Abtak Media Google News

ગોંડલ ખાતે ભુવનેશ્વરી ગીર બ્રિડિંગ ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રિય મંત્રી પુરૂષોતમ રૂપાલા

અબતક,રાજકોટ

કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિયેશન અને કાઠિયાવાડી મારવાડી અશ્વ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આયોજીત સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી નવયુવાનોમાં અશ્વો પ્રત્યે રુચિ કેળવાય, અશ્વો તરફ આકર્ષિત થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવા આયોજકોને અનુરોધ કર્યો હતો. ભાવિ  પેઢીને પ્રોત્સાહિત કરવા વધુમાં વધુ અશ્વ શો કરવા પર મંત્રી  રૂપાલાએ ભાર મુક્યો હતો.

01

આ તકે મંત્રી  પુરૂષોત્તમભાઈ રૂપાલાએ અશ્વપ્રેમીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ રત્નોમાં જેનો સમાવેશ થાય છે તેવા કાઠીયાવાડી અશ્વો આપણી સંસ્કૃતિની વિરાસત છે, આ અમૂલ્ય રત્નનું સંવર્ધન કરી જાળવણી માટે શક્ય તેટલા પ્રયત્નો કરવા આપણી જવાબદારી છે. જાફરાબાદી ભેંસ, કાઠિયાવાડી અશ્વ સહિત ગીર ગાય જેવું લુપ્ત થતું પશુધન આપણી પારંપરિક વિરાસત છે, તેની યોગ્ય જાળવણી થાય તે અત્યંત આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે, પશુધનના યોગ્ય સંવર્ધનમાં જમીનનો પણ પ્રભાવ પડતો હોવાથી યોગ્ય આબોહવામાં સંવર્ધન થાય તે જરૂરી હોવાથી કાઠિયાવાડી અશ્વો માટેની લેબોરેટરી પણ કાઠિયાવાડમાં જ સ્થપાય તે અનિવાર્ય છે.

આ તકે અશ્વદોડમાં પ્રથમ વિજેતા થયેલા અશ્વવીરનું સન્માન કરતા મંત્રી એ જણાવ્યું હતું કે, અશ્વ દોડ કે અન્ય અશ્વ સ્પર્ધામાં વિજેતા થતાં અશ્વવીરોને જાહેરમાં સન્માનીત કરી પ્રોત્સાહન આપવું જોઈએ. મંત્રીએ  રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર આવેલ ભુવનેશ્વરી ગીર બ્રીડિંગ ફાર્મની મુલાકાત  લીધી હતી. આ ગૌશાળામાં આશરે 200 જેટલી ગાયો તથા 15 કાઠિયાવાડી અશ્વો આશ્રય લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ આચાર્ય ઘનશ્યામ મહારાજ, ઉપપ્રમુખ અને જસદણ દરબારશ્રી સત્યજીત ખાચર, ડો. વલ્લભભાઈ કથીરીયા, શામજીભાઈ ખુંટ દ્વારા પ્રસોંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ખજાનચી અજીતસિંહ ગોહિલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.આ તકે સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ડો. વલ્લભભાઈ કથીરીયા, અગ્રણી ચેતનભાઈ રામાણી, ભુવનેશ્વરી મંદિર અધ્યક્ષ રવિદર્શન વ્યાસ,અશ્વ મંડળીના સભ્યો સહિતના અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.