Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ પદ સવર્ણ સમાજને અપાતા હવે મેયર પદે પાટીદાર સમાજને બેસાડાશે તે વાત લગભગ ફાઇનલ: શિક્ષણ સમિતિ માટે પણ પ્રદેશમાં મોકલાવાયેલા નામો ફરશે

કમલેશ મિરાણીના સ્થાને શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશભાઇ દોશીની વરણી કરવામાં આવી છે. તેઓ આવતીકાલે ચાર્જસંભાળશે. તેઓને શુભેચ્છા અને સન્માન માટે ખુબ જ ઓછો સમય મળશે કારણ નવનિયુકિત અઘ્યક્ષ સામે પ્રથમ પડકાર શિક્ષણ સમિતિના 1ર સભ્યોની ચૂંટણી ન થાય અને ભાજપના તમામ સભ્યો બીનહરીફ ચુંટાઇ આવે તે રહેશે. પ્રમુખપદ સવર્ણ સમાજને આપવામાં આવતા હવે શિક્ષણ સમીતીના ચેરમેન અને કોર્પોરેશનના નવા પદાધિકારીઓની નિયુકિતના સમિકરણોમાં ખુબ જ મોટો ઉથલ પાથલ આવશે સમિતીના 1ર સભ્યો માટે જે 4ર નામ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ મોકલવામાં આવ્યા છે. તેમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

લોકસભાની સામાન્ય ચુંટણીના આડે હવે માત્ર 10 માસ જેટલો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે નવનિયુકત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સામે લોકસભાની ચૂંટણી પૂર્વ શહેર ભાજપનું મજબુત ગણાતા સંગઠન માળખાને વધુ મજબુતી આપવાનો પડકાર ઉભો છે આવતીકાલે શનિવારે ચાર્જ સંભાળતાની સાથે તેઓએ ગણતરી કલાકોમાં પુરજોશમાં એકટીવ થઇ જવું પડશે. શકય તેટલું નવું સંગઠન માળખુ જાહેર કરી દેવું પડશે. જેના કારણે તમામ હોદેદારોની ચુંટણી લક્ષી જવાબદારી ફિકસ કરી શકાય અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલનું જે સપનું છે કે લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપના ઉમેદવારો પાંચ લાખથી પણ વધુ મતોની લીડ સાથે વિજેતા બને. શહેર ભાજપનું સંગઠન માળખુ પહેલેથી જ મજબૂત છે. આવામાં મુકેશભાઇ માટે આ અંગે કોઇ મોટી ચિંતા નથી. પરંતુ પ્રમુખપદ માટે જે નેતાઓના નામ ચાલતા હતા તેઓની નિયુકિત ન થતાં હવે તેઓને સાથે રાખીને ચાલવું થોડુ કઠીન રહેશે.

વર્ષ 2021માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપ શહેરના 18 વોર્ડ પૈકી 17 વોર્ડની 68 બેઠકો પર વિજેતા બન્યું છે. ભાજપ પાસે હાલ 68 કોર્પોરેટરોની વિશાળ ટીમ છે. આ ઉપરાંત વિધાનસભાની ચારેય બેઠકો પર ગત ડિસેમ્બરમાં ભાજપના ધારાસભ્યો ચુંટાઇ આવ્યા છે અને તમામને તોતીંગ લીડ મળી હતી. છેલ્લે બે ટર્મથી લોકસભાની બેઠક પણ ભાજપ જીતી રહ્યું છે. સામા પક્ષે શહેર કોંગ્રેસનું સંગઠન દિન-પ્રતિદિન વેર-વિખેર થઇ રહ્યું છે. જેનો કેવી રીતે લાભ લઇ શકાય તે માટે મુકેશભાઇએ વ્યહુ રચના ગોઠવવી પડશે.

