યો? કેમકે આ બંને કોન્સ્ટેબલો તો આડેધડ પુરી તાકાતથી મારી મારીને થાકી ગયા હતા પણ તે મને મૂકતો જ નહતો. જયદેવે કહ્યું જયાં ન પહોચે કવિ ત્યાં પહોચે અનુભવી આમારા બચપણની વાત છે. હું મારા મિત્ર સાથે મારા ગામ વરતેજની માલેશ્રી નદીના કાંઠે આવેલા આંબાના વનોમાં ગયો હતો ત્યાં મારા એક જોડીદારે આંબાના ઝાડ ઉપરથી બખોલમાંથી પોપટ પકડયો આમતો તે પોપટનું બચ્ચુ હતુ પણ તે મોટુ થઈ ગયું હતુ તેના શરીર ઉપર સંપૂર્ણપણે પોપટી રંગના સુંદર પીછા આવી ગયા હતા અને લાલચટક ચાંચ પણ ઘાટીલી થઈ ગઈ હતી હજુ ગળે કાળો કાંઠલો આવ્યો નહતો અને ઉડતા પણ શીખ્યું નહતુ. મારો જોડીદાર તે પોપટને લઈને ઝાડ ઉપરથી નીચે આવ્યો અને રમાડતો હતો તેવામાં ઓચિંતા જ આ પોપટે તેની ચાંચમાં પેલાની આંગળી પકડી લીધી પેલા જોડીદારે આંગળી છોડાવવા કોશિષ કરી પણ પોપટ આંગળી છોડતો જ નહતો. આ જોડીદારે પોપટને છૂટો મૂકી દીધો તો પણ આંગળીતો મૂકી જ નહી અને આંગળીએ લટકતો રહ્યો તેની ચાંચ આગળીમાં ઉંડી ઉતરતી જતી હતી અને પીડા પણ વધતી જતી હતી જયદેવ સ્કુલમાં ભણેલો કે પશુ પક્ષી શ્વાસ લીધા સિવાય બે ત્રણ મીનીટથી વધારે જીવી શકે નહિ તે યાદ આવતા તેણે પોપટની ચાંચ ઉપર આંખ તરફના ભાગે બે કાણશ હોય છે જે તેના શ્વાસના કાણા હોય છે ત્યાં બે આંગળી દબાવી દેતા પોપટે તુરત ચાંચ માંથી આંગળી છોડી દીધી હતી આમ આ જુનો અનુભવ આ મોકે નિર્ણય લેવામાં કામ આવી ગયો.

એક દિવસ સવારના દસેક વાગ્યે જમાદાર સામંતસિંહે જયદેવને કહ્યું ‘સાહેબ એક ખાનગી વાત કરૂ પણ તમે જો કોન્સ્ટેબલ વિરૂધ્ધ કાંઈ કાર્યવાહી ન કરો તો જ કરૂ જયદેવે કહ્યું ભલે સૌનું સારૂ થાય તેમ કરીશુ આથી સામંતસિંહે કહ્યું કે ગઈ રાત્રીનાં વાયરલેસ ઓપરેટરની ફરજ વાળો કોન્સ્ટેબલ હસમુખ વહેલી સવારે તેના મિત્રનું મોટર સાયકલ લઈ કાળાસર રોડ ઉપર ટ્રાફીક ચેકીંગમાં ગયો હતો.માનો ને ખર્ચા પાણીના કાઢવા જ ગયો હતો. પરંતુ કોઈક વાહનનો પીછો કરતા તે વાહન મોટર સાયકલ સાથે અથડાઈ જતા પડી ગયેલ અને સામાન્ય ઈજા થયેલી પણ જાતે જ ઉભો થઈને ઘેર આવી સુઈ ગયેલ છે. પરંતુ મને વહેમ છે કે હસમુખને ઈજા વધારે છે. તે સારવારમાં ગયો નથી કમેકે મેડીકો લીગલ કેસ થાય તો તપાસ થાય અને ગુન્હો દાખલ થાય ખાતાકીય ઈન્કવાયરી થવાની બીકને લીધે દવાખાને ગયો નથી તેના ઘરનાનું પણ માનતો નથી.

જયદેવને થયું કે ભલે કસુર તો કરી જ છે. પણ જવાનતો પોલીસ દળનોજ છે. દુ:ખી ન થવા દેવાય તેમ નિર્ણય કરીને જીપ લઈ સામંત સિંહને લઈને પોલીસ લાઈનમાં આવ્યો અને સામંતસિહને ઘરમાં મોકલી બોલાવી લાવવાનું ક્હ્યું પણ સામંતસિંહ ઘરમાં જતા જ હસમુખની પત્નીએ રડતા રડતા કહ્યું કે એવું લાગે છે કે બેભાન થઈ ગયા છે. જવાબ પણ નથી દેતા બીજા પોલીસ જવાનોની મદદથી હસમુખને લાઠી સરકારી દવાખાને દાખલ કર્યો લાઠીના ડોકટરોએ હસમુખને રાજકોટ દવાખાને રીફર કર્યો હસમુખને બ્રેઈન હેમરેજ થયું હતુ સાતેક દિવસ બેભાન અવસ્થામાં સારવાર ચાલી.

દરમ્યાન જયદેવે લાઠીમાં તપાસ કરી અકસ્માત વાળુ મોટર સાયકલ કબ્જે કર્યું અને અકસ્માત કરનાર ખાનગી બસ ને પણ શોધી કાઢી હસમુખ એક અઠવાડીયા પછી ભાનમાં આવ્યો બસવાળા વિરૂધ્ધ ભારતીય ફોજદારી ધારાની ક. ૨૭૯, ૩૩૮ તથા મોટર વ્હીકલ એકટની કલમો મુજબ એફ.આઈ.આર. કરી અને કોન્સ્ટેબલ હસમુખની ગેરશિસ્ત અંગે ઈન્કવાયરી કરી રીપોર્ટ કર્યો અને ખાતાકીય તપાસ પણ નીમાઈ.

પરંતુ જયદેવની બદલી થયા પછી પણ જયારે કોન્સ્ટેબલ હસમુખ જયદેવને મળતો ત્યારે અતિ આભાર વશ થઈને નમસ્કાર કરીને કહેતો કે સાહેબ ‘તમે મારા ભગવાન જો તમે મકકમ નિર્ણય કરી મને હોસ્પિટલમાં દાખલ ન કર્યો હોત તો હું હંમેશને માટે સુતો જ રહી જાત!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.