કાલથી ગીર મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ

સાંસ્કૃતિક કાર્યક્રમો, એડવેન્ચર, થ્રીલીંગ ગેમ્સ સહિતની અનેક ઈવેન્ટો સાથે ૧ થી ૧૬ સપ્ટેમ્બર સુધી મોનસુન ફેસ્ટીવલનો જમાવડો રહેશે

ટુરિસ્ટોને આકર્ષવા ગુજરાત ટુરિઝમ અવાર-નવાર નવતર પ્રયાસો કરતું રહે છે જેના ભાગરૂપે આવતીકાલથી ગીર મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ થઈ રહ્યો છે જે ૧ થી ૧૬ સપ્ટેમ્બર સુધી ચાલશે. સાસણ ગીરની નજીક આવેલા ભાલચેલ ગામમાં સિંહોની ગર્જના અને લીલાછમ વાતાવરણની વચ્ચે ગીર મોનસુન ફેસ્ટીવલ ધુમ મચાવશે. સાસણ ટુરીસ્ટ ડેસ્ટીનેશન અને એડવેન્ચરોથી ભરપુર છે પણ એશિયેટ્રીક લાયનો તેનું મુખ્ય આકર્ષણ છે.

ગીર મોનસુન ફેસ્ટીવલમાં ઝોરબીંગ, રસ્સી ખેંચ, બીજા બેલેન્સ, રેઈન ડાન્સ, વોલીબોલ, મેરેથોન, ટચ સ્ક્રીન કમ્પ્યુટર ગેમ્સ, ફોટો કોર્નર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ તો જન્માષ્ટમી અને તહેવારોમાં સાસણમાં ટુરિસ્ટોનો જમાવડો રહેતો જ હોય છે પણ ગીર મોનસુન ફેસ્ટીવલ સહેલાણીઓ માટે સોનામાં સુગંધ ઉમેરશે. ટુરીઝમ કોર્પોરેશન ગુજરાત લીમીટેડ ગીર મોનસુન ફેસ્ટીવલની ઉજવણી કરી રહ્યું છે. ભાલચેલના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાજયના ટુરિઝમ અને ફોરેસ્ટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરી ફેસ્ટીવલનો પ્રારંભ કરવામાં આવશે.

ટુરિઝમ વિભાગના જેનુ દેવને જણાવ્યું હતું કે, ગીરના જંગલો ફકત ગુજરાત નહીં પરંતુ ભારતભરની શાન છે. લોકો ગીર આવે છે કારણકે આફ્રિકા બાદ માત્ર ગુજરાતના જંગલમાં સિંહ જોવા મળે છે. એવામાં ચોમાસામાં તો ગીર ગઢડા લીલીછમ ચાદર ઓઢે છે. ગીરની ટેકરીઓ, નદીઓ અને પ્રકૃતિનો સ્પર્શ ગુજરાતનું સૌભાગ્ય છે. ગીર મોનસુન ફેસ્ટીવલ લોકોને ગુજરાતની સંસ્કૃતિ કળા અને મુખ્ય આકર્ષણોથી વાકેફ કરાવશે. સિંહો ઉપરાંત ગીરના કમલેશ્વર ડેમમાં મગર, પક્ષીઓ, હરણ અને અન્ય જાનવરો પણ જોવા મળે છે. ૩૦ પ્રકારના મેમલ્સ, ૩૦૦ પ્રજાતીના પંખીઓ અને અઢળક સ્તનધારી જાનવરોનો પણ સમાવેશ થાય છે.