જ્ઞાતિ-જાતિના સમીકરણો સાચવવા માટે પ્રમુખપદ જયારે સવર્ણ સમાજને આપવામાં આવે ત્યારે મેયર તરીકે પાટીદર સમાજમાંથી આવતા નેતાની નિયુકિત કરવામાં આવે છે કોર્પોરેશનના વર્તમાન શાસકોની અઢી વર્ષની મુદત આગામી 1રમી સપ્ટેમ્બરે પૂર્ણ થઇ રહીછે. હવે પ્રમુખ પદે મુકેશભાઇ દોશીની વરણી કરવામાં આવતા મેયર સહિતના પદાધિકારીઓ માટે નિયુકિતના સમીકરણો બદલાશે. વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર સમાજને શહેરની ચાર બેઠકો પૈકી બે માંથી માત્ર એક જ ટિકીટ આપવામાં આવી હોય આવામાં હવે મેયરપદ પાટીદાર સમાજને આપવામાં આવે તેવી શકયતા વધી જવા પામી છે. હવે પછી મેયરની અઢી વર્ષની ટર્મ મહિલા અનામત હોય નવા સમિકરણો મુજબ ભારતીબેન પરસાણા અને જયોત્સનાબેન ટિલાળાના નામોની ચર્ચા અત્યારથી જ શરુ થઇ ગઇ છે.

આગામી 19મી જુને શિક્ષણ સમિતિના 1ર સભ્યોની ચુંટણી છે. કોર્પોરેટરોની સંખ્યા બળના આધારે કોંગ્રેસને એક પણ બેઠક મળે તેમ નથી. છતાં કુકરી ગાંડી કરવા માટે કોંગ્રેસ એક ફોર્મ ભરે તેવી શકયતા પણ જણાય રહી છે. આવામાં નવનિયુકત શહેર ભાજપ અઘ્યક્ષ મુકેશભાઇ દોશી સામે પ્રથમ પડકાર શિક્ષણ સમિતિની ચુંટણીમાં આગામી 1 જુનના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાના દિવસે ભાજપના જ 1ર ઉમેદવારો ફોર્મ ભરે તે રહેશે. કોંગ્રેસને ફોર્મ ન ભરવા મનાવવું પડશે.

કમલેશ મિરાણી મુકેશભાઇને મજબુત સંગઠન માળખુ વારસામાં આપીને ગયા છે. પરંતુ રાજય સરકારમાં સપ્ટેમ્બર-2021માં નેતૃત્વ પરિવર્તન બાદ જે રીતે શહેર ભાજપનું સરકાર અને પ્રદેશ સંગઠનમાં વજન સતત ઘટી રહ્યું છે તેને પુન: પ્રસ્થાપિત કરવાની જવાબદારી મુકેશભાઇના ખભે રહેશે હાલ ભલે ખુલ્લીને સામે ન હોય પરંતુ ભાજપમાં પણ કેટલાક જુથ છે જે અંદરો અંદર  વર્ચસ્વ પ્રસ્થાપિત કરવાની લડાઇ લડી રહ્યા છે. નવા પ્રમુખ લોકસભાની ચુંટણી પહેલા બધુ સમુ સુતરૂ કરી નાંખવું પડશે.

નવનિયૂકત પ્રમુખ મૂકેશ દોશી 10 દિવસમાં નવુ સંગઠન માળખુ જાહેર કરાશે

શહેર ભાજપના મોવડીઓ સાથે બેઠકોમાં ધમધમાટ

રાજકોટ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ મુકેશભાઇ દોશી આવતીકાલે સવારે નવી જવાબદારી અર્થાત ચાર્જ સંભાળી લેશે આજે સવારે પણ તેઓ શહેર ભાજપ કાર્યાલયે ગયા હતા. નવા સંગઠન માળખાની રચના કરવા માટે ભાજપના મોવડીઓ સાથે સતત બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવતીકાલે ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુકત પ્રમુખ શહેર ભાજપનું નવું સંગઠન માળખુ રચવાની પ્રક્રિયા શરુ કરી દેશે. પ્રદેશ હાઇકમાન્ડ, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને રાજકોટના પ્રભારી સાથે જરુરી વિચાર વિમર્શ કર્યા બાદ આગામી દશ દિવસમાં શહેર ભાજપનું નવું સંગઠન માળખુ જાહેર કરી દેવામાં આવશે. પ્રમુખ પછી ત્રણ મહામંત્રીઓનો હોદો પક્ષમાં મોટો માનવામાં આવે છે. મહામંત્રી પદે જ્ઞાતિ-જાતીના સમિકરણોને ઘ્યાનમાં રાખી નિયુકત કરવામાં આવશે.

