Abtak Media Google News
  • વડાપ્રધાનના સૌરાષ્ટ્રના પ્રવાસ કાર્યક્રમ પૂર્વે જ જીલેટીન, ડીટોનેટર અને કેપડી સહિત બ્લાસ્ટ થઇ શકે તેવા પર્દાથની ચોરીથી પોલીસમાં દોડધામ મચી ગઇ’તી
  • રાજહંસ સ્ટોન કટીંગ કંપનીમાંથી કંઇ રીતે ચોરી થઇ અને લાપાસરની સીમમાં રેઢો કોને મુક્યો: એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સઘન તપાસ

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ આડે છે ત્યારે સમગ્ર રાજયમાં વીવીઆઇપી દ્વારા પ્રચાર અર્થે આવન-જાવન થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જામનગર અને જામ કંડોરણા ખાતે બે દિવસનું રોકાણ છે તે દરમિયાન જ રાજકોટની ભાગોળે આવેલા લાપાસરી ખાતેથી વિસ્ફોટક સામગ્રીની થયેલી ચોરીના પગલે એટીએસ સહિતની સુરક્ષા એજન્સીમાં દોડધામ થઇ ગઇ છે તે દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને વિસ્ફોટક સામગ્રીની ચોરી અંગે મહત્વની કડી મળી છે. ચોરાયેલા જીલેટીન, ડીટોનેટર અને કેપડી સહિતનો જથ્થો લાપાસરી નજીકથી એક ખેતરમાંથી બીનવારસી મળી આવતા પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો છે. પરંતુ ચોરી કંઇ રીતે થઇ અને વિસ્ફોટક સામગ્રી કેમ રેઢી છોડી દીધી તે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ જારી રાખી છે.

શહેરના કાલાવડ રોડ પર બીગ બજાર પાછળ બ્રહ્મકુંજ સોસાયટીમાં રહેતા અને લાપાસરી ખાતે રાજહંસ સ્ટોન કટીંગ કંપની ધરાવતા એભલભાઇ લાભુભાઇ જલુના લાપાસરી ખાતેની કંપનીમાંથી રૂા.40,500ની કિંમતના 1400 જીલેટીન સ્ટીક, 250 નંગ બ્લાસ્ટીંગ કેપ અને બ્લાસ્ટીંગ કરવાનો 1500 મીટર વાયર તા.6ની રાતે ચોરાયા અંગેની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૌરાષ્ટ્રના પ્રવાસના એક દિવસ પુર્વે જ લાપાસરી ખાતેથી વિસ્ફોટક પર્દાથની થયેલી ચોરીની ઘટનાને પોલીસ તંત્ર દ્વારા ગંભીરતા સાથે સઘન તપાસ શરૂ કરવામાં હતી. એટીએસ, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આજી ડેમ પોલીસ દ્વારા વિસ્ફોટક સામગ્રી અંગેના જરૂરી લાયસન્સ, જથ્થો કયાંથી મેળવ્યો અને ચોરીની ઘટનામાં કોણ સંડોવાયું હોય તે અંગેની તપાસ માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગ દર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા અને જે.ડી.ઝાલા સહિતના સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમ બનાવી વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમિયાન રાજહંસ સ્ટોન કટીંગ કંપનીમાંથી ચોરાયેલો વિસ્ફોટક પર્દાથ લાપાસરી નજીકના એક ખેતરમાંથી રેઢો મળી આવ્યો હોવાથી પોલીસે રાહતનો સ્વાસ લીધો હતો. પરંતુ ચોરી કોને કરી અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસ જારી રાખી છે. રાજહંસ સ્ટોન કટીંગ કટીંગ કંપનીમાં પથ્થરની ખાણમાં કમ્પેસરથી દાર બનાવી જીલેટીનના ટોટા પુરા પાડવાનો ભરત ચાવડા અને ભરત બારૈયાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. બંને કોન્ટ્રાકટરો ગોંડલ તાલુકાના ચરખડીના સિઝન એક્સ્પોઝીવ ખડવંથલીના કોન્ટ્રાકટર નૈમિશ જયસુખ ગજેરા પાસેથી સાત પેટી લાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રાજહંસ સ્ટોન કટીંગ કંપનીના રૂમમાંથી કંઇ રીતે ચોરી થઇ તેમજ ખરેખર ચોરી થઇ છે કે કેમ અને વિસ્ફોટક સામગ્રી અંગેનું સ્ટોક રજીસ્ટર રાખવામાં આવ્યું છે કે કેમ તે અંગે પૂછપરછ કેટલાક શકમંદોની પૂછપરછ ચાલી રહી છે. પરંતુ વિસ્ફોટક સામગ્રીનો પુરેપુરો જથ્થો મળી આવતા પોલીસે રાહત અનુભવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.