સૌથી વધુ પ્રમુખ પદે રહેવાનો રેકોર્ડ સર્જનાર કમલેશ મિરાણીને શિક્ષણ સમિતિ નડી ગઇ !!

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ બનાવનાર કમલેશભાઇ મિરાણીને લોકસભાની ચૂંટણી સુધી પ્રમુખ પદે ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા હતી. પરંતુ ગત સપ્તાહે શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ 15 સભ્યોના સામૂહિક રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે રાજ્યભરમાં રાજકોટની આબરૂનું ધોવાણ થયું હતું.

કમલેશભાઇની મુદ્ત તો પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ લોકસભાની ચૂંટણી સુધી ફેરફાર કરવામાં ન આવે તેવું લાગતુ હતું. પરંતુ શિક્ષણ સમિતિને ઘરભેગી કરાવાની ઘટના બાદ શહેર ભાજપની આબરૂનું ધોવાણ થયું હતું. જેના કારણે હાઇકમાન્ડે કોઇને અંદેશો પણ ન આવે તે રિતે રાજકોટના પ્રમુખ બદલી નાખ્યા.

નવી ટીમ જ બનશે, કોઇ રિપીટ નહીં મહામંત્રી માટે 15 નામો ચર્ચામાં

ત્રણ મહામંત્રી પદે પાટીદાર, બ્રાહ્મણ અને ઓબીસીનું બેલેન્સ કરાશે

શહેર ભાજપના પ્રમુખ તરીકે મુકેશભાઇ દોશીની નિયૂક્તી કરવામાં આવ્યા બાદ હવે સંગઠન માળખામાં કોનો-કોનો સમાવેશ કરવામાં આવશે. તે અંગે કાર્યકરોમાં રોચક ચર્ચાઓ થવા માંડી છે. આખી ટીમ નવી હશે એકપણ ચહેરાને રિપીટ કરવામાં નહી આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે. પ્રમુખ પદ બાદ સૌથી મહત્વપૂર્ણ હોદ્ા એવા મહામંત્રીની ત્રણ જગ્યાઓ પર પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ અને ઓબીસી સમાજનું બેલેન્સ કરવામાં આવશે. મહામંત્રી પદ માટે હાલ 15 જેટલા નામોની ચર્ચા ચાલી રહી છે.

જેમાં પૂર્વ ડેપ્યૂટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયા અને વલ્લભભાઇ દુધાત્રા, કડવા પટેલ સમાજના અશ્ર્વિનભાઇ ભોરણીયા અને કાંતિભાઇ ઘેટીયા, બ્રહ્મ સમાજમાંથી કિરીટભાઇ પાઠક, મનિષભાઇ ભટ્ટ અને માધવભાઇ દવે જ્યારે બક્ષીપંચ સમાજમાંથી દલસુખભાઇ જાગાણી, રમેશભાઇ પરમાર, લલીતભાઇ વાડોલીયા, અજયભાઇ પરમાર, કિશોરભાઇ પરમાર અને રાજુભાઇ બોરિચાના નામો ચર્ચાય રહ્યા છે. આવતા સપ્તાહે શહેર ભાજપનું નવું સંગઠન માળખુ જાહેર કરી દેવાશે.

પ્રમુખોની નામાવલી

  • કાંતિભાઇ વૈદ (જન સંઘ)
  • વજુભાઇ વાળા (જનતા મોરચો)
  • રમણીકભાઇ વૈદ (ભાજપ)
  • જીતુભાઇ શાહ
  • ગોવિંદભાઇ પટેલ
  • કમલેશભાઇ જોશીપુરા
  • રમેશભાઇ રૂપાપરા
  • પ્રતાપભાઇ કોટક
  • ધનસુખભાઇ ભંડેરી
  • નીતીનભાઇ ભાદ્વરાજ
  • ભીખાભાઇ વસોયા
  • કમલેશભાઇ વિરાણી
  • મુકેશભાઇ દોશી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.